Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત દ્વારા સંઘના નવા ભવનનું કરેલું ઉદ્ઘાટન

પાંચ કરોડના ખર્ચથી ભવન ભવ્યરીતે તૈયાર : પાંચ ફ્લોરના ભવનમાં બધી સુવિધાઓ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજે સંઘના કાર્યકરોને સંબોધન કરશે : કાર્યકર ઉત્સાહિત

અમદાવાદ, તા. ૧૫ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજે અમદાવાદ પહોંચ્યા હતા અને સંઘના નવા નિર્માણ કરવામાં આવેલા હેડક્વાર્ટર હેડગેવાર ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટનથી પહેલા મોહન ભાગવતે ભવનના મુખ્ય દ્વાર ઉપર સ્થાપિત કરવામાં આવેલા ભારત માતાના સુંદર વિશાળ ચિત્ર પર પુષ્પાંજલિ આપી હતી. મણિનગર વિસ્તારમાં સ્થિત ભવન પાંચ કરોડ રૂપિયાના ખર્ચ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. ભવનના સંકુલમાં બે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. પ્રથમ માળે એક વિશાળ સભા સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે જ્યારે બીજા અને ત્રીજા માળ પર બે નાના હોલ બનાવવામાં આવ્યા છે. લાયબ્રેરી રાખવામાં આવી છે. રોકાવવા માટે બે રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે.

           હકીકતમાં અહીં બનેલી સંઘની ઇમારત ખુબ જુની થઇ ગઇ હતી જેને તોડી પાડીને નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પાંચ માળના ભવનનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા મોહન ભાગવતે ભવનના નિર્માણ માટે યોગદાન કરનાર દાનઆપનાર લોકો સાથે મુલાકાત કરી હતી. મોડેથી શહેરના દિનેશ હોલમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આવતીકાલે રવિવારનાદિવસે મોહન ભાગવત શહેરના ખાનગી સ્ટેડિયમ સંકુલ ટ્રાન્સસ્ટેડિયામાં સંઘ કાર્યકરોને સંબોધન કરશે. પ્રસંગે સંઘ કાર્યકરો પરિવારની સાથે ઉપસ્થિત રહેશે. કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા હેડગેવાર ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે સંઘ સાથે જોડાયેલા મોટી મોટી સંખ્યામાં વરિષ્ઠ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલના સંબોધનમાં મોહન ભાગવત કઈ વાત કરે છે તેને લઇને પણ ઉત્સુકતા વધી છે. ભાગવત હાલમાં જોરદારરીતે સક્રિય રહ્યા છે.

(9:50 pm IST)