Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

પુલવામાં હુમલાના વિરોધમાં ગુજરાતના અનેક શહેરો બંધ

અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, અરવલ્લી, ઇડર, બ.કાંઠા, પાટણ, સુનગર, વિરામગામ વગેરેમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો : શહીદોને શ્રધ્ધાંજલિ : ધરણા - પ્રદર્શન - કેન્ડલ માર્ચ : શાળા - કોલેજોમાં ૨ મિનિટનું મૌન

અમદાવાદ તા. ૧૬ : જમ્મુ - કાશ્મીરના પુલવામાં ખાતે સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પડઘા પડયા છે. આતંકી હુમલાનો વિરોધ કરવા તથા શહીદ થયેલા જવાનોના માનમાં આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વેપારીઓએ સ્વયંભુ બંધ પાળ્યો છે.

અમદાવાદ

પુલવામામાં થયેલા આંતકી હુમલાના પગલે આખા દેશે એકસંપ થઇને પોતાના આક્રોશ વ્યકત કર્યો છે અને શહીદ થયેલા જવાનોને શ્રદ્ઘાંજલિ આપી છે. આંતકવાદીઓ અને તેને પોષતા પાકિસ્તાનને હવે એવો જડબાંતોડ જવાબ આપવામાં આવે કે તે ફરી કયારેય આવા હુમલો કરવાનું વિચારી પણ શકે નહી તેવા આક્રોશ લોકોએ વ્યકત કર્યો છે. જવાનો પરના હુમલાની ઘટનાને પગલે અમદાવાદીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

શહેરની દરેક સંસ્થા, દરેક સમાજ, દરેક ધર્મના લોકોએ આ ઘટનાને સખત રીતે વખોડી હતી અને રોડ પર ઊતરી આવ્યા હતા અને પોતાનો રોષ વ્યકત કર્યો હતો. કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ઘાંજલિ આપી હતી જયારે વિવિધ મંદિરોમાં પણ મૌન અને પ્રાર્થના સભા યોજાઈ હતી, પોલીસ, સોસાયટીઓ, કોર્ટ, સ્કૂલો-કોલેજોમાં લોકોએ શહીદોના માનમાં શ્રદ્ઘાંજલિ કાર્યક્રમ યોજાયા હતા અને ઠેર ઠેર પાકિસ્તાનના ઝંડા પણ સળગાવી લોકોએ આક્રોશ વ્યકત કર્યો હતો.

આજે પણ શહીદોના માનમાં તેમજ આંતકવાદીઓ સામે પોતાનો આક્રોશ વ્યકત કરવા માટે શહેરનાં બજારો સ્વંયભૂ બંધ પાળશે. વહેલી સવારથી શહેરનું મસ્કતી માર્કેટ, ન્યૂ કલોથ માર્કેટ, ઘંટાકર્ણ માર્કેટ, સુમેલ માર્કેટ, સિંધી માર્કેટ, ઘીકાંટા ગાર્મેન્ટ, આસ્ટોડિયા રંગાટી મહાજન, ઢાલગરવાડ કાપડ બજાર, કાલુપુર ફ્રૂટ માર્કેટ, ચોકસી મહાજન, નરોડા બજાર, ભદ્ર પાથરણા માર્કેટ, રિલીફ રોડ ઈલેકટ્રોનિકસ બજાર, મંગલમૂર્તિ મોબાઈલ માર્કેટ તેમજ અન્ય કેટલાક બજારોએ સ્વંયભૂ બંધ પાળ્યું હતું.

રાજયભરમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ યોજાઈ હતી. શહીદ વીર જવાનને શ્રદ્ઘાંજલિ આપવા માટે સુરતના ૧૬૫ કાપડ માર્કેટની ૭૦થી ૭૫ હજાર દુકાન બંધ રહી હતી તથા ટ્રાન્સપોર્ટ એસોસીએેશન બંધ પાળ્યો હતો. ગઇ કાલે ન્યૂ કલોથ માર્કેટ ગેટ નં.૪ પાસે તમામ વેપારી મહાજનો દ્વારા કેન્ડલ માર્ચ યોજીને જાહેર શોકસભાનું આયોજન કરાયું છે. કુબેરનગર, ગોતા, અખબારનગર સહિતના વિસ્તારોમાં લોકોએ કેન્ડલ માર્ચ યોજીને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવીને આક્રોશ વ્યકત કર્યો હતો.

તો બીજી તરફ લોકો શહીદોના પરિવારને ફંડ આપવા માટે પણ આગળ આવી આવ્યા છે. નરોડા અને કુબેરનગરના વેપારીઓએ ફંડ એકઠું કરીને શહીદોના પરિવારને મોકલાવવાનો નિર્ણય કર્યો છે. વકીલોએએ પણ ગઇ કાલે ૮.૫૦ લાખ રૂપિયા શહીદોને મદદ કરવા માટે ભેગા કર્યા હતા. શહીદોને શ્રદ્ઘાંજલિ અર્પિત કરવા માટે શહેર પોલીસ તેમજ રેડક્રોસ સોસાયટીએ સાથે મળી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે.

વડોદરા

બીજી બાજુ વડોદરાના હાથીખાના અનાજ માર્કેટના વેપારીઓ દ્વારા આતંકી હુમલામાં શહીદ જવાનોના માનમાં આજે વેપાર બંધ રાખી તેમને શ્રદ્ઘાંજલી આપી છે. ઉપરાંત રાત્રી ખાણી-પીણી માર્ટેકના ધારકો પણ આ બંધમાં જોડાશે અને રાત્રી બજાર ખાતે કેન્ડલ માર્ચ કરી શહીદોને શ્રદ્ઘાંજલિ આપશે.

સુરત

જયારે સુરતમાં પણ ટેક્ષટાઇલ, ડાયમંડ અને કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા પુલવામા અટેકમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ઘાંજલી આપવા માટે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીએ દ્વારા સ્વયંભૂ દુકાનો બંધ રાખવામાં આવશે. ઉપરાંત સ્કૂલ, કોલેજોમાં પણ વિર્ધાર્થીઓ દ્વારા ૨ મિનિટનો મૌન રાખી શહીદોને શ્રદ્ઘાંજલિ આપવામાં આવી હતી.

મહેસાણા

રિપોર્ટ મુજબ મહેસાણા જિલ્લાના ઊંઝા, બહુચરાજીમાં પણ વહેપારીઓ તેમજ સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. બહુચરાજીમાં ગઇકાલે રાત્રે લોકોએ કેન્ડલ માર્ચ સાથે રેલી યોજી શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી તેમજ આજે વહેલી સવારે શકિતપીઠ બહુચરાજીની તમામ બજારો સ્વયંભૂ બંધ રાખી શોક સાથે ભારે રોષ પ્રકટ કરવામાં આવ્યો છે. સ્થાનિકો ભારે રોષ સાથે હવે યુદ્ઘ જ એક વિકલ્પ છે અને હવે યુદ્ઘ જ છેડી દેવું જોઈએ તેવું જણાવી રહ્યા છે.

અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં પણ પુરવામામાં થયેલા આતંકી હુમલા બાદ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. લોકો દ્વારા ઠેરઠેર પાકિસ્તાન વિરુદ્ઘ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. શહેર, નગર અને ગામડામાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાના શામળાજી, માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા અને ભિલોડાના બજારો સજ્જડ બંધ રહ્યા હતાં.

ઇડર

ઇડરમાં પણ શહીદોને શ્રદ્ઘાંજલિ આપતા વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે. ઉપરાંત ઇડરમાં મુસ્લિમ સમાજે પણ પુલવામાં હુમલા સામે આક્રોશ વ્યકત કર્યો છે. મુસ્લિમ સમાજે પણ તમામ દુકાનો બંધ કરી છે. આ સાથે મુસ્લિમ સમાજે સ્વયંભૂ બંધ રાખીને એકતાનો પરિચય આપ્યો છે.

