Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

BRTSના ૩૫૦થી વધુ ગાર્ડને નિયમિત પગાર ચૂકવાતા નથી

બીઆરટીએસની ઉદાસીનતાથી કર્મીઓમાં રોષ : સિક્યુરિટી એજન્સીઓ દ્વારા પગારને લઈને ઉપેક્ષા કરાઈ

અમદાવાદ, તા.૧૬ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ બીઆરટીએસ પ્રોજેક્ટમાં ઇ-બસ અને ઇ-રિક્ષા પ્રાયોગિક ધોરણે દોડાવાઇ રહી છે. બીઆરટીએસ કોરિડોરમાં વધુને વધુ ઇ-બસ અને ઇ-રિક્ષા દોડાવવા માટે તંત્ર પ્રયત્નશીલ બન્યું છે. જો કે, કોરિડોરમાં અન્ય ખાનગી વાહનોને પ્રવેશતા રોકવા માટે ઠંડી, ગરમી કે વરસાદ જોયા વગર દોરડું ઝાલીને ઊભા રહેનારા સિક્યોરિટી ગાર્ડની તેમની જ સિકયોરીટી એજન્સી દ્વારા સદંતર ઉપેક્ષા કરાઇ રહી છે. તંત્ર માટે બહુ શરમજનક કહી શકાય એવી વાત એ છે કે, આ જરૂરિયાતમંદ સિકયોરીટી ગાર્ડ કર્મચારીઓને તેમના હક્કનો પગાર જ સમયસર મળતો નથી, જેને લઇ નારાજ કર્મચારીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ છે. રાત-દિવસ જોયા વિના કે કોઇપણ સીઝન જોયા વિના ફરજ બજાવતાં અને ગંભીર અકસ્માતો નિવારવામાં મહત્વની ભૂમિકા ભજવતા આ સિક્યોરિટી ગાર્ડને સમયસર પગાર ચૂકવાતો નથી. મોટાભાગના સિક્યોરિટી ગાર્ડ નબળી આર્થિક સ્થિતિના હોઇ સામી હોળીએ હજુ પગાર ન થતાં લાચારીમાં મુકાયા છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની સ્થાવર મિલકતો કે જેમાં ખમાસા દાણીપીઠનું મુખ્યાલય, ઝોનલ ઓફિસ, વોર્ડ ઓફિસ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર અને સુએઝ પમ્પિંગ સ્ટેશન, હોસ્પિટલ, શાળા, રિવફ્રન્ટ વગેરેનો સમાવેશ થાય છે તેની સલામતી પાછળ દર વર્ષે મ્યુનિસિપલ તિજોરીમાંથી કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે. તંત્ર દ્વારા જે તે સિક્યોરિટી એજન્સીને નિયત સમયમર્યાદા માટે નિયત સિક્યોરિટી ગાર્ડની નિમણૂક માટે લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાય છે. જો કે આ સિક્યોરીટી એજન્સીમાં અનેક પ્રકારની ગેરરીતિ અવારનવાર પ્રકાશમાં આવતી હોઇ લાંબા સમયથી સિક્યોરિટી એજન્સીનું કામકાજ વિવાદાસ્પદ બન્યું છે. બીઆરટીએસ પ્રોજેક્ટમાં પણ સિક્યોરિટી એજન્સી ડોક્સનની વિવાદાસ્પદ કામગીરી છે. આ એજન્સી દ્વારા જે તે બસ સ્ટેશનની સલામતી ઉપરાંત કોરિડોરમાં અન્ય ખાનગી વાહન ન ઘૂસે તે માટે દોરડું ઝાલીને ઊભા રહેવું તેમજ બીઆરટીએસ બસમાંથી ઊતરતા પેસેન્જરની ટિકિટ જમા કરવી. જેવી ફરજ સાથે સંકળાયેલા સિક્યોરિટી ગાર્ડને ક્યારેય નિયમિત પગાર તો ચૂકવાતો નથી પરંતુ તેમનું આર્થિક શોષણ પણ બેધડક થઇ રહ્યું છે. આશરે ૩પ૦ જેટલા સિક્યોરિટી ગાર્ડને સિક્યોરિટી એજન્સી માત્ર કાગળ પર દર મહિને ૮૦૦૦નો પગાર બતાવીને હાથમાં ફક્ત રૂ.ચારથી છ હજાર ચૂકવીને દિવસના બાર-બાર કલાક સુધી તનતોડ પરિશ્રમ કરાવતા હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે. બીઆરટીએસના જનરલ મેનેજર દીપક ત્રિવેદીને પૂછતાં તેઓ કહે છે આ મારો વિષય નથી તમે મૂકેશ પટેલને પૂછો જ્યારે બીઆરટીએસના ઓપરેશન વિભાગના મુખ્ય અધિકારી મૂકેશ પટેલનો સંપર્ક થઇ શકયો ન હતો.

 

 

(8:14 pm IST)
  • બીસીસીઆઈ શહીદોના પરિવારોની વહારે :શહીદોને પરિવારની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 20 કરોડ રૂપિયા આપશે access_time 10:36 pm IST

  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST

  • રાજનીતિક પોસ્ટરો પર શહીદોની તસ્વીરોનો ઉપયોગ થવો અયોગ્ય :નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક અથવા હવાઇ હુમલો લોકસભા ચૂંટણી અભિયાનનો હિસ્સો ન હોવો જોઇએ access_time 12:51 am IST