Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

લોકો પર વધુ બોજ : અમુલ દુધના ભાવમાં લીટરે બે રૂપિયાનો વધારો

માત્ર છ મહિનામાં બીજીવાર દુધના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો : તીવ્ર ભાવ વધારાથી ગરીબ અને મધ્યવર્ગ ઉપર વધુ બોજ પડશે : ગોલ્ડ અને તાજા દુધના ભાવમાં લીટરે બે રૂપિયાનો વધારો : અમુલ શક્તિ ભાવ યથાવત

અમદાવાદ, તા.૧૪ : અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને વધુ બોજ પડે તેવો નિર્ણય આજે અમુલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે દુધના ભાવમાં ઉલ્લેખનીય રીતે વધારો કરવામાં આવ્યો છે. અમુલ દુધના ભાવમાં લીટર દીઠ બે રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોના બજેટ ઉપર ખર્ચ વધવાની સંભાવના  છે. દુધના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યા બાદ અમુલ ગોલ્ડની કિંમત વધીને હવે હાલમાં ૫૪ બદલે ૫૬ રૂપિયા થશે. આવી જ રીતે અમુલ તાજાની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારાને લઈને લોકોમાં રોષ ફેલાય તેમ પણ દેખાઈ રહ્યું છે. જીસીએમએમએફ(ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન)- અમૂલ દ્વારા આજે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.૨નો વધારો કર્યો છે. જેને પગલે ગુજરાતભરમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. કારણ કે, છેલ્લા છ મહિનામાં અમૂલ દ્વારા આ બીજીવાર દૂધના ભાવોમાં આકરો વધારો ઝીંકવામાં આવ્યો છે.

             સામાન્ય જનતામાં અમૂલના છાશવારે ભાવવધારા અને નફાખોરીની વ્યાપારી નીતિને લઇ હવે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં દૂધના ભાવ વધારાને લઇ ગ્રાહ્ક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા વિરોધદર્શક કાર્યક્રમો અપાય તેવી પણ શકયતા સેવાઇ રહી છે. અમૂલે અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ પ્રતિ લિટર રૂ.૨નો વધારો કર્યો હતો. કંપનીના અધિકારી જયંત મહેતાએ જણાવ્યું હતું કે, બિયારણ તેમજ ઘાસચારાના ભાવમાં વધારો થયો હોવાથી ખેડૂતોને પણ વધુ વળતર મળી રહે તે માટે આ ભાવ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આવતીકાલથી અમલી બનશે. અમૂલના ભાવમાં પ્રતિલિટરે રૂ.બે નો ભાવવધારો ઝીંકાતા ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે દૂધનો સ્વાદ બગડયો છે.

            ખાસ કરીને ગરીબ માણસને તો હવે દૂધ પીવુ પોષાય તેમ જ નહી રહે. દૂધના ભાવો વધતાં હવે ચા, કોફી સહિતની આનુષંગિક ચીજવસ્તુઓમાં પણ ભાવધારો નોંધાશે તે નક્કી છે, જેના કારણે મોંઘવારી વધુ આકરી બનશે. અમૂલ દ્વારા પ્રતિ લિટરે ઝીંકાયેલા બે રૂપિયાના ભાવવધારાને લઇ લોકોમાં આજે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો હતો, ખાસ કરીને મહિલાઓ, ગૃહિણીઓએ આકરો બળાપો ઠાલવતાં જણાવ્યું હતું કે, દૂધ એ મોટેભાગે નાના બાળકો, બિમાર અને અશકત લોકો માટે પીવાતુ હોય છે ત્યારે રોજબરોજના જીવનમાં દૂધની મહત્વતા વધુ હોઇ એક રીતે અમૂલ કંપની તેનો ગેરલાભ ઉઠાવી રહી છે અને પોતાની આર્થિક નફાખોરી અને રૂપિયા કમાવાની લાલસામાં અમૂલ હવે લોકોને લૂંટવા પર ઉતરી આવી છે.

એટલે જ કંપની ગરીબ અને મધ્યમવર્ગ પર પડનારા આર્થિક બોજાની વાત વિચારી શકતી નથી. જે બહુ ગંભીર અને કમનસીબ બાબત કહી શકાય. છેલ્લા છ મહિનામાં અમૂલ દ્વારા આ બીજીવાર ભાવવધારો ઝીંકાયો છે, હવે આટલુ મોંઘા દૂધ પીવુ કેવી રીતે તે સૌથી મોટો સવાલ છે.

દુધના નવા-જુના ભાવ

અમદાવાદ, તા.૧૪ : અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને વધુ બોજ પડે તેવો નિર્ણય આજે અમુલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે દુધના ભાવમાં ઉલ્લેખનીય રીતે વધારો કરવામાં આવ્યો છે. અમુલ દુધના ભાવમાં લીટર દીઠ બે રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોના બજેટ ઉપર ખર્ચ વધવાની સંભાવના  છે. દુધના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યા બાદ અમુલ ગોલ્ડની કિંમત વધીને હવે હાલમાં ૫૪ બદલે ૫૬ રૂપિયા થશે. આવી જ રીતે અમુલ તાજાની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારાને લઈને લોકોમાં રોષ ફેલાય તેમ પણ દેખાઈ રહ્યું છે. નવા-જુના ભાવ નીચે મુજબ છે.

પ્રકાર

હાલનો ભાવ

નવો ભાવ

ભેંસનું દૂધ

૫૬

૫૮

અમૂલ ગોલ્ડ

૫૪

૫૬

શક્તિ

૫૦

૫૦

ટી-સ્પેશિયલ

૫૦

૫૧

ગાયનું દૂધ

૪૪

૪૬

અમૂલ તાજા

૪૧

૪૩

અમૂલ ચા મઝા

૪૨

૪૪

નોંધ : તમામ ભાવ લીટર રૂપિયાના છે.

(2:13 pm IST)