Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

શહેરના જુદા જુદા વિસ્તારોમાં માથાભારે તત્વનો ભારે આતંક

પોલીસના ડર વિના તોડફોડ અને પથ્થરમારો : પોલીસ દ્વારા જુદા જુદા બનાવોને લઇ રાયોટીંગ, હત્યાની કોશિષ સહિતનો ગુના દાખલ કર્યા : નાગરિકોમાં ફફડાટ

અમદાવાદ,તા. ૧૬ : ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામાજિક તત્ત્વો બેફામ બનતાં શહેરના વિવિધ વિસ્તારમાં માથાભારે અસામાજિક તત્વો દ્વારા ગુંડાગીરી અને આંતક મચાવી મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયોટિંગનો તો ક્યાંક હત્યાની કોશિશના ગુના દાખલ કર્યા છે. નારોલ વિસ્તારમાં વાહન અથડાવવા બાબતે બે જૂથ આમનેસામને આવી ગયાં હતાં જ્યાં વાહનોની તોડફોડ અને પથ્થરમારાનો બનાવ બન્યો હતો તો વાડજમાં યુવતીની મશ્કરી કરવા બાબતે બે જૂથ આમનેસામને આવી ગયાં હતાં, જેમાં ચાર કરતાં વધુ લોકો ઘવાયા હતા. શાહીબાગના લિસ્ટેડ બુટલેગર કિશોર લગંડા અને તેની ગેંગનો પણ આતંક જોવા મળ્યો હતો. શહેરના વાડજ વિસ્તારમાં આવેલ ગાંધીનગરના છાપરામાં રહેતા ભોગીલાલ દંતાણીએ પાંચ લોકો વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. ગઇકાલે સાંજે ભોગીલાલ, તેમના મિત્ર ભરત સહિત અનેક મિત્રો ધાબા પર પતંગ ચગાવતા હતા ત્યારે સની નામનો યુવક અંગત અદાવત રાખીને ભરત સાથે બોલાચાલી કરવા માટે આવ્યો હતો. સની સાથે તેના મિત્રો શ્યામ, રાહુલ, અલ્પેશ અને બાબુ આવ્યા હતા અને તેમની પાસે રહેલી છરીઓ કાઢીને ઉપરાછાપરી ભરત, ભોગીલાલ પર હુલાવી દીધી હતી તો બીજી તરફ ભોગીલાલ, ભરત સહિત ચાર લોકોએ સની તેમજ તેના મિત્રો પર હુમલો કરી દીધો હતો, જેમાં ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. ભરત, ભોગીલાલને વધુ ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વાડજ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સામસામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. ઉત્તરાયણના દિવસે નારોલ વિસ્તારમાં આવેલ દેવનગરમાં બે જૂથ વચ્ચે વાહન અકસ્માતને લઇ બબાલ થતાં મામલો બીચક્યો હતો. બે જૂથે સામસામે પથ્થરમારો કર્યો હતો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ઉત્તરાયણના દિવસે વાહન ચલાવવા બાબતે બે યુવકો વચ્ચે બબાલ થઇ હતી. બે યુવકો વચ્ચે થયેલી બબાલમાં દેવનગરનાં બે ટોળાં સામસામે આવી ગયાં હતાં અને પથ્થરમારો કર્યો હતો. મહિલાઓ સહિત યુવકો લાકડીઓ લઇને રોડ પર ઊતરી આવ્યા હતા અને વાહનોની તોડફોડ કરી હતી અને મારામારી કરી હતી. આ ઘટનામાં પાંચ કરતાં વધુ લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી. ટોળાંઓએ મચાવેલી ધમાલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. નારોલ પોલીસે એક પક્ષે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે તો બીજા પક્ષે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. તો, ગઇકાલે અમરાઇવાડી વિસ્તારમાં આવેલ આશિમા મિલની પાછળ આવેલ સોસાયટીની ચાલીમાં સમાધાન કરવા માટે ભેગાં થયેલાં ટોળાંઓએ એકબીજા પર હુમલો કરતાં મામલો બીચક્યો હતો. જૂની અદાવતમાં સમાધાન કરવા માટે બે પક્ષના લોકો ભેગા થયા હતા, જેમાં સમાધાન નહીં થતાં મામલો બીચક્યો હતો અને જોતજોતામાં ઉશ્કેરાયેલાં ટોળાંઓએ વાહનોમાં તોડફોડ કરી હતી. અમરાઇવાડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઉશ્કેરાયેલાં ટોળાંને વેર-વિખેર કર્યાં હતાં. રામોલમાં આવેલ જામફળવાડી કેનાલ પાસેની કૃષ્ણદર્શન સોસાયટીમાં મોડી રાતે અસામાજિક તત્ત્વોએ બેથી ત્રણ વાહનમાં તોડોફોડ કરીને ધમાલ મચાવી હતી. થોડાક દિવસ પહેલાં પણ આ સોસાયટીમાં અસામાજિક તત્ત્વોએ ધમાલ મચાવી હતી. આજે સવારે અસામાજિક તત્ત્વોથી કંટાળીને સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા. અસારવામાં પણ લિસ્ટેડ બુટલેગર કિશોર લંગડા તેમજ તેના સાગરીતોનો આતંક જોવા મળ્યો હતો.

અસારવામાં રહેતો જીતુ એકિટવા લઇને બે દિવસ પહેલાં જતો હતો ત્યારે કૃણાલસિંહ નામના યુવક સાથે તેને અકસ્માત થયો હતો, જેની અદાવત રાખીને ગઇકાલે કિશોર લંગડો, કૃણાલ, લલ્લાજી, કિશોરની પત્ની સહિત સાત લોકો મારો-મારોની બૂમો પાડીને લાકડી, તલવાર અને પાઇપો લઇને દોડી આવ્યાં હતાં અને ચાની કીટલી પર તોડફોડ કરીને લોકોના ઘરનાં બારણાં પર તલવાર અને પાઇપો મારી હતી. શાહીબાગ પોલીસે આ મામલે કિશોર લંગડા સહિત સાત લોકો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ખોખરામાં પતંગ લુંટવા બાબતે એક યુવકને છરીઓના ઘા ઝીંકવામાં આવ્યા છે. ખોખરા વિસ્તારમાં આવેલ હરીપુરામાં રહેતા વિજય દંતાણીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં મહેન્દ્ર લાડવા અને ઉમેશ વિરુધ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.

(7:45 pm IST)