Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સોમવારથી ધારાસભા સત્રઃ મંગળવારે વચગાળાનું બજેટ

પાંચ દિવસનું ટુંકુ સત્રઃ ત્રણ મહત્વના ખરડાઃ પ્રારંભે રાજ્યપાલનું પ્રવચનઃ વિપક્ષ આક્રમક

ગાંધીનગર, તા. ૧૬ :. ગુજરાતનું વિધાનસભા સત્ર તા. ૧૮ સોમવારથી ૫ દિવસ માટે શરૂ થઈ રહ્યુ છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સરકારે પૂર્ણ બજેટને બદલે વોટ ઓન એકાઉન્ટ તરીકે ઓળખાતુ વચગાળાનું ૪ માસનું બજેટ રજુ કરવાનું નક્કી કર્યુ છે. સોમવારે રાજ્યપાલના પ્રવચન સાથે સત્ર પ્રારંભ થયા બાદ બીજા દિવસે નાણા ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ બજેટ રજુ કરશે. ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટમાં ખેડૂતો અને સામાન્ય માણસને સ્પર્શતી અમુક જાહેરાતો કરવામાં આવે તેવી સંભાવના છે. સત્રને અનુલક્ષીને વિપક્ષ કોંગ્રેસે સરકારને આક્રમક રીતે ભીડવવાની તૈયારી શરૂ કરી છે.

વિધાનસભાના ટૂંકા સત્રમાં સોમવારે સવારે ૧૧ વાગ્યે રાજ્યપાલના પ્રવચન બાદ શોકદર્શક ઠરાવો અને સરકારી વિધેયકો રજુ થશે. બીજા દિવસે રાજ્યપાલના સંબોધન પર ચર્ચા અને લેખાનુદાનની રજુઆત થશે. આ વખતના સત્રમાં અમુક મહત્વના ખરડા રજુ થનાર છે. જેમાં ૨૪ કલાક હોટલ-દુકાનો ખુલ્લી રાખવા માટેનો ખરડો, હાઉસીંગ બોર્ડના બહુ જૂના મકાનો તોડીને તેના સ્થાને નવા ફલેટ બનાવવાનો ખરડો તેમજ મહાનગરોમાં ડે. કમિશનર કક્ષાના અધિકારીઓની જે તે મહાનગરને જ ભરતી કરવાની છુટ આપવાના ખરડાનો સમાવેશ થાય છે.

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તે પૂર્વેનું આ રાજ્યનું અંતિમ વિધાનસભા સત્ર છે. સરકાર તેને હેમખેમ પાર પાડવા માગે છે. વિપક્ષ કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, કાયદો વ્યવસ્થા, ખેડૂતોના પ્રશ્નો વગેરેને વાચા આપી સરકારને ઘેરવા માગે છે. સત્રને અનુલક્ષીને તા.૧૮થી ૨૨ સુધી વિધાનસભા ભવન આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.(૨-૮)

કયા ૩ ખરડા આવશે ?

- શ્રમ રોજગાર વિભાગ દ્વારા દુકાનો-હોટલો ૨૪ કલાક ખુલ્લા રાખવાની છૂટ આપતો ખરડો

- શહેરી વિકાસ વિભાગ દ્વારા મહાનગરપાલિકાઓમાં નાયબ કમિશનર સરકારમાંથી મુકવાના બદલે સીધી ભરતીની છૂટ આપતો ખરડો

- શહેરી વિકાસ વિભાગ દ્વારા રીડેવલોપમેન્ટ યોજના અંતર્ગત હાઉસીંગ બોર્ડના વધુ જુના મકાનો, ફલેટ તોડી લાભાર્થીઓ માટે નવેસરથી ફલેટ બનાવવા અંગેનો ખરડો

(11:56 am IST)