Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

પહેલે દિવસે ડીવાયએસપી અને બીજે દિવસે બે પીઆઇ અને એક એએસઆઇ કાનુની સકંજામાં સપડાતા જ પોલીસ તંત્રમાં પનોતી પરાકાષ્ઠાએ પહોંચ્યાની ચર્ચા

રાજયભરના પોલીસ તંત્રમાં લાલચ અને પનોતીની આગની માફક ફેલાઇ ગયેલી ચર્ચા પાછળની રસપ્રદ કથાઃ જેઓના સુપરવીઝનમાં ધરખમ વિકેટો પડી તેવા આ છે કાર્યદક્ષ આઇપીએસ

રાજકોટ, તા., ૧૫: રાજય પોલીસ તંત્ર પર જાણે પનોતી સવાર થઇ હોય તેમ છેલ્લા બે દિવસમાં નાના પોલીસ સ્ટાફ સાથે પોલીસ ઇન્સ્પેકટર અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ લાંચના છટકામાં કે બીજી રીતે કાયદાના સકંજામાં  ટપોટપ  સપડાવા લાગતા પોલીસ તંત્રમાં લાલચ અને પનોતીને  જોડીને રસપ્રદ ચર્ચાઓ થવા લાગી છે.

સૌ પ્રથમ વાત કરીએ તો એક હોટલ માલીક સામે દારૂનો ખોટો કેસ ન કરવા તથા જાહેરમાં સરઘસ ન કાઢી માર ન મારવાના મામલામાં દોઢ લાખ મળવા છતા વધુ લાલચ જાગી અને વધુ પોણો લાખ લેવા જતા આ મામલામાં વિરમગામના ડીવાયએસપી નાઇનું નામ ખુલતા એસીબીના સકંજામાં આવી ગયા હતા. તેમને સેસન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં જામીન ન મળ્યા તેમાં પણ પનોતીને જ દોષ દેવાયો. એસીબી વડા કેશવકુમારનો તાપ જીરવી ન શકતા ડીવાયએસપી નાઇ હાજર થતા તેમની ધરપકડ થઇ હતી.

આ બનાવની સનસનાટી હજુ સમી ન હતી ત્યાં ગોંડલના એક બુટલેગરના લાખો રૂપીયાના દારૂના મામલામાં પાળીયાદના તત્કાલીન પીઆઇ અને હાલ બોટાદના સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એમ.એલ.ઝાલાની ધરપકડ થતા પોલીસ તંત્રમાં પનોતીની ચર્ચા પરાકાષ્ઠાએ પહોંચી છે.આ મામલામાં ભાવનગર રેન્જના કાર્યદક્ષ આઇજી નરસિંમ્હા કોમારે જાતે રસ લઇ બનાવની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીને સુપ્રત કરી પોલીસ તંત્રમાં સન્નાટો પ્રસરે તેવી દાખલારૂપ કાર્યવાહી કરાવી છે.

આ ઘટનાની સાથોસાથ ગઇકાલે જ કડીના પોલીસ ઇન્સ્પેકટર પી.એસ.ગઢવી અને જીઆરડી પરાગ વિષ્નુભાઇ પટેલ રપ હજારની લાંચમાં ઝડપાઇ ગયા છે. દારૂના કેસમાં હાજર કરવા અને માર ન મારવા માટે રપ હજાર નક્કી કરવામાં આવેલ. એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં અમદાવાદ એસીબી મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના સુપરવીઝનમાં પીઆઇ વી.જે.જાડેજા ટીમે ઝડપી લીધેલ.

ગઇકાલે જ અત્યાર સુધી અનેક મોટા માથાઓ એસીબીની ઝપટમાં લેનાર બોર્ડર રેન્જ (ભુજ) એકમના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલના સુપરવીઝનમાં પાલનપુર થતા બનાસકાંઠા ટીમે પીઆઇ કે.જે.પટેલની રાહબરીમાં છોટુભાઇ મુસલા નામના બનાસકાંઠાના વાવ પોલીસ મથકના એએસઆઇને ઝડપી લેતા હવે પનોતીની પંચાત પરાકાષ્ઠા પર છે. (૪.૧)

(3:39 pm IST)