Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

એ કાપ્યોના શોર વચ્ચે ઉત્તરાયણની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઇ

સવારમાં જોરદાર પવન હોવા છતાં પતંગબાજો ભારે ઉત્સાહિત દેખાયા : એ કાયપો છે...ચલ લપેટ..લપેટની ચીચીયારી-બૂમો ગુંજી : પતંગરસિયાઓ ડીજે-મ્યુઝિકના તાલ પર મસ્તીમાં ઝુમ્યા, રાત્રે તુક્કલ, ફટાકડા-આતશબાજી

અમદાવાદ,તા. ૧૫ : અમદાવાદ સહિત રાજયભરમાં પતંગરસિયાઓ દ્વારા શનિવાર, રવિવાર, સોમવાર અને મંગળવાર એમ ચાર દિવસના મીની વેકેશનમા ઊતરાયણ-વાસીઊતરાયણના તહેવારની ભારે હર્ષોલ્સાસ અને ઉત્સાહ સાથે જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે વાયુદેવે પણ બહુ અદ્ભુત કૃપા રાખી હોઇ પવન સાનૂકૂળ અને સરસ રહેતાં પતંગરસિયાઓને ઊતરાયણનો તહેવાર મનાવવાની મોજ પડી ગઇ હતી. પતંગરસિયાઓ દ્વારા ખુલ્લા આકાશમાં ઉડાડવામાં આવેલા રંગબેરંગી, આકર્ષક અને જાતજાતના અવનવા પતંગોના કારણે આકાશ નયનરમ્ય અને જાણે રંગબેરંગી ટીલડીઓથી સુશોભિત થઇ દીપી ઉઠયું હતું. અમદાવાદ શહેરની પોળો, સોલા-હાઉસીંગના મકાનો સહિતની શેરીઓ, મહોલ્લાઓ, સોસાયટીઓ, ફલેટ-એપાર્ટમેન્ટસના ધાબા છત પર પતંગ રસિયાઓના ટોળા અને જૂથો કે એકલદોકલ ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે પતંગ ચગાવતા નજરે પડતા હતા. ચોતરફ એ કાયપો છે...ચલ લપેટ...લપેટની ચીચીયારીઓ અને બૂમોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. તો, બીજીબાજુ, મ્યુઝિક, ડીજેના તાલ વચ્ચે બે દિવસ પતંગરસિયાઓ સહિતના પ્રજાજનો ખાસ કરીને યંગસ્ટર્સ મસ્તીમાં ઝુમતા રહ્યા હતા. તો, રાત્રે આકાશમાં તુક્કલ ઉડાડી જાણે નાના દીવડા લગાવી અવકાશને દિપાવવાનો અદ્ભુત નઝારો પણ પતંગરસિયાઓએ સર્જયો હતો, જેને લઇ રાતના સમયે પણ અવકાશનો નઝારો મનમોહક લાગતો હતો. તો વળી, કેટલાક ઉત્સાહી પતંગરસિયાઓએ રાત્રે ધાબા પર અને જમીન પર આતશબાજી કરી, ફટાકડા ફોડી ઊતરાયણના પર્વની ભારે ઉત્સાહ સાથે કરી હતી. ઊતરાયણના તહેવારને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયેલો રહ્યો હતો. ઉત્સાહી પતંગરસિયાઓએ શનિવાર સાંજથી જ ધાબાઓ, ટેરેસ અને છત પર મ્યુઝીક સીસ્ટમ, સ્પીકર્સ અને લાઉડ સ્પીકર ગોઠવી દીધા હતા અને મ્યુઝીક, ડાન્સ, ડીજેના તાલ અને ગીતોની ધૂમ વચ્ચે ઊતરાયણની ધમાકેદાર ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું. રવિવારની રજા પણ પંતગરસિયાઓએ મન ભરીને માણી હતી અને પતંગ ચગાવ્યા હતા. મકરસંક્રાતિના દિવસે સૂર્યનારાયણ દેવ આ વખતે સૂર્યાસ્ત બાદ એટલે કે, સાંજે ૭-૪૧ મિનિટે ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો. જેના કારણે મકરસંક્રાતિનો પુણ્યકાળ આજે તા.૧૫મી જાન્યુઆરીથી થયો હતો. આ સાથે જ ધનાર્ક મૂર્હુર્તાની પણ પૂર્ણાહુતિ થઇ હતી. ઊતરાયણના દિવસે વહેલી સવારથી જ પતંગરસિયાઓ ધાબાઓ-છત, છાપરા અને ટેરેસ પર પતંગ-દોરી સાથે ચઢી ગયા હતા અને બીજીબાજુ, મ્યુઝિક મસ્તી અને ડીજેના તાલે વાતાવરણમાં પર્વનો ઉત્સાહ વધારી દીધો હતો. નાના બાળકોથી માંડી અબાલ-વૃધ્ધ સૌકોઇએ પતંગ ચગાવવાનો, પેચ કાપવાનો અને દોરી લપેટવાની મજા માણી હતી. અમદાવાદનું આકાશ રંગબેરંગી, અવનવા અને જાતજાતના આકર્ષક પતંગોથી છવાઇ ગયું હતું. જેના કારણે, અવકાશનો નઝારો મન મોહી લેતો હોય તેવો બન્યો હતો. જો કે, પશુ-પંખીની રક્ષા કાજે ચલાવાતા જાગૃત અભિયાનના  ભાગરૂપે આ વખતે દર વર્ષની સરખામણીએ પ્રમાણમાં ઓછા પતંગ આકાશમાં ચગતા જોવા મળતા હતા પરંતુ તહેવારને લઇ ઉત્સાહ દર વર્ષ જેવો જ જોવા મળ્યો હતો. આ વખતે શનિવાર-રવિવારની એકસ્ટ્રા રજા અને સોમવારે ઊતરાયણ અને મંગળવારે વાસીઊતરાયણ એમ ચાર દિવસના મીની વેકેશનની રજા આવી ચાર દિવસ માટે જાણે ધાબા-ટેરેસ પર જ ધામા નાંખી દીધા હતા. ચારેબાજુ, એ કાયપો છે...એ કાટા..કાટા... ચલ લપેટ...લપેટ....ની ચીચીયારીઓ અને બૂમોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. તો, ડીજેના તાલ અને ડાન્સ વચ્ચે કર્ણપ્રિય મ્યુઝિક મસ્તીનો માહોલ પણ જોરદાર રીતે છવાયેલો રહ્યો હતો. આ બધા શોરબકોર અને મસ્તી વચ્ચે પીપૂડા, સીસોટી અને કયાંક તો વળી, ઢોલ-નગારાના અવાજ પણ ધ્યાન ખેંચતા હતા. એકબાજુ પતંગ રસિયાઓ પગંત ચગાવવા, પેચ કાપવા અને પતંગ લૂંટવાની મસ્તીમાં મગ્ન હતા તો, ઘરની મહિલાઓ અને ગૃહિણીઓએ પણ પરિવારજનો-મિત્રવર્તુળ અને સગાવ્હાલાઓને ઉંધિયા-જલેબીની જયાફતમાં સહભાગી બનાવી પર્વની સામાજિક વધામણી કરી હતી.

