Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

પગાર વધારાની માંગ સાથે શિક્ષણ સહાયકો મેદાનમાં

પડતર માંગણીઓને લઇ આજે સામૂહિક મુંડન : શિક્ષણ સહાયક સમિતિ દ્વારા ગુજરાતવ્‍યાપી આંદોલનની જાહેરાત : એક પછી એક તબક્કાવાર કાર્યક્રમો પણ કરાશે

અમદાવાદ,તા.૧૬ : પગાર વધારાની માંગણી સહિતના પડતર પ્રશ્‍નોને લઇ મુદ્દે છેલ્લા ધણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્‍ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ હવે રાજય સરકાર સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્‍ચારી છે. શિક્ષણ સહાયકો દ્વારા રાજ્‍ય સરકારને અલ્‍ટિમેટમ આપી પોતાની પડતર માગણીઓ તાત્‍કાલિક ધોરણે ઉકેલવા ચીમકી આપી છે. ગુજરાત રાજ્‍ય શિક્ષણ સહાયક સમિતિ દ્વારા હવે રાજય સરકાર સામે લડાયક મૂડમાં રાજ્‍યવ્‍યાપી કાર્યક્રમો આપવાની તૈયારી કરવામાં આવી છે. જેના ભાગરૂપે આવતીકાલે કુલ ૧૬૫૦ શિક્ષણ સહાયક જેમાં ૬૫૦ મહિલા અને ૧૦૦૦ પુરુષ ગ્રાન્‍ટેડ શિક્ષણ સહાયકનો સમાવેશ થાય છે તેઓ, પડતર માંગણીઓ અને સરકારના અસહકારભર્યા વલણના વિરોધમાં આવતીકાલે સામૂહિક મૂંડન કરાવશે.

ગુજરાત રાજ્‍યમાં છેલ્લાં બે વર્ષથી સરકારી માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સહિત તમામ વિભાગમાં ફેબ્રુઆરી ૨૦૧૭ થી ૪૨૦૦ અને ૪૪૦૦ ગ્રેડ પેના તમામ ફિક્‍સ પગારના કર્મચારીઓને અનુક્રમે રૂ.૩૧,૩૪૦ અને ૩૮,૦૯૦ પગાર ચૂકવવામાં આવે છે, તેમજ ૨૮૦૦ ગ્રેડ પેના ફિક્‍સ પગારના તમામ વિભાગના કર્મચારીઓને પણ રૂ.૩૧,૩૪૦ પગાર ફેબ્રુઆરી ૨૦૧૭થી ચૂકવાય છે, ત્‍યારે ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિકમાં ૪૨૦૦ અને ૪૪૦૦ના પે ગ્રેડના શિક્ષણ સહાયકને આ અનુક્રમે રૂ ૨૫,૦૦૦ અને ૨૬,૦૦૦ પગાર આપવામાં આવી રહ્યો છે. રાજ્‍ય સરકારને પડતર પ્રશ્નોને ઉકેલવા ધણો સમય આપ્‍યા બાદ પણ કોઇ નિરાકરણ નહી આવતાં ગુજરાત રાજય શિક્ષણ સહાય સમિતિ તરફથી હવે લડાયક મિજાજ અપનાવાયો છે. સમિતિ તરફથી રાજયવ્‍પાપી આંદોલન અને કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આવતીકાલે શિક્ષણસહાયકો દ્વારા સામૂહિક મુંડન કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે અત્‍યારસુધી કુલ ૧૬૦૦થી વધુ સહાયકોના મુંડન કાર્યક્રમ માટે રજિસ્‍ટ્રેશન આવ્‍યા છે. જે આંક વધી શકે તેવો અંદાજ છે.

(8:44 pm IST)