Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

તમામ સરકારી દવાખાનામાં વયોવૃદ્ધ માટે વિશેષ વ્યવસ્થા

નાગરિકોને વધુને વધુ સુવિધા અપાઈ રહી છે : મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંવેદનશીલ નિર્ણય રહ્યો છે : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી

અમદાવાદ,તા.૧૪ : ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, રાજ્યના તમામ સરકારી દવાખાનાઓમાં વયોવૃદ્ધ નાગરિકોની વધુ સુવિધા માટે અલાયદી વ્યવસ્થાઓ કરવા બદલ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આભાર માનતા જણાવ્યું હતું કે, ૬૦ વર્ષથી ઉપરનાં વયોવૃદ્ધ નાગરિકોને વધુ સુવિધા મળી રહે તે માટે સરકારી દવાખાનાઓમાં અલાયદી સુવિધા આપવાના નિર્ણય દ્વારા ગુજરાત સરકાર ખરા અર્થમાં 'પરદુઃખભંજન' સાબીત થઇ છે. 'જ્યાં માનવી ત્યાં સુવિધા'ના મંત્ર સાથે કાર્યરત કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમાજના તમામ વર્ગોની સુખાકારી માટે એક પછી એક ઐતિહાસિક નિર્ણયો લેવાય રહ્યાં છે. રાજ્યનાં નાગરિકોને ખાનગી દવાખાનાઓમાં મફતમાં સારવાર મળી રહે તે માટે 'માં અમૃતમ' અને 'માં વાત્સલ્ય' જેવી યોજના શરુ કરી ભાજપા સરકાર દ્વારા સાચા અર્થમાં દરિદ્રનારાયણની સેવા કરવામાં આવી છે.

            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી આરોગ્ય સેવા યોજના 'આયુષ્યમાન ભારત' હેઠળ ૫ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડી દેશના ૫૦ લાખ લોકોને સારવાર ખર્ચમાંથી મુક્તિ આપી જનસેવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યનાં સીનીયર સીટીઝન નાગરિકોને બીમારીની સારવાર માટે કોઈ મુશ્કેલી ન પડે, કોઈ હાડમારી ભોગવવી ન પડે અને સારવાર દરમિયાન ઉતમ સુવિધા મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી દવાખાનાઓમાં વયોવૃદ્ધ લોકો માટે ઓ.પી.ડી. સમય અલગથી રાખવામાં આવ્યો છે તેમજ કેસ બારી માટે પણ અલગ લાઈન તથા વયોવૃદ્ધ નાગરિકો માટે અલગ વોર્ડ અથવા અલગ વ્યવસ્થાઓ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે દર્શાવે છે કે ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચે તેમજ સમાજના તમામ વર્ગોની જરૂરિયાત મુજબ સૌને સુવિધાયુક્ત આરોગ્યસેવાઓ મળી રહે તે માટે પ્રતિબદ્ધ છે.

            અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વયોવૃદ્ધ નાગરિકો પ્રત્યે સંવેદના દાખવી આવા લોકોને સરકારી દવાખાનાઓમાં અગ્રીમતા આપી તેમના માટે અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવે તે માટે સરકારશ્રીને તા. ૧૧/૧૧/૨૦૧૯ના રોજ પત્ર દ્વારા સુચન કર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા આ સુચનને આવકારી તાત્કાલિક ધોરણે આ પ્રજાલક્ષી નિર્ણય લેવામાં છે ત્યારે વિવિધ સંસ્થાઓ, સામાજીક આગેવાનો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા ગુજરાત સરકારને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

(10:52 am IST)