Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ઇન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધામાં જીટીયુની ટીમે મેદાન માર્યું : દ્રિતીય જજીસ એવોર્ડ હાંસલ કર્યો

સ્પર્ધામાં ચીન, જાપાન, તાઈવાન, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, કંબોડીયા, નેપાળ સહિતના 11 દેશોની 21 ટીમોએ ભાગ લીધો :જીટીયુની રોબોકોન ટીમમાં સંલગ્ન 32 કૉલેજના 33 વિદ્યાર્થીઓ

અમદાવાદ: એશિયા પેસેફિક બ્રોડકાસ્ટ યુનિયન અને ફિઝી દેશના સંલગ્ન પ્રયાસથી તાજેતરમાં જ ઈન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એશિયન પેસેફિક બ્રોડકાસ્ટ યુનિયન આયોજીત ઈન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધામાં જીટીયુની રોબોકોન ટીમે દ્વિતિય જજીસ એવોર્ડ પ્રાપ્ત કરીને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે

રોબો રગ્બી 7એસ” થીમ પર ઈન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં રોબોટીક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રગ્બી ગેમ્સ રમવા માટેનો ટાસ્ક આપવામાં આવેલ હતો. આ સ્પર્ધામાં ચીન, જાપાન, તાઈવાન, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, કંબોડીયા, નેપાળ સહિતના 11 દેશોની 21 ટીમોએ ભાગ લીધો હતો. ભારતનું પ્રતિનિધિત્વ કરનાર જીટીયુની રોબોકોન ટીમમાં સંલગ્ન 32 કૉલેજના 33 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

આ અંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે,21મી સદીમાં રોબોટીક્સ ટેક્નોલોજીનો ફાળો ટેક્નિકલ ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં છે. જીટીયુ ભવિષ્યના ટેક્નોક્રેટ્સને રોબોટીક્સ ક્ષેત્રે સંપૂર્ણ રીતે ટ્રેઈન કરી રહી છે. જેના પરિણામ સ્વરૂપ આંતરરાષ્ટ્રીય કક્ષાની રોબોકોન સ્પર્ધામાં જીટીયુની ટીમે સ્થાન હાંસલ કરીને દેશનું ગૌરવ વધારેલ છે

તાજેતરમાં 12 ડિસેમ્બરના રોજ જાપાનના ટોકિયો ખાતે ફિઝી દ્વારા યોજાયેલી ઈન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધામાં ક્રિએટીવ અને ઈનોવેટીવ ડિઝાઈન માટે જીટીયુની રોબોકોન ટીમે દ્વિતિય જજીસ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ઈન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધા માટે ભારતમાંથી જીટીયુ અને એમઆઈટી, પૂણે આ 2 ટીમની પસંદગી કરવામાં આવી હતી. જીટીયુ રોબોકોન ટીમના મેન્ટર્સ પ્રો. રાજ હકાણીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, જીટીયુની રોબોકોન ટીમમાં 7 જુદી-જુદી વિદ્યાશાખાના કુલ 33 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સોફ્ટવેર અને મિકેનિકલ હાર્ડવેર જેવા મહત્વના મુદ્દાઓ પર વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ કરીને રોબર્ટ્સ બનાવવામાં આવ્યા હતાં.

સોફ્ટવેર સંબધિત ઈલેક્ટ્રીકલ સર્કિટ્સ અને અંતર માપવા માટે એન્કોડર્સ સેન્સર્સ, લાઈન ફોલેવર્સ સેન્સર્સ વગેરેનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ ઉપરાંત હાર્ડવેર બાબતે મિકેનિકલ ટીમ દ્વારા તેની ડિઝાઈન, ઉત્પાદન અને 3ડી પ્રિન્ટીંગનો ઉપયોગ કરીને ઓટો રોબર્ટ્સ અને મેન્યુઅલ રોબર્ટ્સ બનાવવામાં આવ્યા હતાં. જીટીયુના કુલપતિ અને કુલસચિવ ડૉ. કે. એન . ખેર દ્વારા રોબોકોન ટીમ મેન્ટર્સ અને આસિસ્ટન્ટ પ્રો. રાજ હકાણીને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં

(11:31 pm IST)