Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

કાર નહેરમાં પડતા પરીક્ષા આપવા જતી બહેનનું મોત

બોર્ડ પરીક્ષા આપવા જતી બહેન સાથે ભાઈનું મોત : પિતા-પુત્ર, ધોરણ-૧૨માં ભણતી દિકરી સાથે પ્રેક્ટિકલની પરીક્ષામાં મૂકવા માટે જઇ રહ્યા હતા ત્યારે નડેલ અકસ્માત

અમદાવાદ, તા.૧૬ : સુરતના બારડોલીના ઉવા ગામ ખાતે એક કાર અકસ્માતે નહેરમાં ખાબકતાં બહુ ગંભીર અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સગા ભાઇ-બહેનના નહેરના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજયા હતા, તો પિતાની શોધખોળ ચાલી રહી છે. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવતા એક પરિવારના ભાઈ-બહેનના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે કાર ડ્રાઈવર પિતા નહેરમાં તણાઈ ગયા હોવાની સંભાવનાને લઈને ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ ૧૨ની વિદ્યાર્થિની પ્રેક્ટીકલની પરીક્ષા આપવા પરિવાર મૂકવા જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો, જેમાં પરિવાર વિખેરાયો હતો. અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બારડોલીના મઢી ખાતે આવેલા ચંપા ફળીયામાં શશીકાંતભાઈ ધનસુખભાઈ પરમાર પરિવાર સાથે રહે છે.

          દીકરી ઉર્વી બારડોલીની જીએમ પટેલ વિદ્યાલયમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતી હતી. જ્યારે દીકરો યશ ધોરણ ૮માં અભ્યાસ કરતો હતો. આજે ઉર્વીની બોર્ડની પ્રેક્ટીકલની પરીક્ષા હોવાથી તેઓ કાર લઈને નીકળ્યા હતા. દરમ્યાન ઉવા ગામ પાસે નહેર પરથી પસાર થતા દરમ્યાન સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા તેમની કાર નહેરમાં ખાબકી હતી અને ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. આસપાસથી દોડી આવેલા લોકોએ ફાયરને જાણ કરી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી કારને નેહરમાંથી બહાર કાઢી હતી. જેમાં ઉર્વી અને યશના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે શશીકાંતભાઈ તણાઈ ગયા હોવાની સંભાવનાને લઈને નહેરમાં શોધખોળ ચાલી રહી છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે, કાર ડ્રાઈવર શશીકાંતભાઈએ બાઈક ચાલકને બચાવવા જતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર નહેરમાં ખાબકી હતી. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ મોડી સાંજ સુધી પિતાની ભાળ મેળવવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા.

(10:09 pm IST)