Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

આઈપીએલ મેચ પર સટ્ટો રમતા ચાર જણાં ઝડપાયા

બાતમીના આધારે ચાર યુવકોની ધરપકડ કરાઈ : દુકાનનો માલિક જીગ્નેશ પટેલ ફરાર : પકડાયેલા યુવકો પાસેથી ૩ લેપટોપ, ૮ મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ,તા. ૧૬ :    શહેરના મેમનગર વિસ્તારમાં ગુરૂકુળ રોડ પર આવેલી કપડાની એક દુકાનમાં આઇપીએલ ટી-૨૦ મેચ પર સટ્ટો રમાડતાં ચાર યુવકોને ઘાટલોડિયા પોલીસે ઝડપી લીધા છે. પોલીસે ચારેય યુવકોની ધરપકડ કરી તેમની પાસેથી ત્રણ લેપટોપ, આઠ મોબાઇલ, વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ઘાટલોડિયા પોલીસ મથકના પીએસઆઇ એમ.એન.પરમારને ચોક્કસ બાતમી મળી હતી કે, મેમનગર ગુરૂકુળ રોડ પર આવેલા શાંતિનિકેતન કોમ્પલેક્ષમાં વોન્ટેડ ફેશન હબ નામની કપડાની દુકાનમાં આઇપીએલ ટી-૨૦ મેચ પર સટ્ટો રમાડાઇ રહ્યો છે. આ બાતમીના આધારે ઘાટલોડિયા પોલીસના સ્ટાફના માણસોએ ગઇકાલે સાંજે અચાનક જ કપડાની આ દુકાનમાં દરોડો પાડયો હતો અને દુકાનમાં અંદરની બાજુએ આવેલ એક નાની રૂમમાં ચાર યુુવકો રોયલ ચેલેન્જર બેંગ્લુરૂ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ રહેલી ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટાનો ભાવ લેવાઇ રહ્યો હતો, તેથી પોલીસે રંગેહાથ તેઓને ઝડપી લીધા હતા. પોલીસના અચાનક દરોડાથી યુવકો ગભરાઇ ગયા હતા. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓમાં નીતિન સરગરા, સ્વપ્નિલ પટેલ, કિશન મેણિયા અને કાંતિ પટેલની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી યુવક પાસેથી એવી ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, દુકાનનો માલિક આરોપી જીગ્નેશ ઉર્ફે જીગરભાઇ પટેલ(રહે.હનુમાનપરા, ઓગણજ ગામ)  બોબડી લાઇનનું કાર્ડ મેળવી સટ્ટાના ભાવ કપાવી જુદા જુદા ગ્રાહકો પાસેથી સોદા કરતો હતો અને આઇપીએલ ટી-૨૦ મેચોમાં મોટો સટ્ટો રમાડતો હતો. પોલીસે ચારેય યુવકોની ધરપકડ બાદ હવે દુકાનના માલિકને પણ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ક્રિકેટ સટ્ટાના આ પ્રકરણમાં વધુ માહિતી કઢાવવા આગળની તપાસ જારી રાખી છે.

 

(8:18 pm IST)