Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

શાળા અને કોલેજોની પરીક્ષાની ચૂંટણી પંચે બધી વિગત મંગાવી

મુખ્ય ચૂંટણી અધિકારીનો અગ્રસચિવને પત્ર : લોકસભા ચૂંટણી તૈયારીને લઇ વિગતો મંગાવવામાં આવી

અમદાવાદ,તા.૧૬ : આગામી લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ શિક્ષણ વિભાગના અગ્ર સચિવને એક તાકીદનો પત્ર લખ્યો હોવાનું જાણવા મળે છે. જેમાં રાજ્યભરની તમામ શાળાઓ અને કોલેજો ઉપરાંત યુનિવર્સિટીની આગામી એપ્રિલ-મે મહિનામાં યોજાનારી વાર્ષિક પરીક્ષાની વર્તમાન લોકસભાની મુદત આગામી મે- ૨૦૧૯માં પૂરી થઈ રહી છે તેને પગલે મે માસમાં લોકસભાની ચૂંટણી તારીખોની વિગતવાર માહિતી મગાવી છે જેના કારણે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ અગવડ ન પડે. વળી, ચૂંટણીને લઇ શિક્ષકોને મતદાર નોંધણી, મતદારયાદી સુધારણા, ચૂંટણી કાર્ડનું વિતરણ વગેરે સહિતની ચૂંટણીલક્ષી કામગીરી સોંપાતી હોવાથી વિગતો મંગાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧૬મી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ સમગ્ર દેશમાં તા.૭ એપ્રિલ,૨૦૧૪થી તા.૨જી મે, ૨૦૧૪ દરમિયાન યોજાઈ હતી. આગામી મે-૨૦૧૯માં લોકસભાની પાંચ વર્ષની મુદત પૂરી થાય છે તેથી હવે ફરી ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. ગુજરાત રાજ્યમાં પણ લોકસભાની સામાન્ય ચૂંટણીનાં આયોજનને પગલે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી અશોક માણેક દ્વારા ગાંધીનગર શિક્ષણ વિભાગના અગ્ર સચિવને તાજેતરમાં એક પત્ર લખીને રાજ્યની તમામ શાળાઓ,કોલેજો અને યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમ અંગેની વિગતો માંગવામાં આવી છે. જેમાં તા.૨૦ જાન્યુઆરી સુધીમાં આ વિગતો મોકલી આપવા જણાવી દેવાયું છે તેવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. અધિક મુખ્ય નિર્વાચન અધિકારીના આદેશને પગલે, રાજ્યના શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓના શિક્ષણાધિકારીઓને એક પરિપત્ર મોકલીને શાળાઓના વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમોની વિગતો મંગાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે આગામી દિવસોમાં શિક્ષકોને મતદાર નોંધણી, મતદારયાદી સુધારણા,ચૂંટણી કાર્ડનું વિતરણ વગેરે સહિતની ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવશે. ચૂંટણીલક્ષી કામગીરીમાં મોટાભાગેપ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, કોલેજોના લેક્ચરર ,પ્રોફેસર સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ તથા અધિકારીઓ જોડાતા હોય છે. નવા મતદારોની નોંધણી,અંતિમ મતદાર યાદી ફાઈનલ કરવાથી લઈને મતદાન અને મત ગણતરી સુધીની તમામ કામગીરીમાં તેઓને ચૂંટણીલક્ષી કામગીરી આપવામાં આવે છે. જેને પગલે ચૂંટણી પંચ દ્વારા આ વિગતો માંગવામાં આવી છે, કે જેથી લોકસભાની ચૂંટણીને લઇ થનારા આયોજનમાં ખબર પડે.

 

(8:15 pm IST)