Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

સિંચાઈ અને ઉર્જાને સરકારે પ્રાથમિકતા આપી : મુખ્યમંત્રી વિજય રૂપાણી

પાણી અને વિજળી સમયસર મળે તે મુખ્ય હેતુ : પાણીના દુષ્કાળને ભુતકાળ બનાવવાના કામો હાથ ધરાયા

અમદાવાદ,તા.૧૬ : બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત કૃષિ મહાવિદ્યાલય અને ૬૩પ કરોડના ખર્ચે ખેડૂતો માટે કાર્યન્વિત બહુહેતુક થરાદ-સીપુ યોજનાનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. રણકાંઠાના ખેડૂતોને મળનારા નર્મદાના નીરની વાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, થરાદ-સીપુ બહુહેતૂક યોજનાથી વિસ્તારના ૧૦૬ ગામોના ૩૯ તળાવો ભરાતા હજાર હેકટર કરતા પણ વધુ જમીનને પિયતનો લાભ મળતા ધરા નવપલ્લવિત બનશે. જિલ્લાની બે મહત્વાકાંક્ષી યોજનાનું લોકાપર્ણ અને શુભારંભ થવાથી જગતના તાતને કૃષિ જ્ઞાન-વિજ્ઞાનને નવી દિશા મળશે. મુખ્યમંત્રીએ  સ્પષ્ટ પણે જણાવ્યું કે, ભૂતકાળના કોંગ્રેસ શાસનમાં ખેડૂતોની અવગણના થવાના  કારણે ખેડૂતો આત્મહત્યા તરફ પ્રેરાયા હતા. પરંતુ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએના દૂંરદેશી નિર્ણય એવા કૃષિ મહોત્સવ થકી ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રયાસ હાથ ધર્યો.

          વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, પાણી અને વિજળી સમયસર મળે તો ખેડૂત સામર્થયવાન બને તેથી રાજય સરકારે સિંચાઇ અને ઉર્જાને પ્રાધાન્ય આપ્યું છે. સરકારે નેવાના પાણી મોભે ચડાવી પાણીના દુષ્કાળને ભૂતકાળ બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યુ છે. કૃષિ કલ્યાણની વાત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, ખેડૂતોને રાતના ઉજાગરા વેઠવા પડે તેની પીડાને જાણીને સરકારે ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે સોલાર પેનલમાં સહાય અને નવા ટ્રાન્સફોર્મર ખરીદવા સહિતના કામો હાથ ધર્યા છે. પાણીને વિકાસની પૂર્વ શરત ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, લોકો, પશુપાલકો, ઉદ્યોગકારો અને ખેડૂતોને પાણીની જરૂરીયાત વધુ રહેતી હોય છે ત્યારે પાણીને પારસમણિની જેમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

         છેવાડાના વિસ્તારને સુજલામ-સુફલામ, કસરા-દાંતીવાડા અને થરાદ-સીપુની ત્રણ મહત્વની પાણીની યોજનાઓનો લાભ મળતા ખેડૂતોમાં સમૃદ્ધિનું વાવેતર થશે. રાજયની સરકાર હંમેશા ખેડૂતોના પડખે રહી છે. પૂરના સમયે ૧૫૦૦ કરોડની સહાય આપીને બનાસકાંઠા જિલ્લાને બેઠા કરવાનું કામ કર્યુ છે તો વળી માવઠાના સમયે ૧૦૦ કરોડનું પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યુ હતું જયારે દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં  ખેડૂતોને ૧૩ હજારની સહાય પુરી પાડી હોવાનું પણ ઉમેર્યુ હતું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં ખેડૂતને હજારની સહાય અને ૯૩૦૦ કરોડના ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને સમૃદ્ધિવાન બનાવવાનો પ્રયાસ રાજયની સરકારે કર્યો છે. થરાદ ખાતે સરદાર કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા અંતર્ગત થરાદ ખાતે નવનિર્મિત કૃષિ મહાવિદ્યાલયના લોકાર્પણની ખુશી વ્યકત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સંકુલના નિર્માણથી આસપાસના વિસ્તારના ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન ઘર આંગણે મળી રહેશે. જયારે કૃષિ સંલગ્ન શિક્ષણ, સંશોધન, વિસ્તરણ અને નવિન પધ્ધતિઆનો લાભ મળી રહેશે.

(10:05 pm IST)