Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ઓમ શાંતિ, રેસ્ટ ઈન પીસ લખી વેપારીની મોતની છલાંગ

સુરતના અડાજણ વિસ્તારની કમકમાટી ભરી ઘટના : સોમવારે રાતે પત્ની સાથે ઝગડા બાદ વેપારીએ બિલ્ડિંગના ૧૧માં માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી

સુરત, તા. ૧૫ :સુરતના અડાજણ વિસ્તારમાં એક વેપારીએ આપઘાત કરી દીધો હોવાની ઘટના સામે આવી રહી છે. અડાજણ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના ૧૧ માળેથી ઝંપલાવીને તેને મોતને વ્હાલું કર્યું છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે સુરતના વેપારીએ બિલ્ડિંગ પરથી પડતું મૂકતા પહેલા પોતાની તસ્વીર પર 'ઓમ શાંતિલ્લ, રેસ્ટ ઇન પીસ લખી મિત્રોને મોકલ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે આપઘાત અંગે તપાસ હાથ ધરી છે.

અડાજણ વિસ્તારમાં કારની લે-વેચ કરતા વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત બિલ્ડિંગના ૧૧મા માળેથી કૂદીને આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે કે સુરતના આ વેપારીને સોમવારની રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ આપઘાત કરનાર પારસ ઘરેથી નીકળી ગયા બાદ તેની શોધખોળ કરતા મિત્રોને તેની લાશ મળી હતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના અડાજણ વિસ્તારમાં રહેલા કલાપી રેસિડેન્સીમાં પારસ શ્યામ ખન્ના(ઉ.વ.૩૩) પરિવાર સાથે રહેતો હતો. ઘરમાં પત્નીના ચારિત્ર્યને શંકાને લઈને અવાર નવાર ઝઘડાઓ થતા હતા, ત્યારે પારસે આત્મહત્યા પત્નીના ચારિત્ર પર શંકાને લઈને થતા ઝઘડા પારસને આપઘાત સુધી ખેંચી ગયા હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે. છે. આપઘાત પહેલા પારસે પોતાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં પોતાના જ ફોટા પર ઓમ શાંતિ, રેસ્ટ ઇન પીસ લખી મિત્રોને મેસેજ કર્યા હતા.

આ ઘટનામાં વધુ જાણવા મળી રહ્યું છે કે સોમવારે રાત્રે પારસને પત્ની જોડે કોઈ વાત ઉપર ઝઘડો થતા તે ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ પરિવારે ઘણા ફોન કર્યા પરંતુ પારસનો સંપર્ક થઈ શક્યો નહોતો. કરફ્યુના સમયમાં પણ મિત્રો પારસને શોધવા નીકળ્યા હતા. જોકે, આખરે તેનો મૃતદેહ જ મળ્યો હતો. પારસ વિશે તેમના ખાસ મિત્રોએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં ગાડી લે-વેચનો ધંધો બરાબર ચાલતો ન હતો. ઘરમાં આવક થતી નહોતી. પારસ પોતાની પત્નીના ચારિત્ર્યને લઈને ખૂબ જ તણાવમાં રહેતો હતો અને શંકા કરતો હતો. જેને લઈ વારંવાર પારિવારિક ઝઘડાને લઈ પોતે માનસિક તણાવમાં રહેતો થઈ ગયો હતો. પોલીસે પારસે આપઘાત પાછળ સાચું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.

(8:27 pm IST)