Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

વિજયભાઇ રૂપાણી દ્વારા યુનિવર્સિટી - શૈક્ષણિક સંસ્થાઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા 'પરમ શાવક' કોમ્પ્યુટર અર્પણ

મુખ્યમંત્રીના હસ્તે રોબોફેસ્ટ ગુજરાત ૧.૦ સ્પર્ધાના વિજેતાઓ ઇનામોથી સન્માનિત કરાયા : સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રમાં રાજ્યના યુવાનોના રસ-રૂચિને કેળવવા માટે સાયન્સ સિટી ખાતે આધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાશે : વિશ્વ ૨૧મી સદીમાં ભારત પ્રત્યે આશા - અપેક્ષાની મીટ માંડીને બેઠું છે ત્યારે ભારતની આશા યુવા પેઢી સાથે જોડાયેલી છે : વિજયભાઇ રૂપાણી

રાજકોટ તા. ૧૫ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના કાર્યક્રમમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરવા નવા ૧૦ પરમ સુપર કોમ્પ્યુટર મહત્વની ભૂમિકા ભજવશે.

રોબોફેસ્ટ ગુજરાત ૧.૦ સ્પર્ધાના વિજેતાઓ અને સુપર કોમ્પ્યુટર પ્રાપ્ત સંસ્થાઓને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અભિનંદન આપી શુભકામનાઓ પાઠવી હતી.

સંશોધન ક્ષેત્રે ગુજરાતના યુવાનો ઉપર સમગ્ર દેશની આશાઓ- અપેક્ષાઓ છે. ગુજરાતના યુવાનો નવા સંશોધનો દ્વારા પ્રજાકલ્યાણમાં પોતાનું મહત્તમ પ્રદાન આપશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો તથા રાજયની ૧૦ યુનિવર્સિટી- ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા 'પરમ શાવક' સુપર કોમ્પ્યુટર અર્પણ કર્યા હતા.

તેમણે ઉમેર્યું કે, વધુ નવા ૧૦ સુપર કોમ્પ્યુટર મળવાથી ગુજરાતનો યુવાન વિશ્વના અન્ય દેશોના યુવાનો સાથે સીધી સ્પર્ધા કરી શકશે. એટલું જ નહિ, સુપર કોમ્પ્યુટર દ્વારા નવીન સંશોધન અને સ્ટાર્ટઅપની પક્રિયા વધુ ઝડપી બનશે.

ગુજરાતનો યુવાન આગામી દિવસોમાં સંશોધન ક્ષેત્રે તમામ પડકારો ઝીલવા સજ્જ છે. સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રમાં રાજયના યુવાનોના રસ-રૂચિને કેળવવા માટે સાયન્સ સિટી ખાતે આધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાશે તેવી નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ યુવા છાત્રોને પ્રેરણા આપતાં કહ્યું કે, વિશ્વ ૨૧મી સદીમાં ભારત પ્રત્યે આશા-અપેક્ષાની મીટ માંડીને બેઠું છે ત્યારે ભારતની આશા યુવા પેઢી સાથે જોડાયેલી છે.

મુખ્યમંત્રીશ્રીએ યુવાઓને નવા આવિષ્કાર થકી લોકઉપયોગી સંશોધનો કરવા માટે આહ્વવાન કરતાં જણાવ્યું કે, ગુજરાતનો યુવાન આજે 'જોબ સિકર નહી પણ જોબ ક્રિએટર' બન્યો છે.

સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ માટે વૈશ્વિકકક્ષાની i Creat સંસ્થા માત્ર ગુજરાતમાં કાર્યરત છે તેમજ ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થાઓ IIT અને IIM ઉપલબ્ધ બની છે. ગુજરાતમાં વૈશ્વિકકક્ષાની PDPU, NFSU, GNLU, રક્ષા શકિત યુનિવર્સિટી જેવી સંસ્થાઓ કાર્યરત છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી અમદાવાદ- ગાંધીનગર શૈક્ષણિક હબ તરીકે પ્રસ્થાપિત થયું છે તે સરકારની શિક્ષણ ક્ષેત્રની રૂચિ-રસ દર્શાવે છે તેમ મખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યું કે, વર્તમાન સમયની માંગ પ્રમાણે યુવાનો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજય સરકારનો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ પ્રતિબધ્ધ છે.

રાજય સરકાર દ્વારા અત્યાર સુધીમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને નવીન સંશોધન માટે કુલ ૨૬ સુપર કોમ્પ્યુટરની ભેટ આપવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી–અમદાવાદ, સરકારી ઇજનેરી કોલેજ – ભાવનગર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી; ગણપત યુનિવર્સિટી- મહેસાણા, મારવાડી યુનિવર્સિટી- રાજકોટ, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (DAIICT) – ગાંધીનગર, પારુલ યુનિવર્સિટી- વડોદરા, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી- વિસનગર-મહેસાણા, સિલ્વર ઓક કોલેજ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી-અમદાવાદ, અમદાવાદ યુનિવર્સિટી - નવરંગપુરા, અમદાવાદ અને ઇન્સ્ટિટ્યૂટ એડવાન્સ રિસર્ચ – ગાંધીનગર સહિત ૧૦ શૈક્ષણિક સંસ્થાઓને સુપર કોમ્પ્યુટર એનાયત કરવામાં આવ્યા હતા.

એત્રે ઉલ્લેખનીય છે કે, રાજયની વિવિધ સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓમાં હાઈ-એન્ડ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા તથા નેકસ્ટ જનરેશન લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે ગુજકોસ્ટ દ્વારા વિવિધ ઇજનેરી સંસ્થાઓમાં તથા યુનિવર્સિટીઓના વિભાગોમાં સંશોધન માટે સુપર કોમ્પ્યુટીંગ સુવિધાઓને સ્થાપવામાં આવી રહી છે.

