Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સુરતમાં કેનેરા બેંકના એટીએમ સાથે છેડછાડ કરીને ત્રણ અને છ ધોરણ ભણેલા ગઠિયાઓને 21 લાખ ઉપાડી લીધા

ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય મેવાત ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા

સુરત શહેરમાં કેનેરા બેંકના એટીએમ હેક કરી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. સપ્ટેમ્બરથી દોઢ મહિનામાં કેનેરા બેંકના ચાર એટીએમમાં છેડછાડ કરી કુલ 21 લાખ રૂપિયાનો બેંક સાથે ફ્રોડ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ છેલ્લા બે દિવસમાં નોંધાઈ હતી. આ ટોળકીને પકડી પાડવામાં ક્રાઇમબ્રાંચને સફળતા મળી છે. ક્રાઈમબ્રાંચે બે આરોપીઓની ધરપકડ કરી છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ લલિત વાગડિયાએ જણાવ્યું હતું કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં કેનેરા બેંકના એટીએમમાં છેડછાડ કરી રૂપિયાની ચોરી કરતી આંતરરાજ્ય મેવાત ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. હનીફ રખીતા સૈયદ અને ઔસાફ હસનમોહમદ સૈયદને રોકડા 80 હજાર સહિત કુલ 1.10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. કેનેરા બેંકના ડીબોલ્ટ કંપનીના એટીએમ મશીનોમાં છેડછાડ કરી રૂપિયા ઉપાડતા હોવાની કબૂલાત કરી હતી.

આ ગેંગના મુખ્ય સૂત્રધાર અને વોન્ટેડ આઇરોપી સાજીદે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં હનીફ અને ઔસાફનો સંર્પક કરી કહ્યું હતું કે કેનેરા બેંકના એટીએમ સેન્ટરમાં ડી-બોલ્ટ કંપનીના મશીનો છે અને તેમાં ચેડા કરી રૂપિયા મળી શકે છે એમ કહ્યું હતું. જેથી હનીફ અને ઔસાફ સાજીદના ભાઇ ઝહીર સાથે પરત સુરત આવ્યા હતા અને કેનેરા બેંકના એટીએમ સેન્ટરનો સર્વે કર્યો હતો. જેમાં નાનપુરા અથુગર મહોલ્લો, મજુરા ગેટ અને ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નજીકના એટીએમમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વેપ કરતા હતા. કાર્ડ સ્વેપ કરતી વખતે એટીએમની ડિસ્પ્લેનું લોક ડુપ્લીકેટ ચાવીથી ખોલી મધર બોર્ડમાં ચેડા કરી ટેક્નિકલ ખામીનો ગેરલાભ લઇ લાખોની રોકડ ઉપાડયાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં સાજીદ ઉપરાંત તેના ભાઇ ઝહીર અને ઇરફાનની પણ સંડોવણી બહાર આવતા આ ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા છે.

ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વેપ કરી એટીએમની ડિસ્પ્લે ડુપ્લીકેટ ચાવી વડે ખોલી મધરબોર્ડની સ્વીચ ચાલુ-બંધ કરી ચેડા કરતા હતા. મધરબોર્ડમાં ચેડા કર્યા બાદ રોક્ડ ઉપાડી લેતા હતા. ત્યાર બાદ હનીફ સૈયદ, ઔસાફ સૈયદ અને ઝહીર હુસૈન પૈકી કોઇ એક હરીયાણા ખાતે ગેંગના માસ્ટર માઇન્ડ સાજીદખાનને જાણ કરતા હતા. ત્યાર બાદ સાજીદખાન બેંકના કસ્ટમર કેરમાં ફોન કરી રોકડ ઉપડી નથી એવી ફરીયાદ કરતા હતા. જેથી ચેડા કરી રોકડ તો ઉપાડતા હતા પરંતુ કસ્ટમર કેરની ફરીયાદ થકી બેંકમાંથી રીફંડ પણ મેળવતા હતા. આશ્ચર્યની બાબત એ છે કે કેનેરા બેંકના જે એટીએમમાં ડી-બોલ્ટ કંપનીના મશીનો હતા તેને જ નિશાન બનાવતા હતા. પરંતુ કાર્ડ અન્ય બેંકનો ઉપયોગ કરતા હતા જેથી કસ્ટમર કેરમાં ફરીયાદ કરે તો તેની જાણ બેંકને થતી ન હતી જેથી રીફંડ પણ સરળતાથી મળી જતું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં હરીયાણાની મેવાત ગેંગ જયાંની છે તે નુહુ જિલ્લો અને મેવાત જિલ્લાના મોટા ભાગના લોકો એટીએમ ફ્રોડની ગેરકાનૂની પ્રવૃતિ કરે છે અને પોલીસ પર હુમલો કરતા પણ ખચકાતા નથી. હનીફ સૈયદ અને ઔસાફ સૈયદની પુછપરછમાં સાજીદ હુસૈન ગેંગનો માસ્ટર માઇન્ડ છે. સાજીદે એટીએમની ડિસ્પ્લે ખોલવા માટેની ડુપ્લીકેટ ચાવી આપી હતી અને જે કાર્ડ સ્વેપ કરતા હતા તે એચડીએફસી બેંકના તેણે જ આપ્યા હતા અને કસ્ટમર કેરમાં પણ ફોન સાજીદ કરતો હતો.

