Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસની પેનલો માટેની કવાયત શરૂ

ભરતસિંહ સોલંકી આણંદથી લડશેઃ રાજકોટમાં લલીત કગથરા, હિતેશ વોરાઃ જામનગરમાં માડમ, કાલરીયા-કંડોરીયાઃ લલીત વસોયા પોરબંદર, અમરેલી જેનીબેન ઠુમ્મર-કનુભાઇ કલસરીયાઃ સુ.નગર લાલજી મેર, સોમાભાઇ, શામજી ચૌહાણઃ જૂનાગઢ પૂંજા વંશ, વિમલ ચુડાસમા-જવાહર ચાવડા

રાજકોટ તા.૧૬: ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી માટે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપે આગોતરૂ આયોજન એક માસ પહેલા આદરી દીધું છે. ત્યારે કોંગ્રેસ આજથી ઉમેદવારો માટે પેનલો બનાવવી શરૂ કરી દીધી હોવાના વાવડ મળે છે. આજે રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી તથા રાજય પ્રભારી રાજીવ સાતવ પરેશ ધાનાણી તથા ઉપનેતા શેલેષ પરમાર સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી લોકસભાની કવાયત આદરશે.

કોંગ્રેસના ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજયની તમામ લોકસભા બેઠકો માટે કોંગ્રેસ બે થી ત્રણ નામોની પેનલો તૈયાર કરી હાઇકમાન્ડ સમક્ષ રજુ કરશે. લોકસભા ચૂંટણી માટે વિવિધ કમિટીઓની રચના તૂર્તમાં જાહેર કરાશે. કોર કમિટી, ચૂંટણી કમિટી, પ્રચાર કમિટી સહિતના મુદ્દે હાઇકમાન્ડે પ્રદેશ પ્રમુખ સાથે અગાઉ ચર્ચા કરી લીધી છે. આજે નેતા અને ઉપનેતા સાથે ચર્ચા કરી અસંતોષ, મડાગાંઠ અંગે તથા વિવિધ કમિટીની રચના અંગે પણ ચર્ચા થશે.

લોકસભા ચૂૂંટણી માટે કોંગ્રેસે પેનલો માટેની કવાયતો આદરી દીધી છે ત્યારે કોંગ્રેસી વર્તૃળોમાં લોકસભા ૨૦૧૯ માટેના સંભવીત ઉમેદવારોના જે નામોની ચર્ચા છે તે જોતા આણંદમાંથી ભરતસિંહ સોલંકી એક માત્ર નામ હશે અને તેમને હાઇકમાન્ડની લીલીઝંડી મળી ગઇ હોવાના પણ નિર્દેશો મળે છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો હાલમાં રાજકોટ લોકસભાની ચૂંટણી માટે બે નામો ઉપસી રહયા છે તેમા ધારાસભ્ય લલીત કગથરા તથા જિલ્લા પ્રમુખ હિતેશ વોરાના નામો છે.

સુરેન્દ્રનગર લોકસભા સીટ માટે લાલજી મેર, સોમાભાઇ ગાંડાભાઇ કોળી તથા ભાજપના પૂર્વ ધારાસભ્ય હાલ કોંગી અગ્રણી શામજી ચૌહાણનું નામ ચર્ચાય છે.

પોરબંદર લોકસભા બેઠક માટે તો હાલ લલીત વસોયાનું નામ ચર્ચાય છે. પરંતુ હાઇ કમાન્ડ અર્જુનભાઇ મોઢવાડિયાને પણ મેદાનમાં ઉતારી શકે.

જૂનાગઢમાં હાલ ધારાસભ્ય પૂંજાભાઇ વંશ, વિમલભાઇ ચુડાસમા તથા જવાહરભાઇ ચાવડાના નામો સંભવતો તરીકે ચર્ચાય છે.

અમરેલી બેઠક માટે જેનીબેન વિરજીભાઇ ઠુમ્મર અને કનુભાઇ કલસરીયાના નામો ચર્ચાય છે.

જામનગર લોકસભા બેઠક માટે ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, ચિરાગભાઇ કાલરીયા તથા મૂળુભાઇ કંડોરીયાના નામો ચર્ચાઇ રહયા છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની લોકસભા બેઠકો માટે મોટાભાગે વર્તમાન ધારાસભ્યોના નામો વધુ ચર્ચામાં છે. ત્યારે હાઇકમાન્ડ ધારાસભ્યોને મેદાનમાં ઉતારીને ભવિષ્યમાં ગુજરાતમાં પેટા ચૂંટણીને આમંત્રણ આપવું કે નહી તે અંગે પણ વિચારશે.

અલ્પેશ ઠાકરની ઇચ્છા રાધનપુર લોકસભા બેઠક પરથી ઝંપલાવવાની હોવાનું હાલમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે. ત્યારે કોંગી હાઇકમાન્ડ માટે આ વાતે ધારાસભ્યોને લોકસભાના જંગમાં મેદાને ઉતારવા કે નહી તે પ્રશ્ન સૌથી મોટો હશે.(૧.૬)

(12:46 pm IST)