Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ખોરાણા ગામેભાગવત કથા પ્રસંગે ભવ્ય શોભાયાત્રા

રાજકોટ તા. ૧૫ રાજકોટ નજીકના ખોરાણા ગામે મંદિરમાં વિરાજીત ભગવાન શ્રી સ્વામિનારાયણને પંદર વર્ષ પૂરા થતાં પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપીના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના શિષ્ય શાસ્ત્રી ભક્તિવેદાંતદાસજી સ્વામી તથા જૂનાગઢનાં પુરાણી શ્રી માધવજીવનદાસજી સ્વામીના વ્યાસપદે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.

કથાના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. એમાં પ્રથમ ભગવાન શ્રી સ્વામિનારાયણનો રથ, બીજા રથમાં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા કથાના વક્તાશ્રીઓ બિરાજમાન હતા. રાજકોટ બેન્ડ પાર્ટી તથા મસ્તકે પોથી અને કળશધારી બહેનો સાથે ખોરાણા ગામની રાસ મંડળી પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા.

કથાના પ્રારંભમાં દીપપ્રાગટ્યમાં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા કથાના વક્તાશ્રીઓ સાથે કથાના યજમાન જસવંતભાઈ સોરઠીયા, જયેશભાઇ સોરઠીયા, વલ્લભભાઈ વેકરીયા, ગોરધનભાઈ વેકરીયા તથા અનિલભાઈ વગેરે જોડાયા હતા.

પ્રથમ દિવસે વક્તા શ્રી માધવજીવન દાસજી સ્વામીએ ભાગવત કથાનું માહાત્મ્ય સમજવ્યું હતું. કથાનો સમય બપોર પછી ૩:૩૦ થી ૬: ૩૦૦ અને સાંજે ૮:૩૦ થી ૧૦:૩૦ રાખવામા આવેલ છે.

 

(3:22 pm IST)