Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

કોંગ્રેસ પાર્ટીના બેશરમીભર્યા વિરોધ અને હોબાળાથી રોષ

પ્રથમવાર એક કલાકમાં ચાર બજેટ મંજુર કરાયા : શર્ટ કાઢી વિરોધ વ્‍યકત કરાયો : સભામાં ફાઇલો, કાગળો ઉછળ્‍યા : બજેટ સભામાં પ્રથમવાર ગરિમાનું હનન કરાયું

અમદાવાદ,તા. ૧૬ : અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું બજેટ મંજુર કરવા માટે આજે સામાન્‍ય સભા મળી હતી. આ સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્‍યોએ એક તબક્કે ગળહની ગરિમા નેવે મૂકી શરમજનક રીતે હોબાળો મચાવ્‍યો હતો. અમ્‍યુકો વિપક્ષ કોંગ્રેસના કેટલાક સભ્‍યોએ મહિલા કોર્પોરેટરો અને આગેવાનોની હાજરીમાં શર્ટ કાઢી નાંખી વિરોધ પ્રર્દશિત કર્યો હતો, જેને લઇને વિપક્ષનો આવા બેશરમીભર્યો વિરોધ ટીકા અને નિંદાને પાત્ર બન્‍યો હતો. એક તબક્કે મ્‍યુનિસિપલ સામાન્‍ય સભામાં ફાઇલો અને કાગળો ઉછળ્‍યા હતા અને વેરવિખેર નીચે પડેલા વરવા દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા. મ્‍યુનિસિપલ સામાન્‍ય સભામાં આજનો વિપક્ષનો વિરોધ વિપક્ષને સુધારાની ચર્ચા સમય મર્યાદામાં રહી કરવાનું કહેતા મામલો બિચકયો હતો. સભાના હોબાળા દરમ્‍યાન વિપક્ષના સભ્‍યોએ એક તબક્કે મેયર ચોર છે...મેયર ચોર છે...ચોકીદાર ચોર છે...ચોકીદાર ચોર છે...ના નારા લગાવતાં વાતાવરણ બહુ ગરમાયું હતું અને તેના ધેરા પ્રત્‍યાધાત પડયા હતા. મેયર શ્રીમતી બીજલબહેન પટેલે વિપક્ષના સભ્‍યોની આકરા શબ્‍દોમાં નિંદા કરતાં જણાવ્‍યું હતું કે, પુલવામામાં આંતકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૫ જવાનોની શહીદીને લઇ સમગ્ર દેશમાં ધેરા શોકનું વાતાવરણ છે ત્‍યારે વિપક્ષે ધટનાની ગરિમા કે મર્યાદા નહી જાળવી વાહિયાત મુદ્દામાં શ્રધ્‍ધાંજલિ કે શોકમાં સહભાગી બનવાને બદલે હસી હસીને નારાબાજી કરી સભાની ગરિમાને લાંછન લગાડયું છે, જે બહુ ગંભીર, દુઃખદ અને શરમજકન ધટના છે. વિપક્ષના શોરબકોર અને હોબાળા વચ્‍ચે આજે મેયરે મ્‍યુનિસિપલ સ્‍કૂલ બોર્ડ, એએમટીએસ, એમ.જે.લાયબ્રેરી અને વી.એસ.હોસ્‍પિટલના એમ ચારેય બજેટ ગણતરીની મિનિટોમાં મંજૂર કરાવી આટોપી લીધા હતા. 

જેને લઇ વિપક્ષે ઉગ્ર વિરોધ કર્યો હતો અને મેયરની ઓફિસ સામે ધરણાં પર બેસી ગયા હતા. આજે મ્‍યુનિસિપલ બોર્ડની સામાન્‍ય સભા મળી ત્‍યારે શરૂઆતમાં પુલવામાના શહીદોને શ્રધ્‍ધાંજલિ અર્પી બે મિનિટનું મૌન પાળવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ ઉપરોકત ચારેય બજેટને લઇ મેયરે પહેલેથી જ વિપક્ષ સહિતના સભ્‍યોને પાંચથી પંદર મિનિટ સુધી બોલવાનો ટાઇમ પિરિયડ આપી દીધો હતો. જેને લઇ દાણીલીમડાના કોર્પોરેટર શાહનવાઝ પઠાણ અને મ્‍યુનિસિપલમાં પક્ષના નેતા અમિત શાહ વચ્‍ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં વાત વણસી હતી અને વિપક્ષનો હોબાળો ઉગ્ર બન્‍યો હતો. મામલો બીચકતાં વિપક્ષ કોંગ્રેસના સભ્‍યોએ જોરદાર સૂત્રોચ્‍ચાર અને નારાબાજી શરૂ કર્યા હતા. એક તબક્કે ફાઇલો, કાગળો અને દસ્‍તાવેજો સભામાં ફેંકાયા હતા અને ઉછાળાયા હતા. જેને લઇ સામાન્‍ય સભાની ગરિમાને હાનિ પહોંચી હતા. સામાન્‍ય રીતે બજેટની સામાનાય સભામાં આ પ્રકારની ધમાલ કે તોફાન જોવા મળતાં નથી હોતા પરંતુ આ વખતે મામલો ગરમાયો હતો. વિપક્ષના હોબાળા વચ્‍ચે ફક્‍ત એક કલાકમાં મેયર બીજલબહેન પટેલે બહુમતીના આધારે તમામ બજેટને મંજૂર કરતાં કોર્પોરેશનના ઇતિહાસમાં અભૂતપૂર્વ ધટના બની હતી. બજેટના મુદ્દાને લઇ મળેલી સામાન્‍ય સભામાં ગરિમાનું હનન કરતાં આજના વરવા દ્રશ્‍યો સૌપ્રથમવાર જોવા મળ્‍યા હતા. જાણકાર સૂત્રોના મતે, આજની બજેટ બેઠકના પહેલા દિવસે સાંજના ૭ વાગ્‍યા સુધી આ ચારેય સલગ્ન સંસ્‍થાની ચર્ચા થવાની હતી અને આવતીકાલે જનરલ બજેટ પર ચર્ચા કરાઇને છેલ્લે આ તમામ બજેટ પર મતદાન લેવાનું હતું. પરંતુ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર માત્ર એક કલાકમાં ચારેય બજેટને મંજૂરી અપાઇ છે. હવે આવતી કાલે સવારે ૧૦ વાગે જનરલ બજેટની ચર્ચા માટે બોર્ડ મળશે, ત્‍યારે તેમાં શું થાય છે તેની પર સૌની નજર છે. 

(8:39 pm IST)