Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કોરોના સંક્રમણ અટકાવવા રાજય સરકાર કટીબધ્ધઃ આર.સી.ફળદુ

રાજકોટ મેડીકલ કોલેજ ખાતેથી કોરોના રસીકરણનો શુભારંભ કરાવતા કૃષી મંત્રીઃ કોરોના વોરીયર્સને રસીના બે ડોઝ અચુકપણે લેવા અનુરોધ : શહેરના વેકસીન બુથ પર ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં પ્રથમ વેઇટિંગ રૂમ, દ્વિતીય વેકસીનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમ, જેમાં પ્રથમ રૂમમાં આવનાર વ્યકિતના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી અને વેકસીન લેવા આવનાર વ્યકિતએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે. દ્વિતીય રૂમમાં વેકસીન આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલ co-win સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે અને ત્યારબાદ ત્રીજા રૂમમાં વેકસીન લેનારને ૩૦ મીનીટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને ત્યાં પણ વ્યકિતએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે.

રાજકોટ, તા. ૧૬ :  સમગ્ર દેશ કોરોના વેકસીનની પ્રતિક્ષા કરી રહ્યો છે ત્યારે આજે સવારે ૧૦.૩૦ વાગ્યે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ સ્થળોએ કોરોના વેકસીનનો પ્રારંભ કરાયો હતો. જેમાં રાજકોટના કુલ ૬ બુથ પરથી વેકસીનશનની કામગીરી કરવામાં આવી હતી.

કૃષિમંત્રી  આર.સી.ફળદુએ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતેથી કોરોના રસીકરણ કાર્યક્રમનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમથી દેશના નાગરિકોને કોરોના સામે લડવાનો સધિયારો સાંપડ્યો છે.

મંત્રી  ફળદુએ કોરોના સામેના યુદ્ધમાં જીવનને હોડમાં મૂકી કોરોના દર્દીઓની સારવારમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર આરોગ્ય કર્મીઓની સેવા ભાવનાને બિરદાવી હતી અને ઉત્તમ સેવાની પ્રેરણા પૂરી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરવા કટિબદ્ધ છે, તેવી ખાતરી પણ કૃષિ મંત્રી  ફળદુએ આ પ્રસંગે ઉચ્ચારી હતી. કોરોનાના કસોટી કાળમાં સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત મૂલ્યોના દર્શન કરાવવા બદલ મંત્રી  ફળદુએ તમામ કોરોના વોરિયર્સ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી અને પ્રાથમિકતા ક્રમ ધરાવતા તમામ કોરોના વોરિયર્સને રસીના બે ડોઝ અચૂકપણે લેવા અનુરોધ કર્યો હતો.

પીડીયુ હોસ્પિટલ ખાતે યોજાયેલા કોરોના રસીકરણનો સૌપ્રથમ ડોઝ અધિક્ષક ડોકટર પંકજ બુચે લીધો હતો અને કોરોના સામેની લડાઇનું રાજકોટ ખાતેનું સૌપ્રથમ કવચ ગ્રહણ કર્યું હતું.

આમંત્રિતોના હસ્તે દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો.મ્યુનિસિપલ કમિશનર  ઉદિત અગ્રવાલે સ્વાગત પ્રવચનમાં આજના રસીકરણ કાર્યક્રમની ટૂંકી રૂપરેખા રજૂ કરી હતી. રસીકરણના શુભારંભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્સાહવર્ધક પ્રવચનમાં ઉપસ્થિત સૌ સામેલ થયા હતા. રાજ્યની કોરોના સ્થિતિનો ચિતાર રજુ કરતી ટૂંકી ડોક્યુમેન્ટરીનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં રસીકરણ માટે કુલ ૨૭ હજારથી વધુ રસીકરણ બુથ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ૪.૪૦ લાખ હેલ્થ વર્કર્સને તાલીમબદ્ધ વેકિસનેટર દ્વારા રસી આપવામાં આવશે. રાજ્યમાં કુલ ૨૨૩૬ કોલ્ઢ ચેઇન પોઇન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને કોવિડને અનુરૂપ વ્યવહાર સાથે એક્ સેશન સાઇટ પર સો લાભાર્થીઓને રસીકરણ આપવામાં આવશે. એક વેકસીનેટર અને અન્ય ચાર વેકિસનેશન અધિકારીઓ લાભાર્થીઓની સેવામાં ઉપલબ્ધ રહેશે.

આ કાર્યક્રમમાં કલેકટર  રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી  અનિલ રાણાવશિયા, પોલીસ અધિક્ષક  બલરામ મીના, અધિક કલેકટર  પરિમલ પંડ્યા, પ્રાંત અધિકારી  ચરણસિંહ ગોહિલ, વિભાગીય નાયબ નિયામક ડો. રૂપાલી મહેતા, પૂર્વ મેયર  બીનાબેન આચાર્ય, અગ્રણી  કમલેશ મિરાણી અને   જયમીન ઠાકર, ડીન ડો. મુકેશ સામાણી, રસી લેનાર આરોગ્ય વિભાગના લાભાર્થીઓ, ખાનગી ડૉકટર્સ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કયા કયા સ્થળે રસી કરણ

 રાજકોટ શહેરના જે ૬ (છ) સ્થળોને કોરોના વેકસીન આપવાનો પ્રારંભ કરવામાં આવેલ છે તેમાં (૧) પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના માનનીય મંત્રી  આર.સી.ફળદુ, (૨) પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે માનનીય ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ તેમજ શહેર ભાજપ મહામંત્રી   જીતુભાઈ કોઠારી, (૩) ર્સ્ટલિંગ હોસ્પિટલ ખાતે શહેર ભાજપ મહામંત્રી   દેવાંગભાઈ માંકડ, (૪) વોકહાર્ડ હોસ્પિટલ ખાતે માનનીય ધારાસભ્ય  અરવિંદભાઈ રૈયાણી, ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર   અશ્વિનભાઈ મોલીયા અને ભૂતપૂર્વ શાસક પક્ષના નેતા   દલસુખભાઈ જાગાણી (૫) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન માનનીય  ધનસુખભાઈ ભંડેરી અને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન   ઉદયભાઈ કાનગડ (૬) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણી માનનીય  જ્યોતિન્દ્રભાઈ મહેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય   ભાનુબેન બાબરીયા, સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વેકશીનેસનની કાર્યવાહી કરવામાં આવી હતી.

(4:01 pm IST)