Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પબુભા માણેક દ્વારા કોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર

દ્વારકા ચૂંટણીને હાઇકોર્ટ દ્વારા રદ કરવાનો મામલો : સુપ્રીમમાં ૨૨મીએ સુનાવણી : કોંગીના મેરામણ ગોરિયા દ્વારા પણ સુપ્રીમમાં કેવિયેટ : સુનાવણી ઉપર નજર રહેશે

અમદાવાદ,તા. ૧૫ : દ્વારકા વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભુલ હોવાના મામલે થયેલી ઇલેકશન પિટિશનમાં તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે ભાજપના પબુભાએ હાઈકોર્ટના ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેની સુનાવણી તા.૨૨મી એપ્રિલે હાથ ધરાય તેવી શકયતા છે. તો, બીજીબાજુ, કોંગ્રેસના આ બેઠકના તત્કાલીન ઉમેદવાર અને હાઇકોર્ટમાં પિટિશન કરનાર મૂળ અરજદાર મેરામણ ગોરિયાએ પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી દાખલ કરી દીધી છે કે જેથી સુપ્રીમકોર્ટ તેમને સાંભળ્યા વિના પબુભાની અરજીમાં કોઇ રાહત ના આપી દે અને તેમનો પક્ષ સાંભળવાની અને રજૂઆત કરવાની તક આપે. ઉલ્લેખનીય છે કે, દ્વારકા ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રખર શિવભક્ત અને ભાજપના ધારાસભ્ય પબુભા માણેક ૬૯૪૩ મતોની લીડથી વિજયી થયા હતા. ત્યારે તેમની સામે હારેલા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ પબુભાની જીત અને તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે હાઈકોર્ટે ભાજપને મોટો ઝટકો આપ્યો હતો અને ૨૦૧૭ની દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદબાતલ ઠરાવી હતી. જેને પગલે હવે દ્વારકામાં ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજાશે અને પબુભાનું ધારાસભ્ય પદ પણ જશે. પોતાનું ધારાસભ્યપદ ખતરામાં પડતાં ભાજપના પબુભા માણેકે આખરે સુપ્રીમકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હાઇકોર્ટના ચુકાદાને પડકાર્યો છે. આ અરજીની સુનાવણી તા.૨૨મી એપ્રિલે હાથ ધરાય તેવી શકયતા છે. તો બીજીબાજુ, કોંગ્રેસના મેરામણે તો પહેલેથી જ સુપ્રીમકોર્ટમાં કેવીયેટ દાખલ કરી દીધી હતી કે જેથી આ કેસમાં તેમને સાંભળ્યા વિના સુપ્રીમકોર્ટ કોઇ હુકમ ના કરી દે. આમ, હવે ગુજરાતમાં તા.૨૩મી એપ્રિલે મતદાન યોજાવાનું છે તેના આગલા દિવસે તા.૨૨મીની આ કેસની સુનાવણી મહત્વની બની રહેશે.

(7:30 pm IST)