Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

રાજપીપળા પાલિકામાં આજથી વહીવટદારનું શાસન : ચૂંટાયેલા સભ્યોની પાંખી હાજરીમાં છેલ્લી કારોબારી મળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પાલિકા માં ચૂંટાયેલા સભ્યોની 5 વર્ષની મુદત 15/12/2020 ના રોજ પુરી થતા હવે વહીવટીદારનું શાસન ચાલુ થશે.જ્યાં સુધી પાલિકાની ચૂંટણી નહિ યોજાય અને નવી બોડી ન બેસે ત્યાં સુધી પાલિકાનામાં વહીવટદારનું શાસન ચાલુ રહેશે.રાજપીપળા પાલિકા સભાખંડમાં 14 મી ડિસેમ્બરે ચૂંટાયેલા સભ્યોની પાંખી હાજરી વચ્ચે છેલ્લી કારોબારી બેઠક મળી હતી.આ બેઠકમાં શહેરના વિકાસને લગતા વિવિધ કામોની ચર્ચાઓ કરવામાં આવી હતી.
  જેમાં રાજપીપળા રાજેન્દ્ર નગર સોસાયટીના લોકોનો પેવર બ્લોકની કામગીરીનો વિરોધ હોવા છતાં પાલિકાએ કામગીરી ચાલુ કરી છે.આ મામલે રાજપીપળા પાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે  નિયમ મુજબ સોસાયટીમાં M 400 ના બ્લોક નાખવાના હોય છે એની જગ્યાએ ટેન્ડરમાં M 250 ના બ્લોકનો ઉલ્લેખ કર્યો હતો, પેવર બ્લોકની કામગીરીની સ્ટ્રેનથમાં વધારો કરવા માટે અમે કોન્ટ્રાકટરને જણાવ્યું છે,પણ કોન્ટ્રાકટર ટેન્ડર મુજબ કામ કરવા કહે છે તો બીજી બાજુ ત્યાંના રહીશોની માંગ છે કે M 400 ના બ્લોક નાખવા જોઈએ.આ મામલે કારોબારી બેઠકમાં M 400 ક્વોલિટીના બ્લોક નાખવા નિર્ણય કરાયો છે.ભાવમાં કેટલો ડીફરન્સ આવે છે એ પછી બીજો નિર્ણય લેવાશે.
          જ્યારે રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ જણાવ્યું હતું કે પ્રમુખે છેલ્લી સામાન્ય સભા ન બોલાવી એ ખરેખર દુઃખદ ઘટના કહેવાય.હાલમાં જ પાલિકાના કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલનું અવસાન થયું હતું, તો સામાન્ય સભા બોલાવી શોક સભાનો ઠરાવ પસાર કરી બીજી સામાન્ય સભા બોલાવવાનું તેઓ ચુકી ગયા છે.કારોબારી બેઠકમાં પ્રમુખ હાજર હતા, હોદ્દાની રૂએ એમના અધ્યક્ષ સ્થાને જ બેઠક મળવી જોઈએ પણ ક્યાં કારણોથી એમ ન થયું એ સમજાતું નથી.રાજપીપળા પાલિકામાં વર્ષોથી ઓછા પગારે અને વધારાનું ભથ્થુ લીધા વગર ફાયર ફાયટરો સેવા આપી રહ્યા છે.હાલમાં જ પાલિકામાં ફાયર ફાયટરોની ભરતી માટેની જાહેરાત પડી છે, જેમાં જુના લોકોને પ્રાથમિકતા મળે માટે એ જાહેરાત રદ કરવાનો નિર્ણય કારોબારી બેઠકમાં લેવાયો છે.

(11:32 pm IST)