Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં પાણીની ઘટતી સપાટી : ખેતી માટે સિંચાઈનું પાણી બંધ કરાયું

મધ્યપ્રદેશના વિવિધ બંધમાંથી ઉનાળામાં પાણી છોડાય તે માટે દિલ્હી ખાતે બેઠકમાં રજૂઆત

રાજપીપળાઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધની ઘટતી સપાટીને લઈને સરકારની ચિંતા વધી રહી છે, નર્મદા બંધમાં પાણી સંગ્રહ કરવા સરકાર હાલ તમામ પ્રયાસો કરી રહી છે અને મધ્ય પ્રદેશના વિવિધ બંધમાંથી ઉનાળામાં પાણી છોડાય તે માટે દિલ્હી ખાતે બેઠકમાં રજૂઆત કરાઈ છે નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ હવે ગુજરાત સરકાર માટે એક મોટો પડકાર બની ગયો છે.

    સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી હાલ 116.02 મીટર છે, જેમાં લાઈવ સ્ટોરેજ માત્ર 650 mcm જેટલું જ છે. આકારો ઉનાળો હજુ શરૂ થયો નથી, ત્યારે આ દિવસોમાં પીવાનું પાણી આપવું મુશ્કેલ બન્યું છે. જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો બંધની સપાટી 122.64 મીટર હતી, જે ઘટીને ફેબ્રુઆરીમાં 118.02 મીટર થઇ હતી. એટલે કે, એક મહિનામાં 4 મીટર જેટલી ઘટી છે, જ્યારે આજે 115.52 મીટર છે, એટલે વધુ 2 મીટર સપાટી ઘટી છે. આમ ત્રણ મહિનામાં 6 મીટર જેટલો ઘટાડો નોંધાયો છે.
    આ રીતે જ સપાટી ઘટવાની ચાલુ રહેતા રાજ્ય સરકાર દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોને પાણી આપવાનું બંધ કરી દેવાયું હતું. ખેડૂતોની માંગ છતાં હાલ ખેડૂતોને પાણી આપવામાં આવતું નથી. હવે માત્ર ગુજરાતને પીવાનું પાણી મળે એના પર સરકાર ફોકસ કરી રહી છે. જેની સરખામણીમાં જો મધ્યપ્રદેશના વિવિધ ડેમની વાત કરીએ તો મધ્યપ્રદેશના વિવિધ ડેમમાં પાણી સપાટીમાં ખાસ ફરક નોંધાયો નથી. હવે પ્રશ્ન થાય છે કે, નર્મદાનું પાણી જાય છે ક્યાં? આ એક પ્રશ્ન વિચાર માંગી લે તેમ છે.
 

બંધ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ
નર્મદા બંધ 122.65 મીટર 118.02 મીટર 116.02 મીટર
બર્ગી ડેમ 418.25 મીટર 417.19 મીટર 416.16 મીટર
તવા ડેમ 344.79 મીટર 337.84 મીટર 337.72 મીટર
ઈન્દિરા સાગર ડેમ 257.65 મીટર 256.74 મીટર 255.62 મીટર
ઓમકારેશ્વર ડેમ 192.58 મીટર 191.86 મીટર 192.89 મીટર
(12:24 am IST)