Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ગાંધીનગરમાં કોરોના સંક્ર્મણ વચ્ચે સે-11માં લાયબ્રેરીમાં 160 વિદ્યાર્થીઓ નજરે પડતા તાત્કાલિક લાયબ્રેરી સીલ કરવામાં આવી

ગાંધીનગર: મહાનગરપાલિકા વિસ્તારની ઉંચી ઈમારતોમાં ફાયર સેફટી મામલે ચેકીંગ કરવામાં આવી રહયું છે ત્યારે સે-૧૧માં આવેલા કોમ્પ્લેક્ષમાં ટીમ તપાસ માટે ગઈ ત્યારે રીડીંગ લાયબ્રેરીમાં ૧૬૦ વિદ્યાર્થીઓ બેઠા હતા અને સોશ્યલ ડીસ્ટેન્સીંગનો ભંગ જણાતાં આ લાયબ્રેરીને તાત્કાલિક અસરથી ટીમે સીલ કરી દીધી હતી. ત્યારબાદ કોમ્પ્લેક્ષના અન્ય માળ ઉપર પણ તપાસ કરવામાં આવી હતી.  

કોરોનાના સંક્રમણ વચ્ચે શાળા કોલેજો સંપૂર્ણ બંધ છે અને ખાનગી ટયુશન કલાસીસ પણ બંધ રાખવા માટે તાકીદ કરવામાં આવી છે ત્યારે શહેરના સે-૧૧માં આવેલા હવેલી આર્કેડ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે આવેલી કેપિટલ લાયબ્રેરીમાં કોઈપણ જાતની મંજુરી વગર ૧૬૦ જેટલા વિદ્યાર્થીઓને બેસાડી સોશ્યલ ડીસ્ટેન્સીંગનો ભંગ કરવામાં આવી રહયો હતો. ઉંચી ઈમારતોમાં ફાયર સેફટી મામલે આજ સવારથી જ ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે સે-૧૧ના આ કોમ્પ્લેક્ષમાં ફાયરની ટીમ તપાસ કરવા માટે પહોંચી ત્યારે લાયબ્રેરીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને જોઈને અધિકારી, કર્મચારીઓ પણ ચોંકી ઉઠયા હતા. જેના પગલે તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને બહાર કાઢીને આ રીડીંગ લાયબ્રેરીને સીલ કરી દેવામાં આવી હતી. 

(5:59 pm IST)