Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

સાબરમતી જેલમાં ખંડણી નેટવર્કનો પર્દાફાશ બાદ તપાસ શરૂ : એક જેલર સસ્પેન્ડ અને બીજાની બદલી

જેલ સ્ટાફના ક્યાં અધિકારીઓની સામેલગીરી કે બેદરકારી રહી તેનો વિગતવાર અહેવાલ માંગ્યો

અમદાવાદ, વિશાલ ગોસ્વામી દ્વારા જેલમાં ચલાવવામાં આવતા ખંડણીના નેટવર્કનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો બાદ સફાળા જાગેલા જેલ સત્તાધીશો દ્વારા તપાસ અને કાર્યવાહીના આદેશો જારી કરવામાં આવ્યા છે. રાજ્યની જેલોના ADG ડૉ. કે એલ એન રાવ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ માટે જેલોના ડીઆઈજી ડૉ. એસ કે ગઢવીના નેતૃત્વ હેઠળ એક તપાસ ટીમ બનાવી છે. જેઓએ જેલની સુરક્ષામાં ક્યાં ખામી રહી તથા વિશાલ ગોસ્વામી સુધી મોબાઈલ પહોંચાડવામાં જેલ સ્ટાફના ક્યાં અધિકારીઓની સામેલગીરી કે બેદરકારી રહી તેનો વિગતવાર અહેવાલ માંગ્યો છે. એટલુંજ નહીં જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ સામેં બદલી અને સસ્પેન્ડ થવાની તલવાર લટકી રહી છે

નવી જેલ અને ઝડતીની જવાબદારી જેના શિરે છે તે જેલર ગ્રુપ 2 હિતેશ વાઘેલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે  જ્યારે નવી જેલ અને કાચા કામના કેદીઓ ની જવાબદારી ધરાવતા સિનિયર જેલર બી આર વાઘેલાની તાત્કાલિક અસરથી નવી જેલમાંથી બદલી કરી દેવામાં આવી છે.જેલની સુરક્ષા કડક કરવા માટે અને ગંભીર ગુનાના રીઢા આરોપીઓ પર સખ્તાઈ વધારવા માટે પણ ADG ડૉ. રાવ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. બી આર વાઘેલાની બદલી કરી Dysp અને નાયબ અધિક્ષક ડી વી રાણાને નવી જેલ તથા સુરક્ષાનોં હવાલો સોંપી દેવામાં આવ્યો છે.

જેલોના વડા ડૉ. કે એલ એન રાવે જણાવ્યું કે અમે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી તો કરી જ રહ્યાં છીએ. સાથે જ ક્રાઇમ બ્રાન્ચ જે તપાસ કરી રહી છે તેમાં જેલના સ્ટાફ ,અધિકારીઓની કોઈ ભૂમિકા કે સંડોવણી જણાઈ આવશે તો તેઓની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને ક્રાઇમ બ્રાન્ચ પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે.

બીજી તરફ સાબરમતી જેલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મહેશ નાયકે વિશાલ ગોસ્વામીની બેરેક તથા આસપાસની બેરેકની સુરક્ષા સાભળતા જેલ સિપાઈઓની,પાકા કામના કેદીઓ તથા જેલ વોર્ડનની ભૂમિકાની તપાસ શરૂ કરી દીધી છે. ડૉ. મહેશ નાયકે જણાવ્યું કે વિશાલ ગોસ્વામીને હૃદય કુંજ બેરેકમાં રાખવામાં આવ્યો હતો. જેને આજથી હાઇસિક્યુરિટી ઝોનમાં સશસ્ત્ર ગાર્ડની નિગરાની હેઠળ મૂકી દેવામાં આવ્યો છે. સાબરમતી જેલમાં અન્ય જે માથાભારે રીઢા ગુનેગારો છે તેઓ પર પણ સખ્તાઈ વધારી દેવામાં આવી છે. કેદીઓની મુલાકાતે આવતા તેમના સંબંધીઓ પર પણ કડક નજર રાખવામાં આવશે. સંબંધીઓના ઓળખના પુરાવા પછી જ નિયમાનુસાર મુલાકાત કરવા દેવામાં આવશે.

(12:46 am IST)