Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

કોંગ્રેસ પ્રમાણિક ચોકીદારોને ચોર કહે છે જે કમનસીબ છે

રાજકોટમાં મેં ભી ચોકીદાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર : સેનાને આધુનિક ટેકનોલોજી મળે તે દિશામાં મોદી કામો કરી રહ્યા છે : રાજ્યને પહેલી સંરક્ષણ યુનિવર્સિટી મળી

અમદાવાદ,તા.૧૪ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે ''મૈ ભી ચોકીદાર'' કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં ઉપસ્થિત ચોકીદારોને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજના આ કાર્યક્રમમાં પ્રમાણિકતા-ઈમાનદારીથી પોતાના જીવના ભોગે બીજાની સંપત્તિ મિલકતોની ચોકીદારી કરનાર ચોકીદારો વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા છે તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. દરેક ચોકીદાર ગરમી, ઠંડી કે વરસાદની પરવા કર્યા વગર પોતાનું કર્મ કરતો જાય છે, સેવા કરતો જાય છે અને જેમના કારણે પ્રજા સુરક્ષિત હોવાનો અહેસાસ કરે છે, તેવા સૌ ચોકીદારો પર મને ખૂબ ગર્વ છે. પણ કમનસીબી અને દુઃખની વાત એ છે કે, કોંગ્રેસ આવા નિષ્ઠાવાન અને પ્રામાણિક ચોકીદારોને ચોર કહી રહી છે. વિડંબના છે કે ભૂતકાળમાં દેશને માજા મૂકીને લૂંટનારા લોકો આજે દેશના ચોકીદાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચોર કહી રહ્યા છે. ૨૦૧૪માં  નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેઓ બાળપણમાં ચા વેચીને મોટા થયા છે, ત્યારે પણ આ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે શું આ ચાવાળો દેશનો પ્રધાનમંત્રી બનશે? ચાવાળો દેશનો પ્રધાનમંત્રી ન બની શકે, ચા વાળો દેશ ના ચલાવી શકે, આવું કહીને સમગ્ર દેશના ચાવાળાઓનું અપમાન કર્યું હતું. સમગ્ર દેશના ચાવાળા નરેન્દ્ર મોદીના સમર્થનમાં ઊતરી આવ્યા હતા.  ૨૦૧૪માં સમગ્ર દેશના ચાવાળાઓએ કોંગ્રેસને કહ્યું હતું, અમે ચા વેચીએ છીએ દેશ નથી વેચતા, અને  ચા વેચીને ગરીબીમાં ઉછરેલા નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. નરેન્દ્ર મોદીએ પોતાની માતાને રસોડામાં ધુમાડામાં જમવાનું બનાવતા જોયા છે, પગપાળા કે સાઇકલ પર ચાલીને દિવસો પસાર કરનારા નરેન્દ્રભાઈને ખબર છે કે, મહેનત અને પરિશ્રમ શું છે. દેશના ગરીબ વર્ગને થતી તકલીફોમાંથી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતકાળમાં સ્વયં પસાર થઇ ચૂકેલા છે. તેથી જ આપણે નસીબદાર છીએ કે આજે એક એવી વ્યક્તિ દેશના પ્રધાનમંત્રી પદ પર છે, જે દેશના સામાન્ય વર્ગને થતી તકલીફોથી વાકેફ છે. બીજી તરફ કોંગ્રેસમાં ફક્ત અને ફક્ત વંશવાદ છે. જે લોકો વિદેશમાં ભણી ,વિદેશમાં પરણી, વિદેશના પ્રભાવ નીચે, સીધા કોકપિટ માંથી પ્રધાનમંત્રી બને એમને શું ખબર કે ગરીબી શું છે? ચા વેચનાર કેટલી મહેનત કરતો હશે એ તેમને શું ખબર? ચોકીદાર દિવસ-રાત પરસેવો પાડીને મહેનત કરીને પોતાની ફરજ નિભાવતો હોય તેને કેટલી તકલીફ પડતી હોય તે આ શેહઝાદાઓ ને શું ખબર? દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હું પણ ચોકીદાર છું. દેશની સુરક્ષા કરવા માટે ચોકીદાર બનીને બેઠો છું. બીજી તરફ જેમનો પોતાનો ઈતિહાસ ચોરીથી ભરપૂર રહ્યો છે, જેમણે માજા મૂકીને ભ્રષ્ટાચાર કર્યો છે, તેવી કોંગ્રેસ પાર્ટી આજે દેશના ઈમાનદાર પ્રધાનમંત્રીને ચોર કહી રહી છે. નરેન્દ્ર મોદીનો કણે-કણ અને જીવનની પ્રત્યેક ક્ષણ દેશ માટે સમર્પિત છે. પ્રમાણિકતા, ઈમાનદારી, "ખાતો નથી ને ખાવા દેતો નથી" જેવા સિદ્ધાંતો સાથે લઈને ચાલનારા વ્યક્તિ છે. દેશની સલામતી અને સુરક્ષા માટે તેઓ કટિબદ્ધ છે. નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ અને કૂટનીતિક સૂઝબૂઝના કારણે જ પાકિસ્તાનને આપણા વિંગ કમાન્ડર અભિનંદનને વાઘા બોર્ડર સુધી પાછા મુકવા આવવું પડ્યું હતું. સેનાને આધુનિક ટેકનોલોજી મળે આધુનિક શસ્ત્ર-સરંજામ મળે નવા ઉપકરણો મળે ભારતની સેના સશક્ત બને તે દિશામાં નરેન્દ્ર મોદી કાર્ય કરી રહ્યા છે. ગુજરાત નસીબદાર છે કે, ગુજરાતમાં દેશની સૌથી પહેલી રક્ષા યુનિવર્સિટી અને ફોરેન્સિક યુનિવર્સિટી છે.

(9:44 pm IST)
  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • રાજકોટમાં સોશ્યલ મીડિયા વોર :લાલચ આપીને ભાજપમાં જોડવા કોશિશ :પાસના કાર્યકરોને લાલચ આપીને ભાજપમાં ખેંચવા પ્રયાસ :મનોજ પનારા અને હેમાંગ પટેલના નામે પોસ્ટ વાયરલ ;જબરી ચકચાર access_time 11:22 pm IST