Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ગુજરાતી લોકોએ ઉંધિયા તેમજ જલેબીની મઝા માણી

મોંઘવારીની કોઇ અસર લોકોને ન નડી : ઉંધીયા-જલેબીની સાથે ચોળાફળી, ગાંઠિયા, કચોરી અને ગોટાના માર્કેટમાં ધૂમ વેચાણ નોંધાયું : કારોબારી ખુશ

અમદાવાદ,તા. ૧૫ :    ઊતરાયણના તહેવારની ઉજવણી ઉંધીયા-જલેબીની જયાફત વિના અધૂરી મનાય છે. ઊતરાયણના પતંગ-દોરીની લૂંટની સાથે સાથે ઉંધીયા-જલેબીની જયાફતની મોજ પણ પ્રાચીન કાળથી જોડાયેલી છે. ઊતરાયણની તહેવાર ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ મન ભરીને મોજ માણીને ઉજવવા માટે જાણીતા છે. ખાવા-પીવાના શોખીન ગુજરાતી ઓનું ઊતરાયણનું મેઇન મેનુ આ વર્ષે પણ ઉંધીયુ-જલેબી જ રહ્યું હતું. ઊતરાયણ-વાસીઊતરાયણના બે દિવસ દરમ્યાન જ અમદાવાદીઓ કરોડો રૂપિયાનું ઉંધીયુ-જેલબી ઝાપટી ગયા હતા. ગુજરાતી ઓના શોખને ધ્યાનમાં લઇને શહેરના વિવિધ સ્વીટમાર્ટ અને ફરસાણ-મીઠાઇઓવાળાઓએ ઉંધીયા-જેલેબીના વેચાણ માટે ખાસ વ્યવસ્થા કરી હતી. ઉંધીયા-જલેબીની અમદાવાદીઓએ મન ભરીને જયાફત ઉડાવી હતી. તો, તેની સાથે સાથે ચોળાફળી, ગાંઠિયા, કચોરી અને ગોટાના માર્કેટમાં પણ તેજી જોવા મળી હતી. જેના કારણે ઉંધીયા-જલેબી સિવાય ખાણી-પીણીની આ આઇટમોનું પણ ધૂમ વેચાણ નોંધાયું હતું. ઊતરાયણના તહેવારને લઇ શહેરના જાણીતા સ્વીટ માર્ટસ્ અને ફરસાણ-મીઠાઇવાળાઓએ તો ઉંધીયા-જલેબીની ડિમાન્ડને પહોંચી વળવા આગોતરી તૈયારી કરી હતી અને ચાર-પાંચ દિવસ પહેલાથી જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જેના ભાગરૂપે તેઓએ તેમના મેઇન સ્ટોલ કે દુકાનની આગળ જ વધારાના મંડપ, સ્ટોલ્સ અને શામિયાણા બાંધી ઉંધીયા-જલેબીના વેચાણ માટેની અલગ જ વ્યવસ્થા કરી હતી. કેટલાક જાણીતા સ્વીટમાર્ટસ અને ફરસાણ-મીઠાઇવાળાઓએ ઉત્સાહી પતંગરસિયાઓ અને ખાવાના શોખીન ગ્રાહકોની ડિમાન્ડને લઇ આગોતરા ઓર્ડર પણ મેળવ્યા હતા. ઊતરાયણના તહેવારને લઇ શહેરના વિવિધ વિસ્તારો અને માર્ગો પર ઉંધીયુ-જલેબી ખરીદવા માટે ગુજરાતી શોખીન ગ્રાહકોની લાંબી લાંબી લાઇનો જોવા મળી હતી. ઉંધીયુ-જલેબીના લગભગ તમામ સ્ટોલ્સ અને દુકાનો પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરની આવી નાની દુકાનો પર ઉંધીયાનો એક કિલોનો ભાવ રૂ.૨૭૦થી રૂ.૩૧૦ સુધીનો રહ્યો હતો. તો જલેબીનો ભાવ રૂ.૫૦૦થી લઇ રૂ.૬૦૦-રૂ.૬૨૫ સુધીનો જોવા મળ્યો હતો. તો, શહેરના જાણીતા સ્વીટમાર્ટ્સ અને ફરસાણ-મીઠાઇવાળાઓના ત્યાં આ જ હાઇકવોલિટી અને ચોખ્ખા-ઘી તેલમાંથી બનાવાયેલ ઉંધીયા-જલેબીનો ભાવ એક કિલોના અનુક્રમે રૂ.૪૭૦થી રૂ.૬૦૦ અને રૂ.૭૫૦થી રૂ.૯૫૦ સુધીનો જોવા મળ્યો હતો. જે ગત વર્ષની સરખામણીમાં ખાસ્સો વધારે અને નોંધનીય હતો.

જીએસટીના કારણે ઉંધીયા જલેબીના ભાવમાં જબ્બર ઉછાળા અને નોંધપાત્ર ભાવવધારા વચ્ચે પણ ગુજરાતીઓએ મન ભરીને કરોડો રૂપિયાના ઉંધીયા-જલેબી આરોગ્યા હતા અને  તેની જયાફતો વચ્ચે ઊતરાયણની ઉજવણી કરી હતી. ઉંધીયા-જલેબીની સાથે સાથે ફાફડા-ચોળાફળી, ગોટા, ગાંઠિયાના માર્કેટમાં પણ સારુ એવું વેચાણ નોંધાયું હતું. અમદાવાદીઓએ બે દિવસનુ નાસ્તા-જમવાનું અલગ જ મેનુ તૈયાર કર્યું હોઇ ેખાણી-પીણીવાળાઓને ભારે તડાકો પડી ગયો હતો. ઉંધીયા-જલેબીની સાથે ફ્રુટસલાડ, રસગુલ્લા, બાસુદી, ગુલાબજાંબુ, હલવા સહિતની વાનગી-મીઠાઇઓએ પણ ઊતરાયણની ઉજવણીમાં મનભાવન રંગત જમાવી હતી. જીએસટી અને મોંઘવારીના મારના કારણે ઉંધીયા-જલેબી સહિતની ખાણીપીણીની ઉપરોકત આઇટમોના ભાવોમાં આ વખતે નોંધપાત્ર વધારો હોવાછતાં સ્વાદના રસિયાઓ અમદાવાદીઓએ મન ભરીને તેની જયાફત ઉડાવી હતી. ખાણી-પીણીના આસ્વાદ, લુત્ફ અને જયાફતો વચ્ચે પ્રજાજનોએ ઊતરાયણના પર્વની ધમાકેદાર ઉજવણી કરી હતી.

(6:00 pm IST)