Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડુ ગામના અશોક પટેલની અમેરિકાના પેન્‍સિલવેનિયામાં લૂંટના ઇરાદે ગોળી મારીને હત્‍યા

મહેસાણા: કડીના વડુ ગામના યુવકની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અમેરિકાના પેન્સિલવેનિયામાં નોકરી દરમિયાન સ્ટોર બંધ કરતા સમયે લૂંટારૂએ હુમલો કર્યો હતો અને ગોળી મારીને હત્યા કરી હતી.

કડીના વડુ ગામના વતની અશોક અંબાલાલ પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા હતા, તેમણે તાજેતરમાં જ નવી નોકરી શરૂ કરી હતી. નોકરી પૂર્ણ થયા બાદ સ્ટોર બંધ કરતા હતા તે સમયે લૂંટારૂએ હુમલો કર્યો હતો અને ગોળી મારીને હત્યા કરી હતી.

હેઝલટનના વેસ્ટ બ્રોડ સ્ટ્રીટ પર ક્રેગના ફૂડ માર્ટ પર ઘટનાની જાણ થતા જ પોલીસ પહોચી ગઇ હતી. પોલીસ ગોળી મારનારા શખ્સની ઓળખ કરી રહી છે. લુઝર્ન કાઉન્ટીના ડિસ્ટ્રીક્ટ એટર્ની સ્ટેફની સાલાવાન્ટીસે જણાવ્યુ, “શ્રી પટેલની હત્યા એક ક્રૂર અને હિંસક હુમલામાં કરવામાં આવી હતી. શ્રી પટેલે તેના હત્યારાને ઉશ્કેરવા માટે કઇ જ કર્યુ નહતું અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે કે શૂટર લૂંટના ઇરાદે સ્ટોરમાં ઘુસ્યો હતો અને પટેલ પર ગોળી ચલાવી હતી.”

(5:15 pm IST)