Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

રાજ્યની રૂપાણી સરકારનો મહત્વાકાંક્ષી નિર્ણય : 2021-25 ના વર્ષોમાં "MICE" પર્યટન નીતિ પર ભાર

વ્યાપાર કેન્દ્રિત પર્યટનને ઉત્તેજન માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રોત્સાહનની જાહેરાત:રાજ્યમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરના કંવેંશન સેન્ટરનું નિર્માણ થશે

અમદાવાદ :2021-25 ના સમયગાળા માટે રાજ્યની પર્યટન નીતિ જાહેર કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ કર્યું હતું કે વ્યાપાર વિકાસનું લક્ષ્ય રાજ્યમાં પર્યટન નીતિના કેન્દ્રમાં રહેશે. આ પર્યટન નીતિને MICE ટુરિઝમ કહેવાય છે.. જેમાં M  એટલે કે મિટિંગ, I એટલે ઇન્સેંટિવ, C એટલે કોન્ફરન્સ અને E એટલે એક્ઝીબિશન! વાસ્તવમાં રૂપાણી સરકાર ગુજરાતને દેશના ટોચના 5 MICE ટુરિઝમ મથક માંહે એક બનાવવા માંગે છે..
 રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ રાજ્યમાં આવી કોઈ પણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે તો સરકાર તેમાં ભાગ લેનાર પ્રત્યેક વિદેશી પ્રતિનિધિ ના રાત્રી રોકાણ દીઠ આયોજકોને રૂપિયા 5000 ઇન્સેંટિવ તરીકે આપશે, જેની મહત્તમ મર્યાદા રૂપિયા પાંચ લાખની રહેશે.
 આ જ રીતે રાષ્ટ્રીય સ્તરની આવી પ્રત્યેક ઇવેન્ટના આયોજન માટે પ્રત્યેક આયોજનને રૂપિયા બે લાખ પ્રોત્સાહન રૂપે આપશે. રાજ્યની રૂપાણી સરકાર ગુજરાતમાં આ પ્રકારના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના કનવેંશન સેન્ટર ઊભા થાય તે માટે ઉત્સુક છે, તેથી રાજ્ય સરકાર આવી ઇમારતોના નિર્માણ માટે 15% સબસિડી પણ આપશે.આ ઉપરાંત મીનીમમ 2500 વ્યક્તિ માટે બેઠક વ્યવસ્થા ધરાવતા આવા કોઈ  પણ કનવેંશન સેન્ટરના નિર્માણ માટે રાજ્ય સરકાર લીઝ પર જમીન પણ આપશે.
  રાજ્ય પાસે હાલમાં પણ આવા કેટલાક MICE સેન્ટર છે જ, જેમાં નરેન્દ્ર મોદીજી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગાંધીનગરમાં નિર્મિત મહાત્મા મંદિર કનવેંશન એન્ડ એક્ઝીબિશન સેન્ટરનો સમાવેશ થાય છે. તેમાં પાંચ હજાર માણસ માટે બેઠક વ્યવસ્થા છે. ગયા ફેબ્રુઆરીમાં અહી માઇગ્રેટરી સ્પેસિસના મુદ્દા પર જ્યાં UN કનવેંશન મળ્યું હતું તે દાંડી કુટીર પણ આવું જ એક વિશાળ મથક છે..તે ઉપરાંત કેવડીયા નજીક ટેન્ટ સીટી અને ટેન્ટ સિટી ધોરડાનો સમાવેશ થાય છે..
ગુજરાત રાજ્ય દેશમાં વ્યાપાર સંસ્કૃતિ અને વ્યપાર પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાય છે. રાજ્યએ અનેક વિચક્ષણ ઉધોગપતિઓ પેદા કર્યા છે તે ઉપરાંત, રાજ્ય પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એશિયાટિક સિંહના કારણે વિખ્યાત થયેલું  ગીર, ગિરનાર પરનો એશિયાનો સહુથી લાંબો રોપવે, ભારતનું સહુ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી લોથલ તેમજ ભારતનું સહુ પ્રથમ પોર્ટ્સિટી ધોળાવીરા અને અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ જેવા બીજા ઘણા પ્રવાસન મથકો છે જ, તેમાં વ્યાપાર કેન્દ્રિત પર્યટન નીતિ જાહેર થતાં ગુજરાતમાં નવી પ્રકારના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રય પર્યટનને ચોક્કસ વેગ મળશે.

(7:58 pm IST)