Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

રૂપાણી સરકાર દ્વારા સોમનાથને 'માત્ર વેજ ઝોન' જાહેર કરવા તૈયારી

ટૂંક સમયમાં જાહેરાતઃ સોમનાથ મંદિરના આસપાસના ૩ કિ.મી.ના વિસ્તારમાં નોનવેજ વેંચવા પર પ્રતિબંધ ફરમાવાશેઃ ભૂતકાળમાં વેરાવળ-પાટણ નગરપાલિકાએ આ અંગે ઠરાવ પસાર કર્યો હતોઃ જેને હવે મંજુરી મળશેઃ સોમનાથ મંદિર નજીક પાટણમાં ૫૦ જેટલી દુકાનોમાં નોનવેજ વેંચવામાં આવે છે જેનાથી શહેરની પ્રતિષ્ઠા ભંગ થાય છેઃ હિન્દુ સંગઠનોએ ભૂતકાળમાં જોરદાર વાંધો ઉઠાવ્યો હતો

અમદાવાદ, તા. ૧૬ :. જૈનોનું પવિત્ર સ્થળ અને યાત્રાધામ પાલિતાણાને વિશ્વનું પહેલુ વેજીટેરીયન સીટી જાહેર કરાયા બાદ હવે લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતની વિજય રૂપાણી સરકાર ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોને માત્ર શાકાહારી ઝોન જાહેર કરવાની તૈયારી કરી રહી હોવાનુ જાણવા મળે છે. સોમનાથમાં અમુક ચોક્કસ વિસ્તારમાં નોનવેજીટેરીયન ફુડ વેંચી શકાશે નહિ. અત્રે નોંધનીય છે કે ઘણા લાંબા સમયથી અનેક સ્થાનિક હિન્દુ સંગઠનોએ આ મંદિરનગરીમાં નોનવેજ ફુડ અને ઈંડાના વેચાણ સામે વિરોધ નોંધાવી તેના પર પ્રતિબંધની માંગણી કરી હતી. નગરપાલિકાનું પણ માનવુ છે કે મંદિરની આસપાસ માંસ-મટન-ઈંડા વેંચવાથી શહેરની પ્રતિષ્ઠાને નુકશાન થાય છે. જિલ્લા કલેકટર ઓફિસ અને પોલીસના ટોચના વર્તુળોએ જણાવ્યુ છે કે, ટૂંક સમયની અંદર પાટણ મેઈન ચોકથી કાજલી માર્કેટીંગ યાર્ડ સુધીના ૩ કિ.મી. જેટલા વિસ્તારને માત્ર વેજીટેરીયન ઝોન જાહેર કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે ગત એપ્રિલમાં ભાજપ શાસિત વેરાવળ-પાટણ મ્યુ. કોર્પો.એ એક ઠરાવ પસાર કરી બીનશાકાહારી ફુડના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો હતો. હવે સરકાર આને મંજુરી આપવાની તૈયારીમાં છે.

આ અંગે હિન્દુ યુવા સંગઠનના પ્રતિક ભુવાએ જણાવ્યુ છે કે, નગરપાલિકાએ ઠરાવ પસાર કર્યાના થોડાક દિવસોમાં મંદિર નજીક બે દુકાનોને નોનવેજ ફુડ વેંચવાની મંજુરી આપવામાં આવી હતી. જે પછી અમે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ૩ વખત સંપર્ક કર્યો હતો અને તેમણે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે જો સોમનાથને વેજ ઝોન જાહેર નહી કરાય તો ભાજપને તેના માઠા પરિણામો ભોગવવા પડશે.

આ અંગે ગીરસોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ઠકરારનું કહેવુ છે કે, ગાંધીનગરમાં ઉપલા સ્તરે તમામ પ્રક્રિયાઓ પુરી કરી લેવાય છે અને ટૂંક સમયમાં જ સોમનાથને વેજ ઝોન જાહેર કરી દેવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કાનૂની પ્રક્રિયા પુરી કરવાની હોવાથી થોડો સમય લાગ્યો છે. આ અંગે જિલ્લા વહીવટી તંત્રના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સરકારે મંદિર આસપાસના વિસ્તારને વેજ ઝોન જાહેર કરવાનું નક્કી કર્યુ છે. કેટલો એરીયા હશે એ અંગે ચર્ચાવિચારણા ચાલુ છે ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ જશે.

આ અંગે ગીરસોમનાથના એસ.પી. રાહુલ ત્રિપાઠીએ જણાવ્યુ હતુ કે, વેજ ઝોન દરખાસ્તને અમે અમારી મંજુરી આપી દીધી છે. અમે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને પણ ધ્યાનમાં લીધી છે.

અત્રે એ નોંધનીય છે કે, સોેમનાથ નજીક પાટણમાં ૫૦ જેટલી દુકાનોમાં માછલી અને મટનનું વેચાણ થાય છે એટલુ જ નહિ કેટલીક રેંકડીઓ પણ છે. પ્રતિબંધ મુકાય તો ૧૦૦થી વધુ લોકોની રોજગારી ઉપર અસર થશે અને આડકતરી રીતે ૪૦૦ થી ૫૦૦ લોકોને અસર થશે. સૂત્રોના કહેવા મુજબ સોમનાથનુ મંદિર આવેલુ છે તેની બાજુમાં પાટણ પણ છે, જ્યાં સી-ફુડ અનેક લોકો ખાય છે. મુસ્લિમ, કોળી, દલીત, ખારવા વગેરે. આ લોકો માછીમારી સાથે પણ સંકળાયેલા છે. અગાઉ ૨૦૦૬માં જ્યારે સોમનાથ જૂનાગઢ જિલ્લામાં હતુ ત્યારે કલેકટરે ૫૦૦ મીટરના વિસ્તારમાં નોન વેજ વેચાણ પર પ્રતિબંધ મુકયો હતો.(૨-૪)

(12:19 pm IST)