પરમ શાવકને સી-ડેક દ્વારા સંપૂર્ણ રીતે ભારતમાં વિકસાવવામાં આવેલ છે જેની ઉપયોગિતા હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટીંગ અને ડીપ લર્નિંગની છે જેના માટે તેમાં *૮૬ આધારિત ઇન્ટેલ પ્રોસેસર, ૯૬ જીબી રેમ, ૧૬ ટીબી સ્ટોરેજ, એનવિડિયા આધારિત કો-પ્રોસેસિંગ એકસેલરેટર ટેકનોલોજીસ અને સોફટવેર ડેવલોપમેન્ટ એન્વાયરમેન્ટ વગેરે જેવી સુવિધાઓ ધરાવે છે.

આ સુપર કોમ્પ્યુટર થકી નવીનતમ અને ગ્રાઉન્ડ બ્રેકીંગ તકનીકી વિકાસને હાઈ એન્ડ કોમ્પ્યુટીંગને ટેબલ ટોપ પ્લેટફોર્મ પર લાવી શકાશે અને આવા કર્યો માટે મોંઘા ડેટા સેન્ટરોના માળખાની જરૂર નહિ પડે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિકસ એ નવા યુગના વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઉભરી રહેલા ક્ષેત્રો છે. ઇજનેરોની યુવા પેઢીની કુશળતામાં અભિવૃદ્ઘિ કરવા ગુજકોસ્ટ દ્વારા પ્રથમ 'રોબોફેસ્ટ ગુજરાત' સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી હતી.

રોબોફેસ્ટ એક નવીનત્તમ અને રાજય કક્ષાની વૈજ્ઞાનિક અને ઇજનેરી સ્પર્ધા છે. રોબોફેસ્ટ ગુજરાત ૧.૦ સ્પર્ધામાં ચાર પગ વાળા રોબોટ, ચેસ રમતાં રોબોટ, પાણીની અંદર કાર્યક્ષમ હોય તેવા રોબોટ, સંગીત વાજીંત્રો વગાડી શકે તેવા રોબોટ, રોવર, પ્રોસ્થેટિક લિમ્બ્સ અને ઉત્ખનન રોબોટ સહિત સાત વિવિધ શ્રેણીઓ છે. રોબોફેસ્ટ ગુજરાત ૧.૦ સ્પર્ધા અંતર્ગત તમામ સાત કેટેગરીમાં નવ વિદ્યાર્થી ટીમોને વિજેતા તરીકે જાહેર કરવામાં આવી છે.

આ નવ વિદ્યાર્થી ટીમો જે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ છે તેમાં નિરમા યુનિવર્સિટી-અમદાવાદ, બાબુ માધવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી, યુકેએ તરસડિયા યુનિવર્સિટી–બારડોલી-સુરત, કે.જે ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી-વડોદરા, યુ.વી. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી, ગણપત યુનિવર્સિટી - મહેસાણા, જી.એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી- ન્યુ વલ્લભ વિદ્યાગર, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય બીવીએમ એન્જિનિયરિંગ કોલેજ -વલ્લભ વિદ્યાગર, એસ.વી.એન.આઇ.ટી- સુરત અને સરકારી પોલિટેકનિક-અમદાવાદનો સમાવેશ થાય છે.

વિજેતાઓમાંથી પાંચ વિદ્યાર્થી ટીમોને રૂ. ૫.૦૦ લાખ અને પ્રમાણપત્રો, બે વિદ્યાર્થી ટીમોને સંયુકત ઇનામ રૂ. ૨.૫૦ લાખ અને પ્રમાણપત્રો અને બે વિદ્યાર્થી ટીમોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. ૧.૦૦ લાખ ઇનામ અને પ્રમાણપત્ર વર્ચ્યુઅલ એવોર્ડ સમારોહમાં આપવામા આવ્યા હતા.

રોબોફેસ્ટના વિજેતાઓ દ્વારા વિકસિત રોબોટ્સને ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદની રોબોટિકસ ગેલેરીમાં રાખવામાં આવશે. રોબોટિકસ ઉદ્યોગને ટેકો આપવા માટે વિજેતાઓને પોતાના સાહસ શરૂ કરવા પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી રોબોટિકસ ઉદ્યોગમાં ગુજરાત મહત્વનો ફાળો આપશે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવશ્રી હરિત શુકલાએ સ્વાગત પ્રવચન કરીને રોબોફેસ્ટ ગુજરાત ૧.૦ સ્પર્ધા વિશે અને સીડેક દ્વારા તૈયાર કરાયેલા પરમ શાવક સુપર કમ્પ્યુટરની ક્ષમતા અને ઉપયોગ વિશે વિગતવાર માહિતી આપી વિજેતાઓને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે ગુજકોસ્ટના સલાહકારશ્રી નરોત્ત્।મ શાહુંએ આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે ગાંધીનગર ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અધિક સચિવશ્રી હેમાંગ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્ચ્યુઅલ સમારોહમાં કુલપતિઓ, નિયામકો, આચાર્યો, રોબોફેસ્ટ ટેકનિકલ સલાહકાર સમિતિ (ટીએસી) ના સભ્યો અને વિવિધ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ૩૦૦૦થી વધુ એન્જિનિયરિંગ અને સંશોધન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજકોસ્ટની યુટ્યુબ ચેનલ પર આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા હતા.

(11:32 am IST)