Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વેમાં તારણઃ ગુજરાતમાં યુવાન મહિલાઓની સરખામણીએ પુરૂષો નિયત વય પહેલા લગ્ન કરી લેતા હોવાનું ખુલ્‍યુ

અમદાવાદ: કેન્દ્ર સરકાર મહિલાઓની લઘુતમ લગ્ન કરવાની વયમાં ફેરફાર કરવાની વિચારણા કરી રહી છે, ત્યારે ગુજરાતમાં યુવાન મહિલાઓની સરખામણીએ પુરુષો નિયત વય પહેલા લગ્ન વધુ કરતા હોવાનું સામે આવ્યું છે. ભારતમાં લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ, જ્યારે મહિલાની 18 વર્ષ નિયત કરવામાં આવી છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી પ્રમાણે, 25 થી 29 વર્ષના 27.7 ટકા પુરુષોએ 21 વર્ષની ઉંમર પહેલા જ લગ્ન કરી લીધા હતા. જ્યારે 20 થી 24 વર્ષની યુવાન મહિલાઓમાં 21.8 ટકા યુવતીઓએ 18 વર્ષ લગ્ન કર્યા હતા.

ગ્રામીણ વિસ્તારોમાં નિયત વય કરતા પહેલા વધુ લગ્ન થાય છે

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા પ્રમાણે યુવાન પુરુષ અને મહિલાઓમાં નિયત વય પહેલા લગ્ન કરવાના કિસ્સા શહેરી વિસ્તાર કરતા ગ્રામીણ વિસ્તારોમાં વધુ નોંધાયા છે.

ગ્રામીણ વિસ્તારોમાં 33.9 ટકા 25 થી 29 વર્ષના યુવાન પુરુષોએ 21 વર્ષ પહેલાં જ લગ્ન કરી લીધા હતા.જ્યારે 20 થી 24 વર્ષની 26.9 ટકા યુવાન મહિલાઓના લગ્ન 18 વર્ષ પહેલાં થઈ ગયા હતા.

શહેરી વિસ્તારમાં સ્થિતિ થોડી સારી છે જ્યાં 18.7 ટકા યુવાન પુરુષોના લગ્ન 21 વર્ષ પહેલાં થયા હતા અને 14.2 ટકા યુવાન મહિલાઓએ 18 વર્ષ પહેલાં લગ્ન કરી લીધા હતા.

યુવાન યુવતીઓના 18 વર્ષથી ઓછી વયે લગ્ન કરવાના કિસ્સામાં ઘટાડો

યુવાન મહિલાઓમાં 18 વર્ષથી ઓછી વયે લગ્ન કરવાની ટકવારીમાં 3.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે પુરુષોમાં 21 વર્ષથી ઓછી વયે લગ્ન કરવાની ટકવારીમાં માત્ર 0.7 ટકાનો ઘટાડો નોંધાયો છે.

વર્ષ 2015-16ના NFHS-4ની આંકડાકીય માહિતી મુજબ, 24.9 ટકા મહિલાઓ 18 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. જોકે 2019-20ના NFHS-5માં આ ટકવારી ઘટીને 21.8 ટકા થઈ છે.

વર્ષ 2015-16ના NFHSના આંકડા પ્રમાણે, 28.8 યુવાન પુરુષોએ 21 વર્ષની ઉંમર પહેલા જ લગ્ન કરી લીધા હતા જે NFHS -5 મુજબ હવે ઘટીને 27.7 ટકા જેટલું થઈ ગયું છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ પ્રમાણે, ગુજરાત સિવાય મેઘાલય, મિઝોરમ, જમ્મુ-કાશ્મીર અને કેન્દ્ર શાસિત પ્રદેશ – ગોવા અને લેહ લદાખમાં પણ નિયત વય પહેલા લગ્ન કરવાની ટકાવારી પુરુષોની મહિલાઓ કરતાં વધુ છે.

98 ટકાથી વધુ સાક્ષરતા દર ધરાવતા કેરળમાં 21 વર્ષથી નાની વયે લગ્ન કરવાની પુરુષોની ટકવારી માત્ર 1.4 ટકા છે, જ્યારે 18 વર્ષથી નીચે લગ્ન કરનાર મહિલાઓની ટકવારી 6.3 ટકા જેટલી છે.

(5:14 pm IST)