ઊતરાયણના તહેવારને લઇ લોકોએ તલ સાંકડી,મમરાના લાડુ, તલ-સીંગની ચીકી સહિતની અન્ય ચીજવસ્તુઓનો પણ મન ભરીને આસ્વાદ માણ્યો હતો. સમગ્ર દિવસ દરમ્યાન પતંગ ચગાવ્યા બાદ અને પેચ કાપી-પતંગ લૂંટીને થાકયા બાદ સાંજે બેથી ત્રણ કલાક આરામ કરી ફ્રેશ થઇ નાસ્તો કરી, જમ્યા પછી ફરી પાછા પતંગરસિયાઓ રાતના સમયે ધાબા-ટેરેસ પર ચઢી ગયા હતા. લગભગ રાત્રે ૯-૦૦ વાગ્યાથી લઇ મોડી રાતના બે-ત્રણ વાગ્યા સુધી પતંગરસિયાઓએ આકાશમાં તુક્કલ અને સફેદ પતંગ ચગાવી ઊતરાયણના તહેવારની સંપૂર્ણ મોજ માણી હતી. પતંગરસિયાઓ દ્વારા ચગાવાયેલી તુક્કલ અને સફેદ પતંગ-ફુગ્ગાઓને લઇ અવકાશનો નઝારો જાણે દિવડાઓથી આકાશને ચાર ચાંદ લગાવ્યા હોય તેવો અદ્ભુત અને મનમોહક જણાતો હતો. ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે અમદાવાદ સહિત રાજયના પ્રજાજનોએ ઊતરાયણના પર્વની ઉજવણી કરી વેર-ઝેરના પેચ કાપી સામાજિક એકતા અને શાંતિનો સંદેશો પણ પ્રસરાવ્યો હતો. અમદાવાદ શહેર રાજયભરમાં ઊતરાયણના પતંગોત્સવનો માહોલ જોરદાર રીતે છવાયેલો રહ્યો હતો અને આ વખતે પતંગરસિયાઓએ જાણે ચાર દિવસની ભરપૂર ઊતરાયણ મનાવી હતી.

(6:00 pm IST)