Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

વડોદરામાં પત્નીના બર્થડેના દિવસે પતિના ગળામાં દોરો વીંટાઈ ગળું કપાઈ જતા ખુશીનો માહોલ ગમગીનીમાં છવાયો

વડોદરા:શહેરમાં ઉતરાયણ પર્વે વાહનચાલકો અને રાહદારીઓ સહિત ૧૩ વ્યકિતઓના પતંગના દારો વાગતા ગળામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ પૈકીના માણાજે વિસ્તારમાં રહેતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનુ ખાનગી હોસ્પિલટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

શહેરના માણેજા વિસ્તારના શ્રીજી વસાહત ખાતે રહેતા ૨૮ વર્ષીય પ્રિયાંકભાઈ શાંતીલાલ પરમારે થોડાક સમય અગાઉ જ પ્રેમલગ્ન કર્યા હતા.ગત ૧૩મી જાન્યુઆરીએ તેમની પત્નીનો બર્થ ડે હોઈ દંપતી માંજલપુરના મલ્ટીપ્લેક્સ ખાતે ફિલ્મ જોવા માટે ગયું હતું.

ફિલ્મ જોઈને આશરે છ વાગ્યાના સમયગાળામાં દંપતી બાઈક પર ઘરે પાછું જતું હતું તે સમયે માંજલપુરના સરસ્વતી કોમ્પ્લેક્સ પાસેથી પસાર થતી વખતે પતંગનો ધારદાર દોરો પ્રિયાંકભાઈના ગળામાં ભરાઈ જતા તેમને ગળાના ભાગે ઈજાઓ પહોંચી હતી. દોરાથી ગળુ કપાતા લોહીલુહાણ બનેલા પ્રિયાંકભાઈને તુરંત નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જયાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

આ ઉપરાંત પણ શહેરના વિવિધ વિસ્તારમાં રાહદારીઓ અને વાહનચાલકોને ૧૪મી તારીખે પતંગના દોરાથી ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

(6:01 pm IST)