Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

૩થી પ જાન્યુઆરી દરમ્યાન પાટીદાર ગ્લોબલ સમીટ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ અપાયુ : ૨૨ હજારથી વધુ બિઝનેસમેન સહિતના પ્રતિનિધી રહેશે

અમદાવાદ, તા.૧૪ : ૨૦૧૮માં પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમીટની સફળતા બાદ આ વખતે આગામી તા.૩થી પ જાન્યુઆરી, ૨૦૨૦ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ખાતે ગત વખત કરતાં સાત ગણી મોટી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન પ્રસંગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જો કે તેમના સમય અને કાર્યક્રમોમાંથી સમયને અનુરૂપ તેમની હાજરીની અપેક્ષા છે. અલબત્ત, આ પાટીદાર ગ્લોબલ સમીટમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવો પણ ખાસ હાજર રહેશે. આગામી તા.૩થી પમી જાન્યુઆરી, ૨૦૨૦ દરમ્યાન ગાંધીનગર હેલીપેડ ખાતે આ સમીટમાં આશરે એક લાખ ચો.મી જગ્યામાં ૧૪ વિશાળ ડોમમાં જુદા જુદા સેકટરના પ્રદર્શનને રજૂ કરવામાં આવશે એમ અત્રે સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયા અને મહામંત્રી જશવંત પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમીટ પહેલા પ્રમોશનલ કાર્યક્રમના ભાગરૂપે આવતીકાલે તા.૧૫મી ડિસેમ્બરે સાંજે ૪-૩૦ વાગ્યે એસજી હાઇવે પર રાજપથ કલબ ખાતે એક શામ અપનો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

             જેમાં સમીટને સ્પોન્સર કરનારા સ્પોન્સરર્સ, ૭૦૦થી વધુ સ્ટોલ્સના ધારકો,ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટના હોદ્દેદારો, સરદાર ધામ અને ભગિની સંસ્થાના ટ્રસ્ટીઓ, આગેવાનો સહિતના મહાનુભાવો હાજરી આપશે અને આગામી સમીટને લઇ મહત્વની ચર્ચા વિચારણા અને તેને સફળ બનાવવાની રૂપરેખા નક્કી કરશે. આવતીકાલે ઉપસ્થિત રહેનારા મહાનુભાવોમાં શ્રી ઉમિયાધામ ગોરેગાંવ, મુંબઇના પ્રમુખ નારણભાઇ જી.પટેલ, ગણપત યુનિવર્સિટી, ખેરવાના ચેરમેન પદ્મશ્રી ગણપતભાઇ પટેલ, કનુભાઇ એમ.પટેલ, પી.એસ.પટેલ, અડાલજ અન્નપૂર્ણા ધામના ચેરમેન રવજીભાઇ પી.વસાણી અને રમેશભાઇ મેશીયાનો સમાવેશ થાય છે.  સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયા અને મહામંત્રી જશવંત પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી તા.૩થી પમી જાન્યુઆરી, ૨૦૨૦ દરમ્યાન ગાંધીનગર હેલીપેડ ખાતે યોજાઇ રહેલા આ સમીટને લઇ અત્યારસુધીમાં ૧૧ પ્રમોશનલ કાર્યક્રમો યોજાઇ ગયા છે.

              સામાજિક સમરસતાના ભાગરૂપે તમામ સમાજને સાથે રાખીને આ વિશાળ ગ્લોબલ સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજીત ૧૦૫૦ જેટલા સ્ટોલ્સ ઉભા કરાશે. આ સમીટમાં સાત લાખથી વધુ મુલાકાતીઓ આ સમીટની મુલાકાત લેશે. શૈક્ષણિક જાગૃતિ દ્વારા શિક્ષિત યુવાનોનો જે સ્લોટ તૈયાર થઇ રહ્યો છે, તેમને તાલીમ અને માર્ગદર્શન આપી કંપનીઓમાં તેઓને સન્માનપૂર્વક નોકરી-રોજગારી મળે તે હેતુથી પણ આયોજન કરાયું છે. જયારે સામાજિક પાટીદાર ગ્લોબલ સમીટની વિશેષતા એ છે કે, સામાજિક સમરસતાના ભાગરૂપે તેમાં તમામ ઔદ્યોગિક એકમો અને બિઝનેસમેનોને આમંત્રિત કરાયા છે. માતૃશકિત સશકિતકરણના ભાગરૂપે જે બહેનો ખાદ્ય પદાર્થથી લઇ જવેલરી તેમ જ ડેરી પ્રોડેકટ સુધી પોતાની પ્રોડકટનું વેચાણ કરવા માંગતી હશે તો તેઓને સ્ટોલ્સના ભાવમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ અપાશે.

             આ ગ્લોબલ સમીટમાં ૨૨થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે.  બિઝનેસમેન અને ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા બી ટુ બીની પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે. સમીટ દરમ્યાન પ્રોફેશનલ અને પ્રેકટીકલ નોલેજ ધરાવતાં નિષ્ણાત તજજ્ઞોનો સેમીનાર પણ રાખવામાં આવ્યો છે, જેમાં ઇન્ફોસીસીના નારાયણ મૂર્તિ સહિત ગુગલના સીઇઓ અને રતન ટાટાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સમીટનો ઉદ્દેશ નેટવર્કીંગ દ્વારા દેશ અને દુનિયાના ઔદ્યોગિક વેપારી મિત્રો પરસ્પર ઉપયોગી અને પોતાની પ્રોડકટ અથવા તો કંપનીનું બ્રાન્ડીંગ માર્કેટીંગ કરીને બિઝનેસ ધંધાનું વિસ્તરણ કરી શકે તેનો છે.

             જયારે નવા ઉદ્યોગ સાહસિકોને કેવી રીતે તૈેયાર કરવા અને તેના માટે શું કરવું તેના માટે પ્રેકટીકલ અને પ્રોફેશનલ સ્પીકરો બોલાવવામાં આવ્યા છે. સરદાર ધામ અને પાટીદાર ગ્લોબલ સમીટ એ માત્ર પાટીદારો માટે જ નથી પરંતુ તેમાં અન્ય સમાજના લોકોને પણ આમંત્રણ અપાયું છે.

(9:35 pm IST)