Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અમદાવાદમાં છેડતીની વિચિત્ર ઘટનાઃ બ્‍યુટી પાર્લરમાંસ્ત્રીના વેશમાં આવીને પુરૂષે કહ્યુ ‘મેરા એક કામ કરો...': જો કે ભાંડો ફુટતા શખ્‍સ નાસી છૂટયો

અમદાવાદ: શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં છેડતીની વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસને આ ઘટનાએ વિચારમાં મૂકી દીધી છે. અહીંના સ્કાય સોલ શોપમાં બ્યુટી પાર્લર ચલાવતી મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી છે.

મહિલાના જણાવ્યા મુજબ, તેના બ્યુટી પાર્લરમાં સ્ત્રીવેશમાં ઘૂસેલા બુકાનીધારી શખ્સની ચાલ અને અવાજ પુરુષ જેવો હતો. તે વ્યક્તિએ યુવતીના મોં પર હાથ મૂકી જમણો હાથ પકડી લીધો હતો. જોકે મહિલા શખ્સને ધક્કો મારી બ્યુટી પાર્લરની બહાર આવી ગઈ હતી. જેથી સ્ત્રીવેશમાં આવેલો શખ્સ ફરાર થઈ ગયો હતો.

ઘુમા ખાતે રહેતી અને સાઉથ બોપલમાં બ્યુટીપાર્લર ચલાવતી 33 વર્ષીય નેહા (નામ બદલ્યું છે)એ બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

નેહાની ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત રવિવારે તે સવારે 11 વાગ્યે બ્યુટી પાર્લર પર ગઈ હતી. બ્યુટીપાર્લરમાં કામ કરતી મહિલા કર્મચારી પણ હાજર હતી. બ્યુટીપાર્લરમા બે મહિલા ગ્રાહક આવી હતી બાદમાં પાર્લરની કર્મચારી નીકળી ગઈ હતી.

બપોરના 3 વાગ્યે બ્યુટી પાર્લરમાં એકલા હાજર નેહાબેન ટી.વી. જોતા હતા. આ સમયે મોં પર માસ્ક અને દુપટ્ટો બાંધી સફેદ કુર્તી અને બ્લેક પ્લાઝો પહેરેલી અજાણી વ્યક્તિ આવી હતી. તે વ્યક્તિ “મેરા એક કામ કરો” તેવું બોલી, તેનો અવાજ અને કપાળના ભાગે વાળ પુરૂષ જેવા હતા.

નેહાબેને તે વ્યક્તિને બ્યુટી પાર્લરની બહાર આવવાનું કહ્યું હતું. તે વ્યક્તિએ નેહાબેનને બોલવાનું બંધ કરવાનું કહી તેમના મોં પર હાથ મૂકી જમણો હાથ પકડ્યો હતો. હેબતાઈ ગયેલા નેહાબેન તે વ્યક્તિને ધક્કો મારી બ્યુટીપાર્લરની બહાર નીકળી ગયા હતા.

નેહાબેનની પાછળ અજાણી વ્યક્તિ પણ બ્યુટી પાર્લરની બહાર નીકળી જતો રહ્યો હતો. નેહાબેને જોયું તો તે વ્યક્તિની ચાલ પણ પુરુષ જેવી હતી. તેઓએ આ અંગે CCTV ફૂટેજ ચેક કરતા તે વ્યક્તિ આવતા અને જતા જોવા મળી રહી છે. આ અંગે બોપલ પોલીસે સોમવારે નેહાબેનની ફરિયાદ આધારે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:17 pm IST)