Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા ૧૧ બેઠકો ઉપર સેન્સ પ્રક્રિયા પૂર્ણઃ બનાસકાંઠામાં ૩૭ જેટલા દાવેદારો

 

Photo: 206660-banaskantha

બનાસકાંઠા :ભાજપે લોકસભાની ચૂંટણી માટે 11 બેઠકો પર સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી. જેમાં પક્ષના કેટલાંક સિનિયર નેતાઓની સાથે સાથે વર્તમાન સાંસદોએ પણ દાવેદારી નોંધાવી છે. બેઠક પ્રમાણે વાત કરીએ તો, બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપના નિરીક્ષકો સમક્ષ 37 જેટલા દાવેદારોએ ટીકીટ માંગી છે. સાંસદ લીલાધર વાઘેલાની સાથે બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ પણ દાવેદારી નોંધાવી. જેમાં સૌથી વધુ ચૌધરી સમાજના સભ્યોએ દાવેદારી નોંધાવી છે. તો સામે ઠાકોર સમાજના સભ્યોએ પણ દાવેદારી નોંધાવી છે. અને જો ઠાકોર સમાજમાંથી કોઈને ટિકિટ આપવામાં નહીં આવે તો ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ચેરમેન અને બિલ્ડર તથા ઈસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકને ટિકીટ માટે પણ તેમના સમર્થકો રજૂઆત કરશે. તો સાધ્વી નિર્મલપુરી પણ સાધુ સંતો સાથે નિરીક્ષકો સામે આવી પહોંચ્યા હતા અને ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે.

ભાજપ તરફથી ટીકીટ મળી શકે તેવા મુખ્ય દાવેદારો

- હરિભાઈ ચૌધરી, વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી

- શંકર ચૌધરી, ચેરમેન બનાસડેરી અને પૂર્વ મંત્રી

- કેશાજી ચૌહાણ, ભાજપ પ્રમુખ બનાસકાંઠા અને પૂર્વ મંત્રી

- પરથી ભટોળ, પૂર્વ ચેરમેન બનાસડેરી

- શશીકાંત પંડ્યા, ધારાસભ્ય ડીસા

તો બીજી બાજુ કોંગ્રેસ પક્ષમાં પણ અનેક લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં ટીકીટ મળી શકે તેવા મુખ્ય ઉમેદવાર આ મુજબ છે.

- જોઈતાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ધાનેરા

- ગોવાભાઈ રબારી( દેસાઈ), પૂર્વ ધારાસભ્ય ડીસા

- દિનેશ ગઢવી-કોંગ્રેસ પ્રમુખ બનાસકાંઠા

- ગુલાબસિંહ રાજપૂત-પ્રમુખ યુથ કોંગ્રેસ પ્રદેશ ગુજરાત

- ગોવિંદ ચૌધરી-કાર્યપાલક ઈજનેર દાંતા તાલુકા પંચાયત

બનાસકાંઠા લોકસભા બેઠક માટે શંકર ચૌધરીએ દાવેદારી નોંધાવી છે. શંકર ચૌધરીએ ટિકિટ માટે રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, હજી બે દિવસ પહેલા શંકર ચૌધરીએ દાવેદારીની ના પાડી હતી. બે દિવસ પહેલા શંકર ચૌધરીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. શંકર ચૌધરી બે વખત રાજયકક્ષાના મંત્રી રહી ચૂક્યાં છે. વાવ વિધાનસભા બેઠક પરથી ગેનીબહેન સામે હાર્યા હતા.

(4:35 pm IST)