Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સેવા બેંક હવે ડિજિટલ ફાય. સોલ્યુશન પૂરૂ પાડવા તૈયાર

મહિલા ઉત્કર્ષ માટે તત્પર સેવા બેંકની હરણફાળ : કેલિડોફિન સાથે જોડાણ : સેવા બેંકના ગ્રાહકોને ડિજિટલ ફાયનાન્સિયલ સોલ્યુશન હાથવગુ બનશે, ગ્રાહકોને ફાયદો

અમદાવાદ,તા. ૧૬ : અંદાજે છ લાખથી વધુ સક્રિય સભ્યોનું મોટુ નેટવર્ક ધરાવતી સેવા બેંકે હવે તેની મહિલા ગ્રાહકોને ઝડપી અને વધુ અસરકારક સેવા ઉપલબ્ધ બનાવવાના ભાગરૂપે ડિજિટલ ફાયનાન્સીયલ સોલ્યુશન તરફ વધુ એક હરણફાળ ભરી છે અને ગ્રાહકોને ડિજિટલ ફાયનાન્સીયલ સોલ્યુશન પૂરુ પાડવાના ઇરાદે કેલિડોફીન સાથે જોડાણ કર્યું છે એમ અત્રે સેવા બેંકના મેનેજીંગ ડાયરેકટર સુશ્રી જયશ્રી વ્યાસે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓના ઉત્કર્ષ માટે સદાય તત્પર સેવા બેંક તેના ગ્રાહકોને વધુ સારી અને સુગમતાભરી હાથવગી સેવા ઉપલબ્ધ કરવા હવે ડિજિટલ ફાયનાન્સીયલ સેવાથી સજજ થઇ રહી છે. કેલિડોફિન જોડાણથી વિશાળ ગ્રાહક સમુદાયને ટેક આધારિત ફાયનાન્સીયલ સોલ્યુશન્સ મળી રહેશે.  કેલિડોફિન તે ઔપચારિક સેક્ટર માટેનું ફીનટેક પ્લેટફોર્મ છે કે જેનાથી સેવા બેંકના ગ્રાહકોને કેલિડોફિન મોબાઇલ એપ્લીકેશન દ્વારા સમયસર મદદ મળતી રહે છે. કેલિડોફિન મોબાઇલ એપ્લીકેશન સમગ્ર સેવા બેંકના નેટવર્કમાં રજૂ કરવામાં આવી છે. સેવા બેંક અને કેલિડોફિનના અભિગમમાં બચત, ધિરાણ અને વીમા જેવી અનોખી ફાયનાન્સીયલ પ્રોડકટનો સમાવેશ થાય છે. આ ફાયનાન્સીયલ સોલ્યુશન્સમાં લક્ષ્ય અને ઉડાનના બે પ્રોજેકટ છે, જે અંતર્ગત બાળકોના ઉચ્ચ શિક્ષણ, મકાનનું સમારકામ, શાળાની ફી, સીવણના સંચાની ખરીદી, લેપટોપ કે દ્વિચક્રી વાહનો જેવી જરૂરિયાતોને સંતોષે છે. સેવા બેંકના તમામ ગ્રાહકોને આ મોબાઇલ એપ્લીકેશન દ્વારા ફાયનાન્સીયલ સોલ્યુશનનો નવતર અને હાથવગો અનુભવ પ્રાપ્ય બનશે. મોબાઇલ એપ્લીકેશનના આધારે ઇ સાઇન, ક્રેડિટ બ્યુરોઝ, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્શ્યોરન્સ કંપની સાથે જોડાણ સહિતના વિકલ્પો પણ ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે કેલિડોફીનના સહસ્થાપકો સુચિત્રા મુખર્જી, પુનિત ગુપ્તા અને અનિતા ગોયલે જણાવ્યું હતું કે, સેવા બેંકના ધિરાણ પ્રત્યેના જીવનલક્ષી અભિગમે અમને તેની સાથે જોડાણ કરવા પ્રેર્યા છે. સેલ્ફ એમ્પ્લોઇડ મહિલાઓ માટે આ ડિજિટલ ફાયનાન્સીયલ સોલ્યુશન ખરેખર આશીર્વાદ સમાન બની રહેશે.

 

(8:12 pm IST)