બનાસકાંઠા

પુલાવામા શહીદોને શ્રદ્ઘાંજલિ આપવા પાલનપુર, દાંતા પથંકમાં સમગ્ર વેપારીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે દુકાનો બંધ કરી છે અને રોષ પ્રકટ કર્યો છે. જયારે ધાનરામાં પણ નાગરિકોએ સજ્જડ બંધ પાળી રેલી યોજી હતી. પાંચ હજારથી વધુ લોકો આ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા અને શહીદોને શ્રદ્ઘાંજલિ અર્પિત કરવામાં આવી હતી.

પાટણ

પુલવામામાં આતંકી હુમલાનો વિરોધ કરી પાટણમાં લોકો દ્વારા બજારો બંધ રાખવામાં આવ્યા છે. જિલ્લાના ચાણસ્મા, સમી, રાઘનપુર તેમજ સાંતલપુર તાલુકાઓમાં વેપારીઓ દ્વારા દુકાનો અને માર્કેટ બંદ રાખવામાં આવ્યા છે.

રાજકોટ

રાજકોટમાં પણ વેપારીઓ શહીદોને શ્રદ્ઘાંજલિ આપી છે અને શહીદોના પરિવારને સહાય કરવા માટે યાર્ડના વેપારીઓ દ્વારા યાર્ડની આવક અર્પણ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત વેપારીઓ પણ આજના દિવસની આવક શહીદોના પરિવારને આપશે. રિપોર્ટ મુજબ આજના દિવસે રૂ.૮થી ૧૦ લાખ રૂપિયાની આવકનો અંદાજ છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાં પણ વેપારીઓ હુમલાનો વિરોધ કરી દુકાનો બંધ રાખી છે. આ સાથે વેપારીઓએ શહીદોને શ્રદ્ઘાંજલિ અર્પિત કરી છે. નાના-મોટા વેપારીઓએ સ્વયંબૂ દુકાનો બંધ રાખી છે.

સાબરકાંઠા

હિંમતનગરના નવા બજાર, હજીપુરા, ટાવર ચોક, મહાવીરનગર સહિતના બજારો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પુલવામાં આંતકી હુમલનો વિરોધમાં બજારો બંધ રહ્યા છે. વેપારીઓએ બજાર બંધ રાખી શહીદોને શ્રદ્ઘાંજલિ અર્પિત કરી છે.

વિરમગામ

વિરમગામમાં પણ વેપારીઓએ પુલવામાં આતંકી હુમલા સામે પ્રચંડ આક્રોશ વ્યકત કર્યો છે. વેપારીઓ અને ધંધાદારીઓએ સ્વયંભૂ સજ્જડ બંધ પાડી શહીદોને શ્રદ્ઘાંજલિ આપી છે. શહેરના ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, બસસ્ટેન્ડ, ટાવર રોડ સહિત તમામ બજારો સ્વયંભૂ બંઘ પાડ્યો છે.

આણંદ

આણંદમાં પણ કેટલાક યુવાનોએ જાહેર માર્ગો પર પાકિસ્તાન વિરુદ્ઘ સત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા છે. ગઈકાલે પણ મોડી રાત્રે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પાકિસ્તાનનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

જેતપુર

જેતપુરમાં પણ શહીદોને શ્રદ્ઘાંજલિ આપવા માટે લોકો દ્વારા કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી. આ કેન્ડલ માર્ટમાં સ્થાનિક નેતાઓ સહિત લગભગ ૫ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. કેન્ડલ માર્ચ જેતપુરના મુખ્ય માર્ગ સ્ટેડન ચોક થી શરૂ થઈને ટીનબત્ત્।ી ચોક, સરદાર ચોક સહિતના માર્ગો ઉપર થી પસાર થઈ હતી.

(3:22 pm IST)