Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ભારતની સલામતીને પહોંચી વળવા CISF સંપૂર્ણ સક્ષમ

પ્રજાસત્તાક દિવસે ઉરી ફિલ્મનું ખાસ સ્ક્રિનિંગઃ સર્જિકલ સ્ટ્રાઇકની સ્ટોરી પર આધારિત ઉરી ફિલ્મ જોઇ સીઆઇએસએફના જવાનો ભાવુક થયા : ફિલ્મની પ્રશંસા

અમદાવાદ,તા.૧૬: દેશના ૭૦માં પ્રજાસત્તાક દિન નિમિતે સીઆઇએસએફના જવાનો માટે શહેરના સેટેલાઇટ વિસ્તારમાં મુક્તા એ-૨ સિનેમા ખાતે ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મનું ખાસ સ્ક્રીનીંગ યોજાયું હતું. જેમાં ૧૦૦થી વધુ સીઆઇએસએફના જવાનોએ ભાગ લીધો હતો. ઉરી ફિલ્મમાં છેલ્લા ભાગમાં જયારે ભારતીય સેનાના જવાનો પાકિસ્તાની સરહદમાં અંદર ઘૂસી તેમની છાવણીઓ અને પાકિસ્તાની જવાનો અને આંતકવાદીઓનો સફાયો કરે છે તે દિલધડક અને થ્રીલર દ્રશ્યો જોઇ સીઆઇએસએફના જવાનો એક તબક્કે ભાવુક થઇ ગયા હતા અને થિયેટરમાં જ ચાલુ સ્ક્રીનીંગ દરમ્યાન ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યા હતા, જેને લઇ રાષ્ટ્રભકિતનો માહોલ છવાઇ ગયો હતો. ફિલ્મ પૂરી થયા બાદ પણ દેશના રાષ્ટ્રગીત જનગણમન...ના ગાન વખતે તમામ સીઆઇએસએફના જવાનો સહિતના તમામ લોકો ઉભા થઇ આદર સાથે તેનું માન જાળવ્યું હતું અને બાદમાં સલામી આપી હતી એ વખતે થિયેટરમાં ઉપસ્થિત સૌકોઇનું જાણે શેર લોહી ચઢી ગયુ હતું. આ પ્રસંગે સીઆઇએસએફ, અમદાવાદના સિનિયર કમાન્ડન્ટ નીતિ મિત્તલ અને ડેપ્યુટી કમાન્ડન્ટ સચીન કપૂરે સીઆઇએસએફ જવાનોનો ઉત્સાહ અને જોશ વધાર્યા હતા અને જણાવ્યું હતું કે, દેશમાં તમામ મહત્વના સ્થાનો, સ્થળોની સલામતી અને સુરક્ષાને પહોંચી વળવા સીઆઇએસએફ સક્ષમ છે. આગામી ૭૦માં પ્રજાસત્તાક દિન, સીઆઇએસએફની ગોલ્ડન જયુબીલી અને તા.૧૦મી માર્ચે રેજીમ ડેની ઉજવણીના ભાગરૂપે સીઆઇએસએફના જવાનો માટે ઉરી ફિલ્મનું ખાસ સ્ક્રીનીંગ રખાયું હતું. દેશની સલામતી અને સુરક્ષાના મુદ્દે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં સીઆઇએસએફ, અમદાવાદના સિનિયર કમાન્ડન્ટ નીતિ મિત્તલ અને ડેપ્યુટી કમાન્ડન્ટ સચીન કપૂરે જણાવ્યું હતું કે, ઉરી ફિલ્મ એ આપણા ભારતીય જવાનોએ પાકિસ્તાનના ઘરમાં ઘૂસી મેળવેલી ફતેહની શૌર્યગાથા છે, જે જોઇ આજે સીઆઇએસએફના જવાનોને પણ નવી પ્રેરણા, જોમ અને જુસ્સો મળ્યા છે, સર્જિકલ સ્ટ્રાઇકની વીરતા અને દેશભકિતની શૌર્યગાથા આ જવાનોને પણ તેમની ફરજ અને કર્તવ્ય સંપૂર્ણ કટિબધ્ધતા અને નિષ્ઠા સાથે બજાવવા તેઓને પ્રેરિત કરશે. ગુજરાત સહિત દેશભરમાં એરપોર્ટ, વિવિધ પોર્ટ, કેન્દ્ર સરકાર અને રાજય સરકારની મહત્વની કચેરીઓ, એમ્બેસી ઓફિસ, ઔદ્યોગિક સંસ્થાન સહિતના સ્થાનોએ સીઆઇએસએફના જવાનો સુરક્ષામાં સતત તૈનાત હોય છે અને તેઓ દેશના આવા તમામ સંવેદનશીલ સ્થાનોની સુરક્ષા માટે તમામ રીતે સજ્જ અને કટિબધ્ધ છે.

રાષ્ટ્રભકિત અને દેશ તેમ જ દેશવાસીઓની સુરક્ષાથી બીજું કંઇ જવાનો માટે મહત્વનું હોતું જ નથી. આપણા જે પણ જવાનોએ સફળ સર્જિકલ સ્ટ્રાઇકનું ઓપરેશન પાર પાડી વિશ્વભરમાં ભારત દેશનું નામ રોશન કર્યું તેઓને લાખ લાખ સલામ. આ પ્રસંગે મુકતા એ-૨ સિનેમાના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ પુરીએ જણાવ્યું હતું કે, ભારતમાં દેશભક્તિના વિષય આધારિત સિનેમામાં લોકોને હંમેશા મજબૂત લગાવ હોય છે. ઉરી, આપણા બધા ભારતીયો માટે એક ખૂબ જ ખાસ ફિલ્મ છે, જે વર્ષની પ્રથમ હિટ છે. ૨૦૧૯ની શરૂઆતમાં જ તેણે સારી શરૂઆત કરી દીધી છે. માતૃભૂમિની સુરક્ષા માટે સરહદ પર પોતાનો જીવ જોખમમાં મૂકનારા તે નિર્ભય-નિઃસ્વાર્થ જવાનોને તેમના સન્માનની ઉજવણી અને ઋણ અદા કરવા આર્મી ડેની ઉજવણી કરવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે. અમારી સ્ક્રીનીંગમાં ભાગ લેનારા સૈન્યના મહાનુભાવોએ એક યાદગાર અનુભવ મેળવ્યો હતો, જે બદલ અમે પણ ગૌરવ અનુભવીએ છીએ.

(9:30 pm IST)