Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર યુવકે આપઘાત કરતા ચકચાર

પત્નિના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ચર્ચા : ભરૂચ પીએસઆઇ સહિત ૫ લોકો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ થતાં ભારે ખળભળાટ મચ્યો

અમદાવાદ,તા. ૧૬ : શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ સહિત પાંચ લોકો વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ થતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. મરનાર યુવકની પત્ની સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલ સહાયક તરીકે નોકરી કરે છે. કોઇ કારણસર યુવકને તેની પત્નીએ ચાર મહિના પહેલાં ઘરમાંથી કાઢી મુક્યો હતો. પત્નીના ત્રાસના કારણે આખરે યુવકે આજે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, યુવક પાસેથી પોલીસે સ્યુસાઇડ નોટ પણ કબ્જે કરી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં રહેતા મહેશભાઇ હરિભાઇ પરમારે રાણીપ પોલીસ સ્ટેશનમાં બે જેલ સહાયક, એક પીએસઆઇ, એક એસઆરપીના જવાન સહિત પાંચ લોકો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. મહેશભાઇના નાના ભાઇ કલ્પેશનાં લગ્ન દસ વર્ષ પહેલાં મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે રહેતી પારુલ સાથે થયાં હતાં. પારુલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલ સહાયક તરીકે નોકરી કરતી હોવાથી તે કલ્પેશ અને એક પુત્ર મહર્ષિ સાથે જેલ ક્વાર્ટરમાં રહેતી હતી. કલ્પેશ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. છેલ્લા ચારેક મહિનાથી પારુલ અને કલ્પેશ વચ્ચે ઝઘડો ચાલતો હોવાથી પારુલે તેને ઘરમાંથી કાઢી મુક્યો હતો. પારુલે કાઢી મૂકતાં કલ્પેશ માંડલ આવી તેના ભાઇ સાથે રહેવા માટે આવી ગયો હતો. થોડાક દિવસ પહેલાં પારુલના ત્રાસથી કંટાળીને કલ્પેશે સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર ઝેરી દવા પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી. કલ્પેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કલ્પેશે દવા પીતાં પહેલાં સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં પત્ની પારુલ, સસરા મંગળદાસ, ભરુચની પીએસઆઇ રિદ્ધિ, જેલ સહાયક અને પારુલની બહેન આરતી તેમજ જામનગરમાં એસઆરપીના જવાન સૂરજ કુમારનું નામ લખ્યુ હતું. રિદ્ધિ, આરતી, મંગળદાસ, સૂરજકુમાર કલ્પેશનો ઘર સંસાર ચલાવવા દેતા નથી અને પારુલને ખોટી રીતે ચઢામણી કરતાં હોવાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો હતો. હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ ગઇકાલે કલ્પેશનું મોત થતાં સમગ્ર મામલો ગરમાયો હતો. બીજી બાજુ, કલ્પેશનું મોત થતાં તેના ભાઇએ રાણીપ પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે પારુલ સહિત પાંચ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કલ્પેશ પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટ પોલીસે એફએસએલમાં મોકલી આપી છે.

(7:46 pm IST)