Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ઊતરાયણ પર્વ : રાજ્યના મંદિરોમાં શ્રદ્ધાળુ ઉમટ્યા

મંદિરો તેમજ તીર્થસ્થાનોમાં દાન-પુણ્યનો ધોધ : સોમનાથ અને દ્વારકામાં મકરસંક્રાતિની પૂજા વાસી ઊરાયણે કરાઇ

અમદાવાદ,તા. ૧૫ : મકરસક્રાંતિ-ઊતરાયણના તહેવારને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પતંગપર્વની ઉજવણીની સાથે સાથે દાન-પુણ્યનો પણ ધોધ વહ્યો હતો. પ્રજાજનો દ્વારા ખાસ કરીને સમાજસેવી લોકો અને સંસ્થાઓ દ્વારા ઊતરાયણના પર્વને લઇ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરી તેમ જ ગાય-હાથી, પક્ષીઓને ચારો, કેળા, ધાન ખવડાવી પુણ્ય અર્જિત કર્યું હતું. શાસ્ત્રોમાં પણ ઊતરાયણના તહેવાર દરમ્યાન કરાયેલા દાન-પુણ્યનું અનેકગણું ફળ પ્રાપ્ત થતું હોવાનું કહેવાયું છે. ઊતરાયણના તહેવારને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં દેવી-દેવતાઓના ખાસ સાજ-શણગાર અને અન્નકુટ-ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રાજયના સોમનાથ મહાદેવ, દ્વારકા, ડાકોર, અંબાજી, શામળાજી, સાળંગપુર કષ્ટભંજન દેવ સહિતના યાત્રાધામોમાં વિશેષ સાજ-શણગાર અને ભકતો માટે દર્શન-પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદ સહિત રાજયભરના મંદિરોમાં તહેવારને લઇ શ્રધ્ધાળુ ભકતો ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટયા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમના પરિવાર સાથે વાસીઊતરાયણના દિવસે જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની આરતી ઉતારી હતી. અમિત શાહ દ્વારા આ પ્રસંગે સાધુ-સંતો સહિતના લોકોને ધોતી સહિતનું  દાન પણ કરવામાં આવ્યું હતું. આ દાન-પુણ્યના પ્રસંગમાં અમિત શાહની સાથે તેમના પત્ની પણ સહભાગી બન્યા હતા. તો, તેમના પુત્ર જય શાહની નાની પુત્રીને પણ અમિત શાહ દર્શન પ્રસંગે સાથે લઇને  આવ્યા હતા. મકરસંક્રાતિએ દાન-પુણ્યનું સવિશેષ મહત્વ છે કારણ કે, ઊતરાયણના દિવસે કરેલા દાન-પુણ્યનું અનેકગણુ અને બહુ દુર્લભ ફળ પ્રાપ્ત થતું હોવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. જો કે, આ વખતે ઊતરાયણના દિવસે સાંજે ૭-૪૧ મિનિટે સૂર્યનારાયણ દેવ ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો. જેના કારણે મકરસંક્રાતિનો પુણ્યકાળ આજે તા.૧૫મી જાન્યુઆરીથી થયો હતો. આ વખતના આ સંયોગને લઇ વાસીઊતરાયણના દિવસે પણ લોકોએ દાન-પુણ્ય કરી સેવાકાર્ય કર્યું હતું. તો સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ અને દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં પણ આજે મકરસંક્રાતિની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. જયોતિષીઓના મતે, બારેય રાશિઓના વ્યકિતઓએ તેમની રાશિ મુજબ દાન-પુણ્ય કરવામાં આવે તો તેનું અનેકગણું અને અદ્ભુત ફળ પ્રાપ્ત થતુ હોય છે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ તેનો અનેરો મહિમા છે. પ્રજાજનોએ તેમની રાશિ મુજબ, ઊતરાયણના તહેવાર નિમિતે સફેદ તલ, સફેદ વસ્ત્ર, સાકર, દૂધ, ચોખા, લાલ વસ્ત્ર, ઘઉં, ગોળ સીંગ, તાંબાનું વાસણ, કાળી વસ્તુ, કાળા વસ્ત્ર, કાળા તલ, કાળા અડદ, સ્ટીલના વાસણ, પીળા વસ્ત્ર, ગોળ, ચણાની  દાળ, કેળા, યથાશકિત સુવર્ણ, ચંદનનું કાષ્ટ, શેરડી, લોખંડની વસ્તુ, લવીંગ, સાકર સહિતની ચીજવસ્તુઓનું દાન કરી અનેકગણું પુણ્ય કમાવવાનો લાભ ઉઠાવ્યો હતો. શહેર સહિત રાજયના વિવિધ મંદિરોમાં પણ દાન-સેવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક મંદિરોમાં તો ઊતરાયણના પવિત્ર પર્વ નિમિતે ગૌદાનનું અનન્ય મહાત્મ્ય હોઇ ગૌભકતો ગૌદાન કરી અતિદુર્લભ પુણ્યપ્રાપ્તિનો લ્હાવો ઉઠાવ્યો હતો. શહેરના જગન્નાથ મંદિર, કેમ્પ હનુમાનજી મંદિર, ભદ્રકાળી મંદિર, ધનાસુથારની પોળના પ્રાચીન અંબાજી મંદિર, સોલા ભાગવત, ઇસ્કોન મંદિર, ભાડજ સ્થિત રાધામોહન મંદિર, પાલડી સ્થિત જલારામ મંદિર સહિતના મંદિરોમાં વિશેષ આયોજન કરાયા હતા. અમદાવાદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં ઊતરાયણના પર્વને લઇ દેવી-દેવતાઓના વિશેષ સાજ-શણગાર અને આકર્ષક સજાવટ કરાયા હતા. મંદિરોમાં દેવી-દેવતાઓના વિશેષ અન્નકુટ અને શ્રધ્ધાળુ ભકતો માટે વિશેષ પ્રસાદ અને ભંડારાનું પણ આયોજન કરાયુ હતું. શાહીબાગ કેમ્પ હનુમાનજી મંદિરમાં સુંદરકાંડના વિશેષ પાઠનું આયોજન કરાયું હતું. જગન્નાથ મંદિર ખાતે પણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો મંદિરની બહાર ખૂબ મોટી સંખ્યામાં લાઇન લગાવીને બેસી ગયા હતા, લોકો તેમને ઉદારતાથી ચીજવસ્તુઓ દાન કરતા હતા. મંદિર બહાર હાથીઓને પણ કેળા, ગોળ સહિતની ખાદ્યચીજો ખવડાવવાની ખાસ વ્યવસ્થા થઇ હતી. રાજયના મંદિરોમાં ભકિત અને દાન-પુણ્યનો માહોલ છવાયો હતો.

(6:02 pm IST)