Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

અમદાવાદમાં ટીવી-9ના પત્રકાર ચિરાગને જીવતો સળગાવી દેવાયો: નિકોલમાંથી લાશ મળી :મોબાઈલ ફોન ગાયબ

જમ્યા બાદ ગલ્લે જઈને આવું છું કહીને નીકળેલ ચિરાગ મોડીરાત સુધી પરત નહિ ફરતા પરિવારજનોએ ગુમ થયાની અરજી આપી હતી

અમદાવાદમાં ટીવી-9ના હોનહાર પત્રકાર ચિરાગ પટેલને જીવતો સળગાવી દેવાયાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે ચિરાગની લાશ કંઠવાળા પાસે અવાવરું જગ્યાએથી હત્યા કરાયેલી હાલતમાં મળતા ચકચાર મચી છે.

  અમદાવાદના નિકોલમાં કઠવાળા ટેબલી હનુમાન રોડ પર આવેલી કેનાલ પાસેથી ખુલ્લી અવાવરું જગ્યાએથી યુવકની લાશ મળી આવી હતી.સળગાવેલી હાલતમાં લાશ મળી આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તપાસ  કરતા ઘટના સ્થળેથી યુવકનું સ્પલેન્ડર  બાઇક અને આઈ કાર્ડ મળતા ડેડ બોડી ચિરાગ પટેલ નામના યુવકની હોવાનું ખૂલ્યું હતું.

  ચિરાગ પટેલ શિક્ષાપત્રી પ્લેટિનમ એપાર્ટમેન્ટ, રસપાન ચાર રસ્તા,ભક્તિ સર્કલ રોડ  નિકોલ ખાતે તેના મોટા ભાઈ અને માતા સાથે રહેતો હતો અને ટીવી-9માં કોપી એડિટર તરીકે કામ કરતો હતો. ચિરાગને તેજસ્વી પત્રકાર ગણવામાં આવતો હતો. શુક્રવારના રોજ વિકલી ઓફ હોવાથી ઘરે બપોરે જમ્યા બાદ ગલ્લે જઈને આવું છું તેમ કહી નીકળ્યો હતો. મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. પરિવારજનો પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની અરજી કરવા પહોંચ્યા હતા પરંતુ પોલીસે તપાસ ન કરતા આખરે ચિરાગની હત્યા કરાયેલી લાશ મળી હતી.

નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ એચબી ઝાલાએ જણાવ્યું કે હાલ તો પોલીસે ચિરાગ પટેલના મૃતદેહને પીએમમાં મોકલી પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે, તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી છે. કોલ ડિટેઈલ મુજબ ચિરાગે તેના મોટા સાથે રૂ 10 હજારનું આરટીજીએસ કરવા કહ્યું હતું ત્યાર બાદ ચિરાગે કોઈ પણ વ્યક્તિ સાથે ફોન પર વાત નહોતી કરી. ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળેથી ચિરાગનો મોબાઈલ ફોન પણ નથી મળી આવ્યો

ટીવી 9 ના કોપી એડિટર ચિરાગ પટેલનું દુઃખદ અવસાન થયેલ છે .સદગત ની અંતિમ ક્રિયા આજે રાતે 8 વાગે તેમના નિવાસ સ્થાને  શિક્ષાપત્રી પ્લેટિનમ એપાર્ટમેન્ટ , રસપાન ચાર રસ્તા ,ભક્તિ સર્કલ રોડ  નિકોલ ખાતેથી નીકળશે

(10:29 pm IST)