Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ટેસ્ટ ડ્રાઈવના બહાને ભેજાબાજ 4.80 લાખની કિંમતની કાર લઇ ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના કાપોદ્રા યોગીચોક ખાતે કારમેળો ચાલવતા યુવાનને ત્યાં એક માસ અગાઉ કાર ખરીદવા આવેલો યુવાન ટેસ્ટ ડ્રાઈવના બહાને રૂ.4.80 લાખની કિંમતની કાર લઈ ફરાર થઈ ગયો હતો.

સુરતમાં સરથાણા જકાતનાકા અભિનંદન રેસીડેન્સી જી/2-101 માં રહેતા 42 વર્ષીય સુરેશભાઈ ધીરુભાઈ ગોળકીયા કાપોદ્રા યોગીચોક મહાવીર સર્કલ પાસે ભાગીદારીમાં મંત્ર કારમેળાના નામે કારમેળો ચલાવે છે. દિવાળીના ત્રણ દિવસ અગાઉ ગત 12 નવેમ્બરના રોજ સુરેશભાઈ અને તેમના ભાગીદાર અંકુરભાઈ ઓફિસે હાજર હતા ત્યારે મોપેડ ( નં.જીજે-05-એસએચ-1990 ) ઉપર 25 થી 30 વર્ષનો યુવાન આવ્યો હતો અને રૂ.4 લાખથી રૂ.4.50 લાખના બજેટમાં આઈ 10 કાર બતાવવા કહ્યા હતું. જોકે, તેમની પાસે તેવી કાર નહીં હોય નાના વરાછા નંદનવન સોસાયટીમાં આવેલા મિત્ર ચંદુભાઈના રોયલ કાર મેળામાં લઈ ગયા હતા. ત્યાં તેને શાંતિલાલ જૈનની માલિકીની રૂ.4.80 લાખની કિંમતની આઈ 10 ગ્રાન્ડ સ્પોર્ટસ ડીઝલ કાર ( નં.જીજે-05-જેકયુ-0183 ) બતાવતા તેણે પસંદ કરી હતી. યુવાને કાર ચેક કર્યા બાદ મારા ભાઈને મીનીબજાર ડાયમંડ વર્લ્ડ ખાતે બતાવવાનું કહેતા સુરેશભાઈ જાતે કાર ચલાવી તેની સાથે ડાયમંડ વર્લ્ડ ગયા હતા. ત્યાં પાર્કીંગના એન્ટ્રી ગેટ ઉપર યુવાને એન્ટ્રી પાસ લઈ પોતાની પાસે રાખ્યો હતો અને અંદર સુરેશભાઈને પાર્કીંગમાં કારનો ટેસ્ટ રાઉન્ડ લેવા કહેતા સુરેશભાઈ ડ્રાઈવીંગ સીટ ઉપરથી ઉતરી તેને કાર સોંપી તે સાથે યુવાન રાઉન્ડ મારવાના બહાને એક્ઝિટ ગેટમાંથી કાર લઈ બહાર નીકળતા સુરેશભાઈ તેની પાછળ દોડયા હતા. પણ યુવાન કાર લઈ ફરાર થઈ ગયો હતો. છેતરપિંડીની આ ઘટનામાં યુવાન જે મોપેડ લઈ આવ્યો હતો તે સુરેશભાઈના કારમેળાની ઓફિસે જ હોય તેના નંબરના આધારે તપાસ કરી હતી. પરંતુ તે પણ મીનીબજાર ડાયમંડ વર્લ્ડ પાસેથી ચોરાયું હતું. બનાવ અંગે છેવટે સુરેશભાઈએ ગતરોજ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ બી.એમ.કરમટાએ વધુ તપાસ હાથ ધરી છે.

(5:58 pm IST)