Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ગુજરાતમાં શિક્ષણનું સ્તર તળીયે

ધો. ૨ના ગ્રામિણ વિસ્તારના ૯૦ ટકા વિદ્યાર્થીઓને પોતાની ચોપડી વાંચતા નથી આવડતુ : ૯૯%ને ભાગાકાર તો ૯૪ ટકાને બાદબાકીમાં વાંધા

નવી દિલ્હી તા. ૧૬ : ગુજરાત સરકાર દર વર્ષે શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે છતાં પણ શિક્ષણનું સ્તર અત્યંત નીચું હોવાનું માલુમ પડયું છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રીપોર્ટ-૨૦૧૮ કહે છે કે, સરકારી અને ખાનગી શાળાઓના ધોરણ-૨ના વિદ્યાર્થીઓમાંથી ૯૦ ટકા વિદ્યાર્થી પોતાના જ અભ્યાસક્રમની ચોપડી વાંચી શકયતા ન્હોતા જ્યારે ૬૭ ટકા એવા વિદ્યાર્થીઓ હતા જેઓ એક શબ્દ વાંચી શકયતા ન્હોતા.

આમાંથી ઘણા વિદ્યાર્થીઓ કે જેમનો પાયો કાચો હોવા છતા ફકત પાસ કરીને આગળના ધોરણમાં ચઢાવી દેવામાં આવ્યા છે તેવા ધો. ૩ના ૬૭% અને ધો. ૫ના ૪૬% વિદ્યાર્થીઓને પોતાના ધોરણની નહીં પણ ધો. ૨દ્ગક ચોપડી આપવામાં આવી તેમ છતા તેઓ વાંચી શકયા નહોતા. સર્વેમાં આ માહિતી એવા સમયે આવી છે જયારે તાજેતરમાં જ ગુજરાત સરકાર ધો.૫ અને ધો. ૮ માટે 'નપાસ નહીં કરવાની'પોલીસીને રદ કરવા વિચારી રહી છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પણ રાઇટ ટૂ એજયુકેશન(RTE) એકટમાં સુધારા ખરડો લાવી ફેરફાર કર્યા છે. જેને અનુલક્ષીને ગુજરાત સરકાર પણ 'નો ડીટેન્શન પોલિસી'રદ કરવા માગે છે.

રાજયમાં શિક્ષણની કથળતી જતી સ્થિતિને જોતા સરકારે સૂચવ્યું છે કે ગુજરાતની દરેક શાળામાં ધો. ૩માં પરીક્ષા લેવામાં આવે અને જો વિદ્યાર્થી ફેઇલ થાય તો તેમને આગળના ધોરણમાં મોકલવામાં ન આવે, પરંતુ તે જ ધોરણમાં આગામી વર્ષ માટે રાખવામાં આવે. આ તો થઈ ફકત સામાન્ય ચોપડી વાંચવાની વાત પરંતુ જયારે ગણિતની વાત કરવામાં આવે તો સ્થિતિ તેનાથી પણ વધારે ખરાબ છે. ધો. ૨માં અભ્યાસ કરતા ૯૩.૫% વિદ્યાર્થીઓ બે આંકડાની બાદબાકી અને ૯૯% વિદ્યાર્થીઓ ભાગાકાર કરી શકતા નથી.

તેમ છતા વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં ચઢાવી દેવાની નીતિના કારણે ઉપલા ધોરણમાં પહોંચી ગયા પછીપણ વિદ્યાર્થીઓનું ગણિત જેમનું તેમ જ રહે છે. ધો.૩માં અભ્યાસ કરતા ૯૮% વિદ્યાર્થીઓ ભાગાકાર કરી શકતા નથી તો ધો.૮માં ભણતા ૬૮% વિદ્યાર્થીઓ પણ ભાગાકાર કરી શકતા નથી. વાર્ષિક શૈક્ષણિક અહેવાલ સર્વે માટે ૭૭૯ ગામડાઓમાં રહેતા ૧૫૦૦૦ પરિવારો અને તેમના ૩-૧૬ વર્ષની વયના ૧૮૬૫૦ બાળકોને આવરી લેવામાં આવ્યા છે. જોકે આ બધામાં એક જ પાતળું આશાનું કિરણ દેખાતું હોય તો તે ૨૦૧૨-૧૮ સુધીમાં ગામડાના વિદ્યાર્થીઓમાં વાંચવાની ક્ષમતાનો વધારો થયો છે જેમાં સરકારી શાળાના ૧૨.૪% અને પ્રાઇવેટ સ્કૂલના ૧૨.૮% વિદ્યાર્થીઓમાં આ સુધારો નોંધાયો છે.

આ અંગે શિક્ષણવિદ સુખદેવ પટેલ કહે છે કે, 'પ્રાથિમક સ્કૂલ સ્તરે નબળી શૈક્ષણિકત્તા એટલા માટે છે કે આવી સ્કૂલોમાં યોગ્ય રીતે ભણાવવામાં આવે છે કે નહીં તેનું નિયમિત કવોલિટી એસેસમેન્ટ એટલે કે ગુણવત્તા ચકાસણી કયારેય કરવામાં આવતી નથી. હવે સરકારે દરેક પ્રાઇમરી સ્કૂલમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીમાં વાલીઓના વધારે પ્રતિનિધિત્વ સાથે સત્તા આપવી જોઈએ. વાલીનું વધારે પ્રતિનિધિત્વ ધરાવતી આ કમિટીના હાથમાં સત્તા હશે તો શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોની ગણવત્તમાં સુધારો લાવી શકાશે.'

તેમણે વધુમાં કહ્યું કે, હાલ ઘણી પ્રાઇવેટ અને સરકારી સ્કૂલોમાં આવી કમિટી બનેલી છે પરંતુ મોટાભાગે કમિટી નિષ્ક્રિય હાલતમાં હોય છે. તેમની હાજરી ફકત કાગળ પર જ દેખાય છે.' જોકે આ મામલે રાજયના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના સૂર અલગ જ દિશામાં વાગી રહ્યા છે. તેમણે કહ્યુંકે, 'ASER સર્વેને પૂર્ણ રૂપે સાચો માની શકાય નહીં. તેમાં અતિશયોકિત છે. તેઓ સ્કૂલની જગ્યાએ ઘરે જઈને માહિતી એકઠી કરી છે. જેથી તે ચોક્કસ હોઈ શકે નહીં. મને લાગે છે ત્યાં સુધી ૨-૪ ટકા જ વિદ્યાર્થીઓ ભણવામાં નબળા હશે.'(૨૧.૮)

 

(10:19 am IST)