Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સાવધાન... પ્રી-વેડિંગ વીડિયોમાં બોલિવુડ ગીતોનો ઉપયોગ જેલવાસ નોતરશે

પોલીસે મિલકતની ઉચાપત અને કોપીરાઇટના કાયદાના ભંગનો ગુનો દાખલ કર્યો છે

અમદાવાદ તા. ૧૬ : લગ્ન અને પ્રી-વેડિંગ વીડિયોમાં બોલિવુડના ગીતોનો ઉપયોગ કરવો શહેરના એક વીડિયોગ્રાફરને ભારે પડ્યો. આશ્રમ રોડ પર સ્ટુડિયો ધરાવતા વીડિયોગ્રાફર પર એક મ્યૂઝિક કંપનીના ગીતોનો ઉપયોગ કરી વીડિયો બનાવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશને ગુરુવારે વીડિયોગ્રાફર સામે કોપીરાઈટના કાયદાનો ભંગ કર્યો હોવાથી FIR દાખલ કરી છે. મ્યૂઝિક કંપની ટી-સીરિઝના એન્ટી-પાઈરસી એકઝકયુટિવ જગદીશ દેસાઈએ FIRમાં જણાવ્યું કે તેમનું કામ પાઈરસી અને કંપનીના ગીતોનો મંજૂરી વિના ઉપયોગ કરતાં લોકો પર નજર રાખવાનું છે.

માણેકબાગમાં રહેતા જગદીશ દેસાઈને જાણ થઈ કે, ઝુંડાલમાં રહેતા સમીર પટેલ (૪૦ વર્ષ) નામનો વીડિયોગ્રાફર ગેરકાયદેસર રીતે ટી-સીરિઝના મ્યુઝિક વીડિયો અને ગીતોનો ઉપયોગ કરે છે. જગદીશ દેસાઈએ તપાસ કરાવતાં આ માહિતી સાચી નીકળી. જે બાદ તેમણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. નવરંગપુરા પોલીસે ગુરુવારે જગદીશ દેસાઈ સાથે મળીને આશ્રમ રોડ પર એચ. કે. કોલેજની સામે આવેલા RBS કોમ્પ્લેકસમાં સમીર પટેલની દુકાન પર દરોડા પાડ્યા.

પોલીસને સમીર પટેલ પાસેથી ટી-સીરિઝના ગીતોથી ભરેલી હાર્ડડિસ્ક મળી. નવરંગપુરા પોલીસના એક અધિકારીએ જણાવ્યા મુજબ, પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે આ ગીતોનો ઉપયોગ આરોપીએ અમદાવાદ અને ગાંધીનગરના કલાયન્ટ્સના લગ્ન અને પ્રી-વેડિંગના વીડિયોમાં કર્યો હોવો જોઈએ. પોલીસે પુરાવા તરીકે સમીર પટેલના સ્ટુડિયોમાંથી બે કમ્પ્યુટર અને એક હાર્ડ ડિસ્ક જપ્ત કરી છે. આ મુદ્દામાલની કિંમત લગભગ ૮૫,૦૦૦ રૂપિયા થાય છે.પોલીસ સમીરના કલાયન્ટ્સની પણ પૂછપરછ કરી શકે છે જેથી તેની સામે મજબૂત પુરાવા એકત્ર થઈ શકે. પોલીસના મતે, સમીરે કોપીરાઈટના કાયદાનો ભંગ કર્યો છે કારણકે મંજૂરી વિના અને નિયમોનું પાલન કર્યા વગર કંપનીના ગીતોનો ઉપયોગ કર્યો છે. પોલીસે મિલકતની ઉચાપત અને કોપીરાઈટના કાયદાના ભંગનો ગુનો સમીર સામે દાખલ કર્યો છે.(૨૧.૧૦)

(11:55 am IST)