Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ભાજપ ૧૫ લાખ પેઇજ સમિતિઓ બનાવશે : શુક્રવારથી ચૂંટણી ઇન્ચાર્જોના ધામા

બબ્બે ચૂંટણી ઇન્ચાર્જો શુક્ર, શનિ, રવિવારે જિલ્લાવાર મુલાકાત લઇને અભ્યાસ કરશે : છેલ્લી ૩ ચૂંટણીઓનું આંકડાકીય વિશ્લેષણ

રાજકોટ તા. ૧૫ : ગુજરાત ભાજપ દ્વારા નિયુકત થયેલ ૩૧ જિલ્લાઓના ૬૨ ચૂંટણી ઇન્ચાર્જની પ્રથમ બેઠક ગઇકાલે કમલમમાં મળેલ. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મહામંત્રી ભીખુભાઇ દલસાણિયાએ માર્ગદર્શન આપ્યું હતું. પેઇજ સમિતિઓ બનાવવા પર વિશેષ ભાર મૂકાયો છે. પાલિકા - પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યમાં મતદાર યાદી આધારિત ૧૫ લાખ પેઇજ સમિતિઓ બનાવવાનો લક્ષ્યાંક અપાયો છે.

ગુજરાતમાં ૫૦ હજાર જેટલા મતદાન મથકો છે. એક બુથમાં ૩૦ પેઇજ સમિતિઓ બનાવવાની ગણતરી મુજબ ૧૫ લાખ સમિતિઓ બનાવવાનું ગણિત છે. આ સમિતિઓનું કાર્ય ભાજપના મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાનું રહેશે. પેઇજની વ્યવસ્થા જીતનું મોટું શસ્ત્ર ગણાય છે.

પાર્ટીએ તમામ ચૂંટણી ઇન્ચાર્જોને આવતા શુક્ર, શનિ, રવિવારે પોતાને સોંપાયેલ વિસ્તારમાં મુકામ કરી ચૂંટણીલક્ષી કામગીરી કરવા માટે સૂચના આપી છે... જે તે વિસ્તારની છેલ્લી ત્રણ ચૂંટણીના પરિણામનું વિશ્લેષણ કરાશે, જ્ઞાતિના સમીકરણો ચકાસવામાં આવશે. નિષ્ક્રીય કાર્યકરોને સક્રીય કરવા, નારાજને મનાવવા તેમજ સંભવિત ઉમેદવારો તરફ નજર દોડાવવા જણાવાયું છે.

(12:59 pm IST)