Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

રાજપીપળા કાપડ મરચન્ટ એસોશીએશન રેલવે સહિતના વિકાસ બાબતે સાંસદ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

થોડા પ્રોજેકટો આવે તો વેપાર રોજગારનો પણ વધારો થાય: ટુરીઝમ ક્ષેત્રે વિકાસ પામે તો વેપારીઓ તેમજ જનતાને ફાયદા કારક નીવડેશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કાપડ મરચન્ટ એસોશીએશન રેલવે સહિતના વિકાસ બાબતે સાંસદ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યા મુજબ નર્મદા જીલ્લાના વડા મથક રાજપીપળા હાલ વિકાસથી વંચીત હોવાથી તેમજ રાજપીપલાથી અંકલેશ્વર સુધી ચાલતી ટ્રેન રેલ્વે વિભાગને ખોટ જતી હોવાથી કાયમી ધોરણે બંધ કરી દેવાનો નિર્ણય કરેલ છે પણ જો આજ ટ્રેનને અંકલેશ્વર સુધિ ઝડપથી દોડાવવામાં આવે તો મુસાફરો તેમજ વેપારી વર્ગ માટે ખુબ સરળતા પડી રહે . હાલમાં આ ટ્રેન ૩ થી ૪ કલાકે અંકલેશ્વર પહોચાડે છે . જેને બંધ ન કરી ઝડપી કરવામાં આવે તેમજ આ રેલ્વેને રાજપીપળાથી વાયા કેવડીયા થી વડોદરા સુધી લંબાવાય તો અંકલેશ્વર , સુરત થી સ્ટેચ્યુ ઓફ યુનીટી આવવા જવા તેમજ રાજપીપળા થી વડોદરા આવન જાવન કરવા ખુબ જ સરળતા રહે,તેમજ કેવડીયાથી મુંબઈ જનારી ટ્રેન પણ વાયા રાજપીપળા થઇને મુંબઈ જવા માટે ચાલુ કરવામાં આવે તો સરળતા રહે.જો આ રીતની રેલવેની વ્યવસ્થા કરવામાં આવે તો રાજપીપલાના વેપારીઓને વેપારમાં પણ ફાયદો થશે.
હાલ રાજપીપળા માં વેપાર ધંધા ખુબ જ પડી ભાંગ્યા છે તે માટે કેવડીયાની જેમ રાજવી નગરી રાજપીપળામાં પણ થોડા પ્રોજેકટો આવે તો હાલ જે રાજપીપળા બાયપાસ થઈને કેવડીયા જતા પ્રવાસીઓ રાજપીપળામાં આવે તો અમારા વેપાર રોજગારનો પણ વધારો થાય. વધુમાં રાજપીપળા તેમજ તેની આજુબાજુના વિસ્તામાં કોઈપણ જાતની ઈન્ડસ્ટ્રીઝ આવેલી નથી તો રાજપીપળા પણ ટુરીઝમ ક્ષેત્રે વિકાસ પામે તો જ રાજપીપળાના વેપારીઓ તેમજ જનતાને ફાયદા કારક નીવડે તેવી રજુઆત કરાઈ છે.

(10:27 pm IST)