પહેલા કેસમાં મજૂરાગેટની કેનેરા બેંકના એટીએમમાંથી 1-9-20 થી 15-10-20 સુધીમાં 10 હજારના 58 અને 8500ના 3 ટ્રાન્જેકશનો મળી 6.05 લાખની રકમ ઉપાડી હતી. બીજા કેસમાં નાનપુરા ખાતે કેનેરા બેંકના એટીએમમાંથી પણ 14-9-20 થી 15-9-20 એક દિવસમાં 10 હજારના 14 ટ્રાન્જેકશનો મળી 1.40 લાખની રકમ ઉપાડી હતી. ટોળકીએ 61 વખત ટ્રાન્જેકશનો કરી 7.45 લાખની રકમ ઉપાડી લીધી હતી. ત્રીજા કેસમાં અડાજણ હજીરા રોડ પર ઇચ્છાપોર પાસે આવેલ કેનેરા બેંકના એટીએમ સાથે ચેડા કરી ગઠીયો રૂ.4.05 લાખ ઉપાડી નાસી ગયાનો બનાવ બન્યો હતો. અડાજણ હજીરા રોડ પર ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નં.3 પાસે કેનેરા બેંક આવેલી છે. આ બેંકને અડીને જ એટીએમ આવેલું છે. તા.11મીથી તા.13મી દરમિયાન આ એટીએમમાં ભેજાબાજ માસ્ક પહેરીને આવ્યો હતો. આ શખ્સે પોતાનું એટીએમ કાર્ડ મશીનમાં નાખ્યા બાદ મશીનની સ્વીચ ઓનઓફ કરી ડોરને ખોલી નાખ્યું હતું અને સ્વીચ ઓપરેટ કરી નેટવર્ક ડેટાબેઝ તથા પ્રોગ્રામને નુકશાન પહોંચાડી કુલ રૂ.4,05,000 લાખ કાઢીને નાસી ગયો હતો. જ્યારે ચોથા કેસમાં અડાજણ હનીપાર્ક ચાર રસ્તા પાસે પંચવટી કોમ્પલેક્સમાં કેનેરા બેંકની શાખા બાજુમાં બેંકનું એટીએમમાં 11-9-20થી 11-10-20 દરમિયાન ટ્રાન્જેક્શન મશીન સ્વીચ ઓન ઓફ કરી ભેજાબાજે નેટવર્ક અને પ્રોગ્રામને નુકસાન પહોંચાડી રૂ.10,000ના 91 અને રૂ.8,000ના 5 ટ્રાન્જેક્શન કરી કુલ રૂ.9.50 લાખ ઉપાડયા હતા. બનાવ અંગે બેંકના મેનેજર અરુણ યાદવે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ભેજાબાજે મજુરાગેટ, ઇચ્છાપોરમાં કેનેરા બેંક એટીએમમાંથી 11.40 લાખ ઉપાડી લઇ છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાયો હતો.

પકડાયેલા બંને ભેજાબાજો એટીએમ મશીનમાં ડુપ્લીકેટ ચાવી કે કોઈ ઈન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી એટીએમ મશીનના આગળની ડીસપ્લે ખોલી મધરબોર્ડની સ્વીચ ઓપરેટ કરી મશીન સાથે ચેડા કર્યા હતા. એટીએમ, કોમ્પ્યુટર સિસ્ટમના નેટવર્કના ડેટાબેઝને કે અન્ય પ્રોગ્રામને નુકશાન કરી સિસ્ટમમાં છેડછાડ કરી માહિતીનો નાશ કરી એટીએમ મશીનમાંથી ટ્રાન્જેકશન કરી પૈસા ઉપાડ્યા હતા. આમ રૂપિયા ઉપાડી લીધા બાદ પાછા ફરીથી બેંક પાસેથી રૂપિયા મેળવી બે વખત ચુનો ચોપડતાં હતાં.

પોલીસના હાથે પકડાયેલા હનીફ અને ઔસાફ માત્ર ત્રણ અને છ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે, જોકે સાજીદે એટીએમનું લોક ખોલી રૂપિયા ઉપાડવાની ટેક્નિક ચપટીમાં બન્ને શીખવી ગયા હતાં. બન્ને આરોપીઓ ચોરી કરવા માટે અનેક વખત ફ્લાઈટમાં સુરત આવતાં હતાં.

(10:48 am IST)