Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

વાઇબ્રન્ટ-ર૦૧૯: ગાંધીનગરમાં મહાયુધ્ધના મોરચા જેવો માહોલ

વડાપ્રધાન સહિત વિવિધ દેશોના રાજપ્રમુખ તથા અગ્રીમ હરોળના ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિ સંદર્ભે જડબેસલાક બંદોબસ્ત : ડીજીપી શિવાનંદ ઝાના માર્ગદર્શનમાં સમગ્ર બંદોબસ્તનું સુકાન લો એન્ડ : ઓર્ડરના વડા સંજય શ્રીવાસ્તવને સુપ્રતઃ રાજકોટ રેન્જ ડીઆઇજી સંદીપસિંહ સહિત ૩૦ થી વધુ આઇપીએસ અને ટોચના અધિકારીઓ ગુજરાતભરમાંથી સામેલઃ જરૂર પડયે તોફાનીઓને કાબુમાં લાવવા ધડાધડ પાણીના ધોધ છોડતા વોટર કેનન મશીનો, બોંબ સ્કવોડ, ડોગ સ્કવોડ, ચેતક કમાન્ડો વિ. બંદોબસ્તમાં ખડેપગે

રાજકોટ, તા., ૧૬: વાયબ્રન્ટ સમીટ ર૦૧૯ માટે કાલે વડાપ્રધાન વિવિધ દેશોના પ્રમુખો અને ટોચના મહાનુભાવોની સાથોસાથ દેશના અગ્રીમ હરોળના ઉદ્યોગપતિઓ ગુજરાતમાં ર૦ મી તારીખ સુધી રોકાણ કરવાના હોવાથી સમગ્ર ગાંધીનગરમાં મહાયુધ્ધના મોરચા જેવી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહયો છે.

રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાના માર્ગદર્શન હેઠળ ૩૦ થી વધુ આઇપીએસ અધિકારીઓને જેમની વિશેષ જવાબદારી  સોંપાઇ છે તેવી આ વાયબ્રન્ટ સમીટ ર૦૧૯ના સલામતી માટેનું સમગ્ર સુકાન રાજયના લો એન્ડ ઓર્ડરના વડા અને સિનીયર કક્ષાના  અનુભવી આઇપીએસ સંજય શ્રીવાસ્ત સંભાળી રહયા છે.

રાજકોટ રેન્જ ડીઆઇજી સંદીપસિંહ આઇજી પીયુષ પટેલ, ગાંધીનગર રેન્જ વડા મયંકસિંહ ચાવડા, ગાંધીનગર એસપી મયુરસિંહ ચાવડા સહિત ગુજરાતના વિવિધ શહેર જીલ્લાના અધિકારીઓની મદદ લેવા સાથે અર્ર્ધલશ્કરી દળો પણ બંદોબસ્તમાં સામેલ છે. બંદોબસ્ત દરમિયાન જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે કાળા વાવટા દ્વારા વિરોધ થયેલ તેનું પુનરાવર્તન ન થાય તે માટે વિશેષ તકેદારી રાખવા આદેશો અપાયા છે. અત્રે યાદ રહે કે કાળા કપડા પહેરી વિરોધ કરવાની જાહેરાત પગલે આ નિર્ણય લેવાયો છે.

કોઇ પણ સંજોગોમાં તોફાનીઓને રોકવા પડે તો તે માટે પાણીના ધોધ છોડી બેભાન કરતા વોટર કેનન મશીનો, વ્રજ વાહન, ચેતક કમાન્ડો, બોંબ સ્કવોડ, ડોગ સ્કવોડ તથા પાવરફુલ સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ કરવામાં આવશે. આ સંદર્ભે ૪૫ જેટલા ખાસ પોલીસ મથકો ઉભા કરવામાં આવ્યા છે.

પોલીસ એટલે કરડાકી ભર્યા ચહેરા, સ્પેશ્યલ પ્રકારના બુટ અને ડરાવતો ચહેરો પરંતુ વાયબ્રન્ટ દરમિયાન જેઓને મહાત્મા મંદિર સહિત વિવિધ કાર્યક્રમોના અંદરના ભાગની જવાબદારી સુપ્રત થઇ છે તેઓ આથી ખુબ જ ભિન્ન હશે. આ માટે ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી સ્ટાફને વિશેષ ટ્રેનીંગ આપવામાં આવી છે. જેમાં એસપી કક્ષાથી લઇ પોલીસમેનનો સમાવેશ છે મહેમાનોને 'ગુડ મોર્નીગ' અને કેન મે આઇ હેલ્પ યુ જેવી સભ્ય ભાષામાં મ્હોં પર ખુશીના ભાવ સાથે પુછતા નજરે પડે તો નવાઇ ન પામતા. (૪.૬)

 

(11:53 pm IST)