Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

પાંચ વર્ષ પહેલા સાંસદે દત્તક લીધેલ પાટણ જિલ્લાનું રોડા ગામ ઝંખે છે પાયાની સુવિધાઓ

પાટણ: વિકાસની હરણફાળ કરવા સાંસદે ગામને તો દત્તક લીધું પણ વિકાસના નામે ગામને મીંડું મળ્યું છે. તેવું જ પાટણનું એક રોડા ગામ જેને પાટણના સાંસદ દ્વારા પાંચ વર્ષ પહેલા દત્તક લીધુ હતું, પરંતુ આજે પણ આ ગામમાં વિકાસ દૂર દૂર સુધી દેખાઇ રહ્યો નથી. અને આજે પણ આ ગામ પાયાની સુવિધા ઝંખી રહ્યું છે.

સાંસદ દ્વારા વિકાસથી વંચિત ગામોને દત્તક લેવાની જાહેરાત થતા પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ હારિજ તાલુકાના રોડા ગામને દત્તક લેવાની જાહેરાત કરી હતી. ગામમાં તમામ પ્રાથમિક સુવિધાથી સભર તેમજ વાઇફાઇ ઇન્ટરનેટથી સજ્જ બનાવીશું તેવા વાયદા પણ કર્યા હતા. ગ્રામજનોએ આ વાયદાઓ તો સાંભળ્યા પરંતુ આજે પણ અફસોસ કરી રહ્યાં છે. જે સાંસદ પોતાના મત વિસ્તારમાં સર્વાંગી વિકાસ કરે તે માટે ચૂંટવામાં આવ્યા હતા. તે રોડા ગામના ગ્રામજનોને આપવામાં આવેલા તમામ વચનો અને વાયદાઓ પોકળ સાબિત થયા છે. જેને આજે પાંચ વર્ષ વીતવા આવ્યા છતાં વિકાસનું એક પણ કામ આજ દિવસ સુધી જોવા મળ્યું નથી.

દત્તક લીધેલા ગામનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે, તેવા મોટ મોટ વાયદાઓ આપ્યા હતા. પરંતુ રોડા ગામમાં વિકાસનું કામ આજ દિવસ સુધી કરવામાં આવ્યુ નથી. આ ગામને જોડતો નથી રસ્તો બન્યો કે નથી કોઇ પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તો ગામ વચ્ચે વડલાની આજુબાજૂના ચોકને એક અલગ જ રીતે નંદનવન જેવું બનાવવામાં આવશે તેવા ગ્રામજનોને સપના દેખાડવામાં આવ્યા હતા. જે આજે પણ એક સ્વપન જ રહેવા પામ્યું છે. ગામમાં એક તળાવ છે જે તળાવના પાણીનો સિંચાઇ તરીકે ઉપયોગ કરી શકાય પણ અહીં તો તળાવ પણ ખાલીખમ જોવા મળી રહ્યું છે.

ગામમાં વિજપોલ તો ઉભા કરવામાં આવ્યા છે પણ તે તો સોભાના ગાઠીયા સમાન બન્યા છે અને રાત્રે અજવાળું મેળવવા માટે ગ્રામજનો દ્વારા બલ્બ લગાડવાની ફરજ પડી રહી છે. પાંચ વર્ષ વીતવા છતાં પણ રોડા ગામના એક પણ કામ કરવામાં આવ્યા નથી. ગ્રામજનો દ્વારા અને અગ્રણીઓએ સાંસદ સમક્ષ અનેકવાર માગણીઓ કરીને વિકાસના કામો માટે રજૂઆત કરી હતી. તેમ છતાં આજ દિવસ સુધી એક રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. ગ્રામજનોની વાત માનીએ તો ચૂંટાઇ ગયા બાદ સાંસદ આ ગામમાં જ આવ્યા નથી.

પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ જે દિવસે રોડા ગામને દત્તક લીધું તે દિવસે જાહેર કાર્યક્રમમાં રોડા ગામનો સર્વાંગી વિકાસ કરી રોડા ગામને નંદનવન બનાવીશું તેવી વાત કરી હતી. પરંતુ તેમાંથી એક પણ કામ સાંસદ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું નથી. સાંસદ લીલાધર વાઘેલાએ ગામને દત્તક લઇને ગામની જાણે કે મજાક-મશ્કરી કરી હોય તેવું ગ્રામજનો માની રહ્યાં છે. આ ગામને આદર્શ ગામ જાહેર કર્યા બાદ ગામનો વેરો વધ્યો છે. રોડ ગામને આદર્શ બનાવવાની વાત તો દૂર રહી આજે રોડા ગામને પીવાનું મીઠું પાણી પણ મળતું નથી.

ગામમાં ગટરની પણ કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. ઠેર-ઠેર ખુલ્લી ગટરો અને કાદવ કીચડથી ગંદકી જોવા મળી રહી છે. ગામમાં આંગણવાડી કેન્દ્ર તો છે પરંતુ તે પણ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે. અહીંયા બાળકોને જીવના જોખમે બેસાડવા પડે છે. રોડા ગામને દત્તક લીધા બાદ આજે પણ ગામની દૂર્દશા અને હાલાત જેવા હતા તેવા જ જોવા મળી રહ્યાં છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં આ દત્તક યોજના ભાજપને ભારે પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. હવે જોવાનું એ છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં વિકાસ ઝંખતા ગ્રામજનોનો મૂડ કેવો રહે છે.

(4:34 pm IST)
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 સીટ ઉપરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા : અમેઠીમાં 3 ટર્મથી ચૂંટાઈ આવતા રાહુલ ગાંધી માટે બીજી સીટ દક્ષિણ ભારતમાંથી પસંદ થાય તેવી શક્યતા : મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશની સલામત ગણાતી સીટની પણ પસંદગી થઇ શકે તેવું જાણકારોનું મંતવ્ય access_time 8:14 pm IST

  • લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની ચોથી યાદી જાહેર :કેરળના 12,યુપીના 7,છત્તીસગઢના 5 અને અરુણાચલ પ્રદેશના 2 અને આંદામાન-નિકોબારના એક ઉમેદવાર જાહેર :શશી થરૂરને તિરૂવનંતપુરમ અને અરૂણચલ પ્રદેશના પૂર્વ સીએમ નાબા, ટૂંકીને અરુણાચલ પ્રદેશની ટિકિટ અપાઈ :કૈરાનામાં હરેન્દર મલિક,બીજનોરથી ઇન્દિરા ભાટી,મેરઠમાં ઓમપ્રકાશ શરમને અને અલીગઢની ચૌધરી વૃજેન્દ્રસિંહને ટિકિટ access_time 12:55 am IST

  • જનતાને સાવધાન રહેવાની જરૂર :નિષ્ફળતાઓથી ધ્યાન હટાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે ભાજપ અને મોદી: બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, જનતાને સાવધાન રહેવાની જરૂર છે access_time 12:51 am IST