Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ મહિનામાં 9 હજાર જેટલા દર્દીઓને આયુર્વેદિક સારવાર અપાઇ

આયુષની ગાઇડલાઇન પ્રમાણે કોરોના દર્દીની ત્રણ સ્ટેજમાં સારવાર આપે છે

અમદાવાદ :  આયુષ, ગુજરાત દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં એલોપેથિની સાથે આયુર્વેદિક સારવાર પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ગુજરાતમાં એક માત્ર સિવિલ હોસ્પિટલની 1200 બેડની હોસ્પિટલની વાત કરીએ તો છેલ્લા છ મહિનામાં જ 9,000થી વધુ લોકોએ આર્યુવેદની સારવાર લીધી હોવાનું સિવિલ હોસ્પિટલમાં આયુર્વેદિક સારવાર આપી રહેલાં ડો. સુરેન્દ્ર સોનીએ જણાવ્યું છે. જેમાં સામાન્ય દર્દીથી માંડીને મેડિકલ સ્ટાફ ઉપરાંત ડોકટરોનો પણ સમાવેશ થાય છે. 

અખંડાનંદ આર્યુવેદ કોલેજના મેડિસીન વિભાગના પ્રોફેસર ડો. સુરેન્દ્ર સોની હાલ કોરોના પોઝિટિવ હોવાથી હોમ ક્વોરોન્ટાઈન છે. તેઓએ હાલ સ્ટાફને ટેલિફોનિક સૂચના આપીને પણ દર્દીઓની સારવાર ચાલુ રાખી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમની 12 મેં 2020ના રોજ સિવિલ હોસ્પિટલની 1200 બેડની હોસ્પિટલમાં નિમણૂંક કરવામાં આવી હતી. તેઓ આયુષની ગાઇડલાઇન પ્રમાણે કોરોના દર્દીની ત્રણ સ્ટેજમાં સારવાર આપે છે. મણિબેન આર્યુવેદ હોસ્પિટલમાં ઉકાળો બનાવીને તેનું દર્દીઓ ઉપરાંત મેડિકલ સ્ટાફ, કોરોના વોરિયર્સમાં વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ઓ.પી.ડી. ચલાવવામાં આવે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ (IPD) જે દર્દી લેખિતમાં સંમંતિ આપે તેની આર્યુવેદિક પધ્ધતિથી સારવાર આપવામાં આવે છે

 

તેમણે એલોપેથી તથા આર્યુવેદિક વચ્ચેની સારવારમાં તફાવત અંગે જણાવ્યું હતું કે, એલોપેથીમાં પેરાસીટામોલ તેમ જ એન્ટીબાયોટીક દવા આપીને તાવ મટાડવામાં આવે છે. જયારે આર્યુવેદિકમાં બોડીને ગરમ થવા દઇએ છીએ. તેને તાવને મટવા માટે સમય આપવામાં આવે છે. તે સમય જતાં ઉતરી જાય તે પ્રકારની સારવાર આપવામાં આવે છે. તેમણે કોરોના દર્દીને ખોરાકની બાબતમાં કહ્યું કે, કોરોના વાયરસની અસર ફેંફસામાં થાય છે. જેના કારણે ત્યાં ઇમરજન્સી ઊભી થતી હોવાથી સ્વાભાવિક પણે બ્લડ બધું ત્યા જતુ રહે છે. તેવા સમયે શરીરમાં એનર્જી રહેતી નથી. ત્યારે રોટલી, રીંગણનું શાક, ચણાં, છાશ વગેરે ખોરાક ભારે પડે છે. તેની સામે અમે આર્યુવેદમાં દર્દીને દ્રાક્ષ, મગ અને દૂધ આપીએ છીએ.

દર્દીઓને સમયસર દૂધ મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલના સ્ટાફ તરફથી ઘણો સારો સહકાર પુરો પાડવામાં આવ્યો છે. એટલું જ નહીં તે સિવાય પણ સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ તરફથી દરેક દર્દીને સારવાર માટેના પેમ્ફલેટથી લઇને આર્યુવેદિક સારવાર માટેના સાઇન બોર્ડ, સ્ટેશનરી, કોમ્પ્યુટર, પ્રિન્ટર વગેરે તમામ પ્રકારની સુવિધા અમને પુરી પાડવામાં આવી હતી.

(12:01 am IST)